રોગચાળા ફેલાવવાની ભીતિ:ડભોઇમાં ડ્રેનેજ ઉભરાવાથી ખદબદતી પારાવાર ગંદકી

ડભોઇ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
ડભોઈની વસઈ વાલા જીન વિસ્તાર સહિત નગરમાં ઉભરાતી ડ્રેનેજથી પારાવાર ગંદકીથી નગરજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. - Divya Bhaskar
ડભોઈની વસઈ વાલા જીન વિસ્તાર સહિત નગરમાં ઉભરાતી ડ્રેનેજથી પારાવાર ગંદકીથી નગરજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.
  • નગર પાલિકા તંત્ર દ્વારા ઉડાઉ જવાબો અપાતા પંથકમાં રોગચાળાનો ભરડો ફેલાવવાની ભીતિ

ડભોઇ નગર પાલિકાના પાપે નગરના જુદાજુદા વિસ્તારોમાં ડ્રેનેજ ઉભરાતી હોવાથી પારાવાર ખદબદતી ગંદકીથી નગરજનો ત્રાહીમામ પોકારી ગયા છે. નગરના મહુડીભાગોળ વસઈવાલા જીન વિસ્તારમા પાછલા બે માસથી ઉભરાતી ગટરો અને ખદબદતી ગંદકીની અસંખ્ય ફરીયાદો રહીશોએ કરવા છતા પાલિકા દ્વારા વેક્યુમ બગડેલ છે. રાઉટર બદલાવાનુ છે. મશીન કાર્યરત નથી. તેવા ઉડાઉ જવાબો આપી ઠેલનગાડી ચલાવે રાખતા હોઇ કોલેરાગ્રસ્ત નગરમા ડેંગ્યુ, મલેરીયા અને તાઇફોઇડના કેસો માથુ ઉચકી રહ્યા છે.

મહાત્મા ગાંધીજીની દુહાઇ દઈ સ્વચ્છતા મિશન અંતર્ગત ડભોઇથી દિલ્લી સુધી નેતાગીરી કરી ખુરશીના હીમાયતી બની જતા નેતાઓને ગાંધીજયંતિ નિમીત્તે પણ ડભોઇ નગરમા ભાજપાની સત્તા હોવા છતા પણ નગરમા સ્વચ્છતા જળવાઇ નહી. રાજ્ય અને કેન્દ્રની ભાજપા સરકાર દ્વારા અનેક સંશાધનો અને કરોડો રૂપિયાની ગ્રાન્ટો નગર પાલિકાને ફાળવી આપતી હોય છે. નગરના સુદ્રઢ વહીવટ માટે પગરદાર નોકરો રાખી પાલિકાનો વહીવટ પણ કરાતો હોય છે. તેમ છતાં સરકારનુ બધુ આયોજન ડભોઇની ગટરોના રેલામા વહી જતુ જણાઇ રહ્યુ છે.

નગરના વસઈવાલા જીન વિસ્તારમાં પાછલા બે માસથી ડ્રેનેજની સમસ્યાઓને કારણે પારાવાર ગંદકી ખદબદી રહી છે. ભઠીયારા મહોલ્લા, રેલ્વે નવાપુરા, મિલ્લતનગર, હીરાભાગોળ સહીત અનેક વિસ્તારોમા ડ્રેનેજના રેલા અને ઉભરાતી ગટરોથી માથાફાટ દુર્ગંધ ફેલાઇ રહી છે. રાહદારીઓ અને રહીશોને મોઢે ડુચા દેવાનો વારો આવી રહ્યો છે. પાલિકાનો વહીવટ નિષ્ફળ જતો જણાઇ રહ્યો હોય નગરજનોમા ભાજપાના વહીવટ સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે નગરજનોની તકલીફો અને સ્વચ્છતાને ધ્યાનમા રાખી પાલિકાના વહીવટ કરતાઓ વહેલી તકે સમસ્યાનો નિકાલ લાવે તેવી માંગ કરાઇ રહી છે.

અન્ય સમાચારો પણ છે...