તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:ઓરસંગ નદીના પટમાંથી ગેરકાયદે રેતી ઉલેચાતાં કાર્યવાહી કરવા માગ

ચાંદોદ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
ઓરસંગ પટમાંથી ખાડા ખોદી થઇ રહેલું ગેરકાયદે રેતી ખનન નજરે પડે છે. - Divya Bhaskar
ઓરસંગ પટમાંથી ખાડા ખોદી થઇ રહેલું ગેરકાયદે રેતી ખનન નજરે પડે છે.
  • ઓરડી-માનપુરાના ગ્રામજનો ચાંદોદ પોલીસ સ્ટેશન આવી પહોંચ્યા

ડભોઇ તાલુકાના ઓરડી-માનપુરા ગામના નદી કિનારેથી રેતી માફિયાઓ દ્વારા ઓરસંગ નદીના ભાઠામાંથી બેરોકટોક ગેરકાયદે રેતીનું ખનન થતું હોય ગ્રામજનો દ્વારા ચાંદોદ પોલીસને કાર્યવાહી કરવા રજૂઆત કરાઈ હતી.ડભોઇ તાલુકાના તીર્થક્ષેત્ર ચાંદોદ પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં આવેલા ઓરડી-માનપુરા ગામના ઓરસંગના ભાઠામાં લીઝ ધારકો દ્વારા પરવાનાની આડમાં દિવસ રાત ગેરકાયદે રીતે રેતી ઉલેચવાનો વેપલો મોટા પ્રમાણમાં ફૂલ્યો ફાલ્યો છે.

અનેકવાર વિસ્તારના રહીશો દ્વારા યોગ્ય કાર્યવાહીની માગ કરવામાં આવતી હોવા છતાં પોલીસ તંત્ર, ખાણ ખનીજ તેમજ મામલતદાર વિભાગ દ્વારા નક્કર કામગીરીના અભાવના પરિણામે રેતી માફિયાઓ ઓરસંગ નદીના ભાઠાને બોડી-બામણીનું ખેતર સમજી તંત્રની પરવા કર્યા વિના ઉલેચતા રહ્યા છે. જેના પરિણામે કિનારાઓનું ધોવાણ તેમજ સ્થાનિક પંચાયતોને આર્થિક નુકસાન થઈ રહ્યું છે. રેતી માફિયાઓની આવી મનમાનીથી કંટાળી શનિવારના રોજ માનપુરા-ઓરડીના ગ્રામજનો ઓરસંગના ભાઠામાં ધસી આવ્યા હતા અને સ્થળ પર ચાંદોદ પોલીસને બોલાવી પરિસ્થિતિથી વાકેફ કર્યા હતા.

જોકે પોલીસની એન્ટ્રી થાય તે પૂર્વે જ ગેરકાયદે રેતી ખનન કરતા તત્વો ડમ્પરો અને ટ્રેક્ટરો લઈ ત્યાંથી છૂમંતર થઈ ગયા હતા. આ ડ્રામા મોડી રાત સુધી ચાલ્યો હતો. ઓરડી- માનપુરાના નગરજનો તેમજ સરપંચ હરીશભાઇ બારીયા આજ મામલો લઈ શનિવારે રાત્રિના 12 કલાકે ચાંદોદ પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા અને સમગ્ર પરિસ્થિતિથી પુનઃ ચાંદોદ પોલીસને વાકેફ કર્યા હતા.

ત્યારે ચાંદોદ પોલીસે સરપંચ અને નગરજનોના જરૂરી જવાબ મેળવી કાર્યવાહી કરવા અંગે ખાણ ખનીજ ખાતાને રિપોર્ટ કર્યો છે.ઉલ્લેખનીય છે કે તંત્રની આંખ સામે જ ચાલતા ગેરકાયદે રેતી ખનનના વેપલા અંગે જાગૃત ગ્રામજનો જ્યારે બાયો ચડાવે છે. ત્યારે જ નિંભર તંત્ર ઉંઘમાંથી જાગી કાર્યવાહી કરવા કામે લાગે છે તે નક્કર સત્ય છે.

અન્ય સમાચારો પણ છે...