હાલાકી:ડભોઇનું વઢવાણા સિંચાઇ તળાવ હાલ ખાલીખમ : ગત સપ્તાહે 2 ફૂટ પાણી હતું

ડભોઈ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કમાન્ડ એરિયાના ખેડૂતોને ઉનાળુ પાક માટે છેલ્લું પાણી ન મળતાં નુકસાન
  • તાલુકાના 118 ગામોના 86 તળાવમાંથી માત્ર 7 તળાવમાં જ નહીવત પાણી

ડભોઇ તાલુકામાં આવેલ 118 ગામમાં મોટા ભાગે ખેડૂતો અને પશુપાલકો વસવાટ કરે છે. હાલ ઉનાળો આકરા સ્વરૂપમાં 42થી 45 ડિગ્રી વચ્ચે તાપમાનનો પારો રહ્યો છે. ત્યારે ચાલુ સાલ ઉનાળાની મધ્યમાં જ તાલુકાના 118 ગામો આવેલ 86 જેટલા તળાવોમાંથી માત્ર 7 જેટલા તળાવોમાં જ નહિવત પાણી જોવા મળ્યું છે. જ્યારે હવે તો જિલ્લાનું સૌથી મોટું ગણાતું વઢવાણા સિંચાઈ તળાવ પણ ખાબોચિયામાં ફેરવાઇ જતા સુક્કુફટ્ટ જોવા મળી રહ્યું છે. આ તળાવના કમાન્ડ એરિયામાં આવતા ખેડૂતો માટે હવે છેલ્લું સિંચાઇનું પાણી ના મળતા હાલ હાલાકી ભોગવી રહ્યા છે.

ગાયકવાડ સરકારના રાજમાં તે સમયના દીર્ઘદ્રષ્ટા સયાજીરાવ ગાયકવાડ દ્વારા પૂર્વ પટ્ટીના 22 જેટલા ગામોના ખેત લાભ માટે ઓરસંગના વહી જતા પાણીને રોકવા જોજવા ખાતે આડ ડેમ બનાવી સમગ્ર પાણી વઢવાણા સિંચાઈ તળાવમાં ઠાલવી બારેમાસ ખેતી માટે આ પાણીનો ઉપયોગ કરવામાં આવેથી જળક્રાંતિથી કૃષિ ક્રાંતિના પ્રયત્નો કરવામાં આવ્યા હતા. જે દિવસો જતા હાલ દેશ-વિદેશના પક્ષીઓ માટે હેરિટેજ પણ બની ગયું છે.

પરંતુ હાલ ઉનાળાના આવા આકરા તાપમાં તાપમાનનો પારો 43 ડિગ્રીની આસપાસ રમ્યા કરતો હોઇ તેની અસર આ વઢવાણા તળાવ પર પણ જોવા મળી છે. દર સપ્તાહે જ આ તળાવમાં 2 ફૂટ જેટલું પાણી તો હતું જ. પરંતુ હાલ તો આ તળાવમાં નાના નાના ખાબોચિયા રૂપે પાણી છે. જેમાં પશુઓ પણ ચરતાં જોવા મળી રહ્યા છે. આસપાસના ખેડૂતોને ઉનાળુ પાક માટે થોડું ઘણું પાણી ન મળ્યું પરંતુ ઉનાળુ પાક માટે હવે છેલ્લું પાણી પણ મળી શકે તેવી પરિસ્થિતિ રહી નથી. એક બાજુ નર્મદા પાણીની આવક પણ હાલ બંધ થઈ ચૂકી છે.

જેથી હાલ પાણી મેળવી તળાવ ભરાશેની આશાઓ પણ રહી નથી. જેના પરિણામ ભોગે આ કમાન્ડ એરિયામાં આવતા ખેડૂતોના ખેતરોનો મકાઇ, સુંધિયું, અને ઘાસ ચારા અને બાજરી જેવા પાકોને સિઝનના છેલ્લા ભાગનું પાણી નહીં મળવાને કારણે સુકાવાને આરે છે. ત્યારે સરકાર તરફથી કેનાલો થકી ખેડૂતો અને પશુપાલકો સુધી પાણી પહોંચાડવામાં આવે તેવી માગ ઉઠવા પામી છે. ચોમાસુ મોડુ થયું તો ખેડૂત અને પશુપાલકોને મોટી સમસ્યાનો સામનો કરવો પડે તેવી સ્થીતી નિર્માણ પામી રહી છે.

અન્ય સમાચારો પણ છે...