બહેનોમાં રોષ:‘આશા’ પર પાણી ફરતાં આશા બહેનોની હડતાળ

ડભોઈ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
પાદરામાં આશા વર્કર તેમજ આશા ફેસિલિટેટર બહેનો અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરી ગઇ છે. આ બહેનો દ્વારા પાદરાના ફુલબાગ જગાતનાકા પાસે એકત્રિત થઇ સૂત્રોચ્ચાર કરીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. - Divya Bhaskar
પાદરામાં આશા વર્કર તેમજ આશા ફેસિલિટેટર બહેનો અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરી ગઇ છે. આ બહેનો દ્વારા પાદરાના ફુલબાગ જગાતનાકા પાસે એકત્રિત થઇ સૂત્રોચ્ચાર કરીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
  • સરકાર સાથે વાટાઘાટ બાદ પણ વેતન સહિતના મુદ્દાનું નિરાકરણ ન આવતાં બહેનોમાં રોષ
  • ડભોઇની 168 આશાવર્કર બહેનોની આજથી હડતાળ

જિલ્લા સહિત સમગ્ર ગુજરાતમાં ફરજ બજાવતી આશા વર્કર તેમજ આશા ફેસિલિટેટર બહેનો દ્વારા પગાર વધારા ઉપરાંત ઇન્સેન્ટિવ પ્રથા બંધ કરવી સહિતના કેટલાક પ્રશ્નો અંગે રજૂઆતો કરાઇ હતી. આ અંગે મહિલા શક્તિ સેનાના પ્રમુખ તેમજ આશા બહેનોએ સરકાર સાથે વાટાઘાટો કરી હતી. જેમાં સરકારે આ પ્રશ્નોના નિરાકરણની ખાતરી આપવા છતાં બાદમાં કંઇ ન કરતાં તમામ આશા બહેનો રોષે ભરાઇ છે. મહિલા શક્તિ સેનાના નેજા હેઠળ આ તમામ આશા બહેનોએ અચોક્કસ મુદતની હડતાળનું એલાન આપ્યું છે. જિલ્લાના અનેક સ્થળે બહેનોએ ભેગા મળી આ અંગે આવેદન આપ્યું હતું.

ડભોઈ : ડભોઇ સહિત સમગ્ર ગુજરાતમાં ફરજ બજાવતી આશા વર્કર તેમજ આશા ફેસિલિટેટર બહેનોએ સરકાર સાથે વાટાઘાટ બાદ પણ પગાર વધારા સહિતના કેટલાક મુદ્દાઓનું નિરાકરણ ન આવતાં અચોક્ક્સ મુદતની હડતાળનું એલાન કર્યું છે. મહિલા શક્તિ સેનાના નેજા હેઠળ ડભોઇની 168 બહેનો આજથી અચોક્ક્સ મુદતની હડતાળ પર છે ત્યારે રેલી સ્વરૂપે ડભોઇ રેફરલ હોસ્પિટલ પહોંચી આરોગ્ય અધિકારીને આવેદનપત્ર સુપ્રત કરી વિરોધ પ્રદર્શન સાથે ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા. સમગ્ર ગુજરાતમાં ફરજ બજાવતી આશા વર્કર અને આશા ફેસિલિટેટર બહેનોએ ગત 30મીએ મહિલા શક્તિ સેનાના પ્રમુખ ચંદ્રિકાબેન સોલંકીના માર્ગદર્શન હેઠળ મંત્રીઓ સાથે તેમના પ્રશ્નો રજૂ કર્યા હતા. જે હલ ન થતાં બહેનો હડતાળ પર ઉતરી ગઇ છે.

