સમસ્ત વાલ્મીકી સમાજ ગુજરાત નામના સંગઠણના નેજા હેઠળ ડભોઇ નગર પાલિકાના રોજમદાર અને કાયમી સફાઇ કામદારો પાછલા 15 દિવસથી હડતાળ પર ઉતરી પાલિકાની સામેજ ધરણા પર બેસી ગયા છે. ત્યારે હવે આંદોલન જલદ કાર્યક્રમો તરફ કુચ કરતુ હોવાથી રાજ્યના મુખ્યમંત્રી ના પુતળા દહણનો કાર્યક્રમ પોલીસે નિષ્ફળ બનાવ્યા બાદ પાલિકા ને તાળાબંધી કરાશે તેવી વાત વહેતી થતા નગરપાલિકા કચેરી સવારથી જ પોલીસ છાવણીમાં ફેરવાઇ ગઈ હતી.
જો કે હડતાળ પર ઉતરેલા સફાઇ કામદારોએ વાલ્મીકી સમાજના પ્રમુખ જીતુભાઇ બારૈયાની આગેવાનીમાં ધરણા સ્થળે જ વાજાપેટીઅને ઢોલ વગાડી ભજન કિર્તન કરી સત્તાધીશોને જગાડવાનો પ્રયત્ન કર્યો હતો. ડભોઇ નગર પાલિકાના કાયમી અને રોજમદાર સફાઇ કામદારોને પાછલા 3 માસથી પગાર ના ચૂકવાયો હોય તેમજ રોજમદાર સફાઇ કર્મચારીઓને કાયમી કરવા તેમજ પોતાને મળતા બંધારણીય અધિકારો આપવાની માગ સાથે ગત તા-7 માર્ચ 2022થી તમામ સફાઇ કામદારો હડતાળ પર ઉતરી ગયા છે.
ત્યારે દિવસોના દિવસો પસાર થવા છતાં પણ કોઇ નિરાકારણ ના આવતા આખરે જલદ કાર્યક્રમોની શરૂઆત કરાઇ છે. જેમાં સમસ્ત વાલ્મીકી સમાજ ગુજરાત નામના સંગઠણ પ્રમુખ જીતુભાઇ બારૈયાની આગેવાનીમા સફાઇ કામદારો અને મહિલાઓ વિરોધ કાર્યક્રમો કરી પોતાની માગ બુલંદ બનાવી રહ્યા છે. જેમાં પાલિકાને તાળાબંધી કરવાની વાત વહેતી થતા સવારથી જ પાલિકા કચેરી ખાતે ડીવાયએસપી કે.વી.સોલંકી સહિત જવાનોથી વિસ્તાર છાવણીમાં ફેરવાઇ ગયો હતો.
તાળાબંધી ના કરી ધરણાં સ્થળે સામૂહિક ભજન કરાયું
સફાઇ કામદારોએ વાલ્મીકી સમાજ સંગઠણના પ્રમુખ જીતુભાઇ બારૈયાના નેજા હેઠળ પાલિકા કચેરીને તાળાબંધી ના કરી પરંતુ સત્તાધીશોને કુંભકર્ણની નિંદ્રામાથી જગાડવા માટે હાર્મોનિયમ, ઢોલ, તબલા વગાડી કોણ જાણી શક્યું કાળ ને રે...સવારે કાલ કેવુ થશે...ભજન સામૂહિક રીતે એકસુરી ગાઇ જાણે કે આવતીકાલે ડભોઇ પાલિકાનો માળો પીંખાઇ જવાનો ઇશારો આપ્યો હતો. પોલીસ પણ ભજનના સૂરથી અસમંજસમાં મુકાઇ હતી.
કોંગ્રેસ અને આપ બંને પાર્ટીના મૌનથી નગરજનોમાં રોષ
ડભોઇ નગરપાલિકા વિસ્તારમાં મુસ્લિમ, આદિવાસી, દલિતને પોતાની વોટબેંક માણતી કોંગ્રેસ પાર્ટી સફાઇ કામદારોની હડતાળના સમર્થનથી દૂર રહી નગરમાં વ્યાપેલી પારાવાર ગંદકીને લઈ લોકહિતમાં પણ પગલા લેવા તૈયાર ના હોય અને આમ આદમી પાર્ટી પણ મૌન ધારણ કરેલ હોય લોકોમા ભારે રોષ જોવા મળી રહ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.