ડભોઇના શાકભાજીના વેપારીની ફોર્ડ ઇન્ડિયા કંપનીની 2010ના મોડલની કાર વેચવાની હોવાથી વર્ષ 2019માં નસવાડીના ચામેઠા ગામે રહેતા ઇસમે2,40,000માં વેચાણ રાખી હતી. જેની અવેજમાં ચેક આપ્યો હતો. જે ચેક કાર માલિકે જમા કરાવતાં ચેક બેલેન્સના અભાવે પરત ફર્યો હતો. જેથી વિફરેલા કાર માલિકે પોતાના વકીલ મારફતે ડભોઇ કોર્ટમાં ફરિયાદ આપતાં કોર્ટે આરોપીને એક વર્ષની સાદી કેદ તેમજ કારના નાણાં ચૂકવવા હુકમ કર્યો હતો.
ડભોઇના સ્ટેશન માર્ગ પર રહેતા અને માર્કેટ બજારમાં શાકભાજીનો વેપાર કરી ગુજરાન ચલાવતા મકબુલભાઇ જમાલભાઇ જંબુસરીયાને વર્ષ 2019માં ફોર્ડ ઇન્ડિયા કંપનીની 2010ના મોડલની કાર વેચવાની હતી. જેની કિંમત તેમણે રૂા.2,40,000 મૂકી હતી. નસવાડી તાલુકાના ચામેઠા ગામે રહેતા તેમના ઓળખીતા સહીદભાઇ ઐયુબભાઇ ઘાંચીને આની જાણ થતાં તે કાર વેચાણ લેવા ડભોઇ આવ્યા હતા. અને કારનો સોદો કરી ઓળખાણને લઈ ખરીદીની અવેજમાં બેંક ઓફ બરોડાનો ચેક લખી આપ્યો હતો.
બાદ કાર માલિકે મુદતે ચેક ડભોઇની મહાલક્ષ્મી બેંકમાં પોતાના ખાતામાં જમા કરાવતાં ચેક ‘બેલેન્સ ઈનસફિશિયન્ટ’ના શેરા સાથે પરત ફર્યો હતો. જેથી કાર માલિકને પોતે ચિટિંગનો ભોગ બન્યા હોવાનો અહેસાસ થતાં તેમણે ડભોઇ કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો. જેમાં કોર્ટે આરોપીને એક વર્ષની સાદી કેદ તેમજ કારની કિંમત રૂા..2,40,000 ચૂકવી આપવાનો હુકમ કર્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.