ડભોઇ તિલકવાડા રાજધોરી માર્ગ સરદાર સરોવર નર્મદા ડેમ સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફ જતો હોવાથી વાહનોનું ભારણ વધુ રહે છે. ઓરસંગ નદીના પટમાથી રેતી ઉલેચતી ટ્રકો પણ આ જ માર્ગેથી બેફામ જતી આવતી હોવાથી પણ છાશવારે અકસ્માતો થતા હોય છે.
ત્યારે ગુરુવારે સ્વીફ્ટ કારની અડફેટે નાદોદી ભાગોળ પોલીસ ચોકી પાસે રસ્તો ઓળંગતી સાત વર્ષીય બાળકીનું મોત થતા વિસ્તારના લોકોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો હતો. જેના પગલે સફાળી જાગેલી પોલીસે માર્ગની બંને બાજુ બેરીકેડની આડશ કરી વાહનોની ગતિ મર્યાદિત કરવા કામગીરી કરી હતી.
ડભોઇ ની નાદોદી ભાગોળ પોલીસ ચોકી પાસે ગુરુવારે શક્તિનગર વિસ્તારની સાત વર્ષીય બાળા અસ્મિતા ઉર્ફે ભુરી મહેન્દ્રભાઇ વસાવા રસ્તો ઓળંગતી હતી. ત્યારે પુર ઝડપે ધસી આવેલી સ્વીફ્ટ કારે બાળકીને અડફેટે લેતાં તેનું મોત નિપજ્યુ હતુ. બાળકીના મોતને પગલે વિસ્તારના લોકોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો હતો. બાદમાં અકસ્માત નોતરનાર કાર લોકોના રોષનો ભોગ બની હતી. વિસ્તારના લોકોનો રોષ જોતાં વાહનોની બેફામ ગતિને લઈ જલદ આંદોલન થવાના એંધાણ વર્તાય છે.
અગાઉ દિવ્ય ભાસ્કરમાં બનાવ સ્થળે બમ્પ ના હોવાની નોધ સાથે ટ્રાફિકનું ભારણ વધુ રહેતું હોઇ છાશવારે અકસ્માતો થતા હોવાની નોંધ લેવાઇ હતી. જેથી સફાળી જાગેલી ડભોઇ પોલીસે ઘટના સ્થળ પાસેના ભયજનક ઝોનમાં બેરીકેડ મુકી વાહનોની ગતિમર્યાદાની કામગીરી કરી હતી.
ગુરુવારે અકસ્માત સર્જાયા બાદ કારમા બેઠેલો મુસાફર લાપતા બન્યો
ડભોઇની નાદોદી ભાગોળ પાસે ગુરુવારે સ્વીફટ કારની અડફેટે બાળકીનુ મોત નિપજ્યુ હતુ. અકસ્માતના બનાવ બાદ કારનો ચાલક અને કારમાં બેઠેલા મુસાફરો પણ શક્તિ નગર તરફ ભાગ્યા હતા. જેમાં કારનો ચાલક લોકોના હાથે ઝડપાઇ જતાં પોલીસને બોલાવી સુપ્રત કર્યો હતો. જ્યારે કારમાં બેઠેલ મુસાફરોમાંથી નસવાડી ગ્રામ પંચાયતમાં રોજમદાર તરીકે લાઇનમેનની નોકરી કરતો ચંપકભાઇ લાપતા હોવાનું જાણવા મળેલ છે. તેનો મોબાઇલ સ્વિચ ઓફ આવતાં કંઇ અજુગતું બન્યું હોવાની શંકા સેવાઇ રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.