ભાસ્કર વિશેષ:ચાંદોદ ગ્રામ પંચાયતની કચેરીને તાળાબંધી

ચાંદોદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બદલી પામેલા તલાટી દ્વારા જરૂરી રજિસ્ટર નવા તલાટીને ન સોંપાતાં રોષ
  • કાયમી તલાટીની નિમણૂક ના થતાં પંચાયત પરિવાર તેમજ નગરજનો દ્વારા તાળાં મરાયાં

ચાંદોદ ગ્રામ પંચાયતના બદલી પામેલા તલાટી દ્વારા જરૂરી રજિસ્ટર નવા તલાટીને સોપવામાં નહીં આવતા તેમજ પંચાયતમાં કાયમી તલાટીની નિમણૂકનો અભાવ હોવાથી પડતી હાલાકીને લઇ શનિવારે ચાંદોદ ગ્રામ પંચાયત કચેરીને તાળાબંધી કરાઇ હતી.

ડભોઇ તાલુકાના ચાંદોદ ગ્રામ પંચાયતમાં ફરજ બજાવતા તલાટીઓની અનિયમિતતા અને વારંવાર તલાટીઓની બદલી થતી હોઇ પંચાયતના વહીવટ સહિત લોકોને પડતી હાલાકી યક્ષ પ્રશ્ન બની રહ્યો છે. ચાંદોદ ગ્રામ પંચાયત ના તલાટી કમ મંત્રી રાકેશ પરમારની તા. 20 માર્ચે અન્યત્ર બદલી થયા બાદ ફરજ પર આવેલા નવા તલાટી વિશાલ પરમારને જુના તલાટી દ્વારા આકારણી રજિસ્ટર અને માંગણા રજિસ્ટર બિલ હજુ સુધી સોંપાયા નથી.

ઉપરાંત ફરજ પરના તલાટી પણ કાયમી ન હોવાથી જરૂરી કામકાજ અર્થે પંચાયત કચેરીએ જતા નગરજનો તેમજ શૈક્ષણિક સત્રની શરૂઆત સાથે વિદ્યાર્થીઓને ધરમ ધકકા ખાવા પડી રહ્યા છે. ઉપરાંત છેલ્લા કેટલાક સમયથી પંચાયતની સામાન્ય સભા યોજાઈ નથી. સાથે સહીના વલણો પણ બદલાયા નથી. જેથી સત્તાધિશોને આર્થિક વહીવટ માટે પણ કટોકટીનો સામનો કરવો પડી રહ્યો છે. આવા પ્રશ્નોને લઇ શનિવારે ચાંદોદ ગ્રામ પંચાયતના ઇન્ચાર્જ સરપંચ ભરત માછી સહિતના સભ્યો અને નગરજનોએ ગ્રામ પંચાયતને તાળાબંધી કરી પોતાનો વિરોધ નોંધાવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે પંચાયત કચેરીની મુલાકાત દરમિયાન સત્તાધીશોની નિષ્કાળજીથી જરૂરી ફાઈલો સહિતનો રેકોર્ડ વેરવિખેર હાલતમાં જોવા મળ્યો હતો. બદલી પામેલા તલાટીએ પંચાયતના રજિસ્ટર પોતાની પાસે રાખી પંચાયત ધારાના નિયમોને અવગણી ગંભીર ગુનો આચર્યો હોઇ ઇન્ચાર્જ સરપંચ ભરત માછીએ તેઓ વિરુદ્ધ ફરિયાદ કરાશે તેવું જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...