લોકોમાં રોષ:ડભોઇમાં આંતરે દિવસે જ પાણી મળતાં લોકો આંદોલનના મૂડમાં

ડભોઇ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પાણીની મોટર બગડી હોવાનું રટણ કરતી પાલિકા
  • સમયસર અને જોઇતું પાણી ન મળતાં લોકોનો પાલિકા સામે રોષ

ડભોઇ નગર પાલિકાના નિષ્ફળ વહીવટના પ્રતાપે પાછલા એક માસ જેટલા સમયથી નગરમાં વસતા લોકોને પીવાના પાણીના કકળાટનો સામનો કરવો પડી રહ્યો છે. પાણીની મોટર બગડી ગયેલ હોવાનું રટણ કરતી પાલિકા પાસે સમસ્યાનું નિરાકરણ લાવવાનો રસ્તો નથી. જેના કારણે લોકોને પીવાનું પાણી આંતરે દિવસે મળતાં તકલીફોનો સામનો કરવો પડે છે. સમયસર અને જોઇતું પાણી ના મળવાના કારણે લોકોમાં પાલિકા સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે.

એક બાજુ વિધાનસભાની ચૂંટણીનો પ્રચાર ચરમસીમાએ પહોંચ્યો છે. ત્યારે ડભોઇ નગરમાં પાલિકાના અણઘડ અને ભ્રષ્ટ વહીવટને લઈ નગરમાં પારાવાર ગંદકી, ધુળીયા રસ્તા, તકલાદી માર્ગો, ડ્રેનેજના ઉભરાતા રેલા અને હવે પીવાના પાણીનો કકળાટ સામે આવતાં લોકો મુશ્કેલીમાં મૂકાયા છે. મોટર બગડી ગયેલ હોઇ પરંતુ સેટિંગમાં ભાંજગડ પડતાં તેનું નિરાકારણ આવતું ના હોવાનું પાલિકા વર્તુળોમાં ચર્ચાએ જોર પકડ્યું છે. પીવાના પાણીની સમસ્યા દૂર ના થતાં આખરે લોકોએ હવે પાલિકા સામે મોરચો માંડવાનું મન બનાવી લીધેલ હોવાનું પણ જાણવા મળેલ છે.

સરકારી પ્રક્રિયામાં થોડો સમય લાગતો હોવાથી નિરાકરણ નથી આવ્યું
ડભોઇ નગરમાં એક સાથે પીવાના પાણીની ચાર મોટરો બંધ થઈ ગયેલ છે. એક માસ જેટલો સમય વિતવા પાછળનું કારણ સરકારી પ્રક્રિયામાં મોડું થતું હોવાનું છે. હવે એક સપ્તાહમાં સમસ્યાનું નિરાકરણ આવી જશે. - જયકિશન તડવી, ચીફ ઓફિસર, ડભોઇ નગર પાલિકા

એક મહિનાથી પાણી નિયમિત અને સમયસર ન મળતાં ખૂબ તકલીફ રહે છે
ડભોઇ નગર પાલિકા દ્વારા પાછલા એક માસથી પીવાનું પાણી આંતરે દિવસે માત્ર એક જ સમય આપવામાં આવે છે. અમો રાજકીય અગ્રણીઓને પૂછીએ તો કહે છે કે મોટર બગડી ગઈ છે. જેનું નિરાકરણ આવતું ના હોઇ રોજિંદા જીવનમાં ખૂબ જ તકલીફો રહે છે. - રામુભાઇ મથુરભાઈ તડવી, રહીશ, રેલવે નવાપુરા, ડભોઇ

પાણી આંતરે દિવસે આવતાં અમારે ખૂબ વિચારીને તેનો વપરાશ કરવો પડે છે
ડભોઇ નગરમાં આંતરે દિવસે પીવાનું પાણી પાલિકા દ્વારા અપાઈ રહ્યું છે. જીવન જરૂરી પ્રાથમિક આવશ્યક સેવા હોવા છતાં એક માસથી નિરાકરણ આવતું ના હોય એ સંવેદનશીલ વહીવટનો ઉત્તમ નમૂનો છે. પાણી આંતરે દિવસે આવતું હોવાથી અમારે ખૂબ જ વિચારીને પાણીનો વપરાશ કરવો પડે છે. -તસ્લીમબાનુ મનસુરી, રહીશ વોરવાડ, ડભોઇ

અન્ય સમાચારો પણ છે...