બેદરકારી:ડભોઇ પાલિકાના 30 ફૂટ ઊંડા ડ્રેનેજ કૂવામાં 17 સફાઇકર્મીને ઉતારી જોખમી સફાઇ કરાવી

ડભોઇ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
ડભોઈ નગર પાલિકા પાસે નગરની ડ્રેનેજનું પાણી શોષતા ડ્રેનેજના 30  ફૂટ ઊંડા મુખ્ય કૂવામાં ઉતરી જીવનાં જોખમે મળમૂત્ર, કાપના મલબાની સફાઈ કરતાં કોન્ટ્રાક્ટના સફાઇકર્મી નજરે પડે છે. - Divya Bhaskar
ડભોઈ નગર પાલિકા પાસે નગરની ડ્રેનેજનું પાણી શોષતા ડ્રેનેજના 30 ફૂટ ઊંડા મુખ્ય કૂવામાં ઉતરી જીવનાં જોખમે મળમૂત્ર, કાપના મલબાની સફાઈ કરતાં કોન્ટ્રાક્ટના સફાઇકર્મી નજરે પડે છે.
  • ડ્રેનેજ કૂવામાં કોન્ટ્રાક્ટરે સેફ્ટી સાધન વિના જ કર્મચારીઓને કામે લગાડી દીધા

ડભોઇ વડોદરા માર્ગ પર થુવાવી નજીક આવેલ દર્શન હોટલના ખારકૂવામાં થુવાવી ગામના દલિત સમાજના સફાઇ કર્મીઓને ખારકુવાની સફાઇ માટે ઉતારવાની ઘટનામાં 7 વ્યક્તિના મોત થવા સાથે ઘટના રાજ્ય અને દેશભરમાં પ્રચલિત થવા પામી હતી. રાજ્યભરમાં આવી અનેક ઘટનાઓમાં ઝેરી ગેસની જીવલેણ અને ગંભીર અસરને કારણે નોધપાત્ર સફાઇકર્મીઓ મરણને શરણ થયેલ હોવા છતા તંત્ર એ કોઇ બોધપાઠ લીધેલ ન હોવાનું ફલિત થઈ રહ્યુ છે.

કારણ કે ડભોઇ નગર પાલિકા દ્વારા બનાવાયેલા નગરની ડ્રેનેજ વ્યવસ્થાના મળ, પાણી અને કાંપ શોસતા કૂવાઓની સફાઇ માટે કોન્ટ્રાક્ટર દ્વારા 17 લોકોને કામે લગાડી કેટલાકને 30 ફૂટ ઊંડા ઝેરી ગેસ, મળ, કાંપ ભરેલા કૂવાઓમાં જોખમી રીતે સેફ્ટી સાધન વિના જ ઉતારી દીધા હતા. આ અંગે પાલિકાના ચીફ ઓફિસર એસ.કે.ગરવાલ એ પુછતા તેઓએ જણાવ્યું હતું કે આમા કોઇપણ જાતના સરકારના નિયમોનો ભંગ થતો નથી. ડ્રેનેજ કૂવામાં માણસોને ઉતારી શકાય છે તેમ નિશંકોચ પણે જણાવતા આશ્ચર્ય થવા પામ્યું હતુ.

સરકારી નિયમોનો કોઇ ભંગ થતો નથી
નગરના માર્ગો પર આવેલ ડ્રેનેજ લાઇનની મેનકુંડીની સફાઇ અંદર ઉતરીને કરવી મનાઇ છે. જ્યારે આ તો નગરની ડ્રેનેજનો કૂવો હોવાથી તેમાં સરકારી નિયમોનો કોઇ ભંગ થતો ન હોય તેમાં કોઇપણ જોખમ નથી રહેતું. જ્યારે કુંડીઓ સાંકડી અને હવાની જગ્યા ન રહેતા ગેસ નિકળતો ન હોઇ ગૂંગળામણ થવાની શક્યતા રહે છે. ડ્રેનેજના કૂવામાં આવુ થતું નથી. > એસ.કે.ગરવાલ, ચીફ ઓફિસર, ડભોઇ, પાલિકા

પાલિકાએ સાધનોથી જ સફાઇ કરાવવી જોઇએ
ડ્રેનેજની બાબતે વધુમાં વધુ 5થી 6 ફૂટ સુધી જ માણસને નાછૂટકે ઉતારી કામ લઈ શકાય છે. ડ્રેનેજની કુંડી કે ઊંડા કૂવામાં ઝેરી ગેસ રહેતો હોવાથી ખુબજ ગંભીર પુરવાર થઈ શકે છે અને જીવલેણ સાબિત થઈ શકે છે. અગાઉ હોટલ દર્શનની ઘટનામાં આવી જ રીતે એક સાથે 7 વ્યક્તિના મોત નિપજ્યા હતા. પાલિકાએ સાધનોથી જ સફાઇ કરાવવી જોઇએ. > સુભાષભાઇ ભોજવાણી, ડભોઇ પાલિકા ,વિરોધપક્ષ

​​​​​​​ડ્રેનેજના કૂવા સફાઇકર્મીઓ માટે મોતના કૂવા સમાન!
ડ્રેનેજના કૂવામાં પાણી, મળમૂત્ર, કાંપ કચરો રહેતો હોવાથી તેમાં ઓક્સિજનનું પ્રમાણ નહીવત હોય છે. જ્યારે નાઇટ્રોજન, કાર્બન ડાયોક્સાઇડ અને હાઇડ્રોજન સલ્ફાઇડનું પ્રમાણ ખુબજ વધુ હોવાથી જીવલેણ ગેસ ઉત્પન્ન થતો હોઇ અંદર ઉતરેલ વ્યક્તિને ઝેરી ગેસની અસર થાય તો ચક્કર આવે, શ્વાસ રુંધાય, ઊલટીઓ થાય અને મરણને શરણ પણ થઈ શકે છે.

સફાઇકર્મીઓ પાસે સેફ્ટીના સાધનો નથી
ડભોઇ પાલિકાથી માત્ર 50 મીટરના અંતરે આવેલા નગરના મુખ્ય ડ્રેનેજના કૂવામાં મળમૂત્ર અને કાંપની સફાઇ કરવા ઉતરેલા સફાઇકર્મીઓને સેફ્ટીના સાધનો પણ આપ્યા ન હોય મોઢા પર માસ્ક નથી, હાથમાં ગ્લોવ્ઝ નથી. ઓક્સિજનની કોઇ વ્યવસ્થા ન કરી હોવાનું સ્પષ્ટ જણાઈ રહ્યું છે. છતાં પાલિકાના ચીફ ઓફિસરને કશંુ જોખમ જણાયું ન હતું.

અન્ય સમાચારો પણ છે...