ડભોઇની વિશ્વભારતી વિદ્યાલય ખાતે “ગ્રીન ડે’ની ઉજવણી કરવામાં આવી હતી. ગ્રીન એટલે લીલા કલરનો પ્રભાવ આપણા મન અને બુદ્ધિ પર અલગ-અલગ પ્રકારે પડે છે. ફેંગશૂઈ અનુસાર લીલા રંગને બુદ્ધિનું પ્રતિક માનવામાં આવે છે. તેનો આરોગ્ય પર સારો પ્રભાવ પડે છે. આ રંગ સકારાત્મક ઊર્જા આપનાર હોય છે, તેમજ તણાવ દૂર કરીને ડિપ્રેશનથી બચાવવા મદદ કરે છે. અને સૌથી મહત્વનું આપણા તિરંગામાં સૌથી નીચેનો રંગ પણ ગ્રીન છે. જે સુખ અને સમૃદ્ધિનું પ્રતીક છે. આવા મોહક કલર, ગ્રીન ડેની વિશ્વભારતી વિદ્યાલયના વિદ્યાર્થીઓએ જોશભેર ઉજવણી કરી હતી.
ગ્રીન ડે નિમિત્તે શાળાના ભૂલકાઓથી માંડીને દરેક ધોરણના વિદ્યાર્થીઓ ગ્રીન કપડાં પહેરીને આવ્યા હતા. સાથે જ સુંદર મજાના વનસ્પતિ પર્ણમાંથી બનાવેલ આભૂષણો, અવનવી ટોપી અને માસ્ક પહેરીને તેમજ અલગ-અલગ ફ્રુટ, શાકભાજી, ઝાડ, પક્ષીઓના ગેટ અપમાં આવ્યા હતા. વિદ્યાર્થીઓએ પોતાના ક્લાસને ગ્રીન કલરના પાંદડા અને અન્ય વસ્તુઓથી સુશોભિત કર્યો હતો.
એટલું જ નહીં વિદ્યાર્થીઓએ વિવિધ ઔષધી, છોડ, ક્ષુપો લાવી તેની સમજૂતી પણ આપી હતી. વિવિધ પર્ણોમાંથી રંગોળી, તોરણ, આભૂષણો તથા મોહક ભાત જેમકે ગણેશજી, મોર, માછલી, સસલુ, પતંગિયું, કાચબો, કરચલો, પોપટ, નાળિયેર, કેરી વગેરે બનાવીને લાવ્યા હતા. જેમણે બધાના મન મોહી લીધા હતા. આટલું જ નહીં, વિશ્વભારતીના બાળકો નાસ્તો પણ ગ્રીન કલરનો લઈને આવ્યા હતા. આ પ્રસંગે શાળાના ટ્રસ્ટી અર્પિતભાઈ શાહ પણ વિદ્યાર્થીઓ જેવા જ ગ્રીન કલરના કપડાં પહેરીને આવી ગ્રીન ડેની રસપ્રદ માહિતી આપી હતી. તેમજ શિક્ષકગણે પણ વિદ્યાર્થીઓ સાથે રંગાઈને પ્રોગ્રામને સુંદર ઓપ આપ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.