રોગચાળો થવાનો ભય:ડભોઈના ભાથુજીનગરમાં 15 દિવસ બાદ પણ વરસાદી પાણી જેમના તેમ!

ડભોઈ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
ડભોઇ નગરમાં ભાથુજી નગર વિસ્તારમાં પખવાડિયા પૂર્વે પડેલા વરસાદને લઇ આજે પણ પાણી ભરાયેલા હોવાથી તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં ન આવતાં તંત્ર સામે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. - Divya Bhaskar
ડભોઇ નગરમાં ભાથુજી નગર વિસ્તારમાં પખવાડિયા પૂર્વે પડેલા વરસાદને લઇ આજે પણ પાણી ભરાયેલા હોવાથી તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં ન આવતાં તંત્ર સામે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.
  • ઘૂંટણ સમા પાણીમાં ચાલીને જવાથી રોગચાળો થવાનો ભય
  • વરસાદ ઓછો થયો હોવા છતાં કોઇ કાર્યવાહી નહીં કરાતાં લોકોમાં રોષ

ડભોઇમાં પખવાડિયા પૂર્વે 2 કલાકમાં 4 ઇંચ પડેલા વરસાદને પગલે નગરના મોટાભાગના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. મોટાભાગના વિસ્તારોમાં વરસાદી પાણીનો નિકાલ થઈ ગયો છે. પરંતુ હીરાભાગોળ બહાર આવેલ ભાથુજીનગરને ઘેરીને બેઠેલા વરસાદી પાણીનો નિકાલ ન થતા ત્યાંના 125 જેટલા કુટુંબોને વારંવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. સબ સલામત હૈ ના દાવો ઠોકતા પાલિકા તંત્ર પણ પોકળ સાબિત થઈ રહ્યું છે.

ડભોઇ હીરાભાગળ બહાર ભાથુજી નગર વિસ્તારમાં રહેતા 125 જેટલા પરિવારો હાલ પારાવાર હાલાકીનો સામનો કરી રહ્યાં છે. 15 દિવસ પૂર્વે ડભોઇમાં પડી ગયેલા વરસાદને કારણે નગરના કોટ વિસ્તાર બહાર આવેલ કઈ કેટલી સોસાયટીઓ ઝુપડપટ્ટી કે અન્ય માર્ગો પર ઘુંટણ સમા પાણી ભરાઈ ચૂક્યા હતા. કલાકો કે બબ્બે ત્રણ-ત્રણ દિવસ સુધી વરસાદી પાણીનો નિકાલ ન થતા પ્રજા હેરાન પરેશાન થઈ ચૂકી હતી.

જો કે સોસાયટી વિસ્તારમાંથી તો પાણીનો નિકાલની વ્યવસ્થા તંત્ર દ્વારા કરી દેવાઈ હતી. પરંતુ આજે પણ ભાથુજીનગર સોસાયટીની ચારેકોર ઘૂંટણ સમા પાનીનો નિકાલ કરવામાં પાલિકા તદ્દન નિષ્ફળ ગઈ છે. 15 દિવસના વ્હાણા વહી ગયા છતાં હાલ તો હવે વરસાદ પણ વિરામ લઈ માત્ર ઝરમરિયા વરસાદ પડતો હોય તેમ હોવા છતાં વરસાદી પાણીની આવક પણ રહી નથી. તેમ છતાં આ વિસ્તાર હજુ પણ વરસાદી પાણીથી ઘેરાયેલો જોવા મળી રહ્યો છે.

આ વિસ્તારના રહીશોને ઘુંટણ સમા પાણી પસાર કરીને જ મુખ્ય માર્ગ સુધી આવવું પડે છે. સવાર પડે કે વારંવાર પાણીમાંથી અવર-જવર કરવાની હોવાથી પગમાં કોવારો થવો એ સિવાય ગટરના પાણી પણ એકત્ર થતાં રોગચારો ફાટી નીકળવાની ભીતિ પણ રહીશોને સતાવી રહી છે.

એનાથી મોટી બાબત તો એ છે કે ચારે બાજુ નદી નાળા છલકાવાથી મગરો પણ વિસ્તારના આવા પાણીમાં ફરતા થઈ ચૂક્યા છે. જો વારંવાર આ રોડ પર દેખા પણ દેતા હોવાથી નાના બાળકોને શાળાએ લાવવા લઈ જવા મહિલાઓને વારંવાર બજારના કામે કે મજૂરી કામે જવા માટે એટલા જ પાણીથી પસાર થવું પડતું હોય રોગચાળો, મગર તેમજ ચામડીના રોગોની ભીતિ બહુ મોટા પ્રમાણમાં સતાવી રહી છે. જેને લઇ રહીશોમાં પાલિકા તંત્ર પ્રત્યે ભારે રોષ જોવા મળી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...