શિનોરમાં આશાવર્કર બહેનો દ્વારા આવેદનપત્ર અપાયું
શિનોર : તાલુકાની તમામ આશા વર્કરો તથા આશા ફેસિલિટેટરો ગુરુવારથી મહિલા શક્તિ સેનાના નેજા હેઠળ લઘુતમ વેતનની માંગણી સરકારે ના સ્વીકારતાં અચોક્કસ મુદતની હડતાળ પર જવાનું આવેદનપત્ર મેડિકલ ઓફિસર સહિત ટીએચઓ ડોક્ટર ધીરેન ગોહિલને આપ્યું હતું. જેમાં તેમણે માંગણી કરી છે કે ઇન્સેન્ટિવ પ્રથા બંધ કરવી અને આશા વર્કરોને લઘુતમ વેતન મુજબ ફિક્સ પગાર આપવાની માંગણી પ્રત્યે સરકાર દ્વારા કોઈ ધ્યાન ના આપતાં મહિલા શક્તિ સેનાના પ્રમુખ ચંદ્રિકા સોલંકી દ્વારા તા.22થી અચોક્કસ મુદતની હડતાળનો આદેશ કર્યો છે. આથી શિનોર, સાધલી અને સીમળી P.H.C.ની તમામ આશા વર્કરો તથા આશા ફેસિલિટેટરો કામગીરી બંધ રાખીને અચોક્કસ મુદતની હડતાળમાં જોડાઇ હતી.

વાઘોડિયા તાલુકાની 180 જેટલી આશા વર્કર બહેનોનો પડતર પ્રશ્નો મુદ્દે સરકાર સામે જંગ
વાઘોડીયા : વાઘોડિયા તાલુકાની 180 આશા વર્કર બહેનોએ આજરોજ તાલુકા હેલ્થ ઓફિસરને આવેદનપત્ર આપી પોતાની પડતર માગણી પૂરી કરવા સૂત્રોચાર કર્યા હતા. આશા વર્કર અને ફેસીલીટરની લઘુત્તમ વેતનની માગણી સરકારે ન સ્વીકારતા અચોક્કસ મુદતની હડતાલ પર જોડાયા છે. જ્યાં સુધી માંગણીઓ ન સંતોષાય ત્યાં સુધી તમામ કામગીરી બંધ રાખી અચોક્કસ મુદતની હડતાલ પર ઉતરી જતા આરોગ્ય વિભાગને લગતી કામગીરી અટવાઈ પડી છે. પોતાની માગણી પૂર્ણ ના થતાં બહેનોએ સરકાર વિરુદ્ધ સુત્રોચાર કરી વાતાવરણ ગજવી મૂક્યું હતું.

કરજણની આશાવર્કર બહેનોએ બ્લોક હેલ્થ કચેરીએ આવી અધિકારીને આવેદન આપ્યુ્ં
કરજણ : આશાવર્કરોની લઘુતમ વેતનની માગણીઓ સરકાર દ્વારા ન સ્વીકારાતા ગુરુવારે કરજણ તાલુકાની આશાવર્કર કરજણ તાલુકા બ્લોક હેલ્થ કચેરી ખાતે ભેગા થઈ અધિકારીને આવેદનપત્ર આપી મે 22 સપ્ટેમ્બરથી અચોક્કસ મુદતની હડતાળ પર ગયા છે. આમ સરકાર દ્વારા આશાવર્કર બહેનો સાથે મીટિંગ કરેલ હોવા છતાં માંગણીઓ ન સંતોષાતાં આશાવર્કરોમાં ઉગ્ર રોષ ફેલાયો છે. સરકારે કમિટી રચીને આશાવર્કર બહેનોના નેતા મહિલા શક્તિ સેનાના પ્રમુખ ચંદ્રીકાબેન સોલંકી સાથે વાટાઘાટો કરવા છતાં માંગણી પ્રત્યે ધ્યાન ન આપતાં હડતાલ શરૂ કરી છે.

પાદરામાં રોષિત આશા વર્કર તેમજ આશા ફેસિલિટેટર બહેનોનું આંદોલન ઉગ્ર બન્યું
પાદરા : સરકારે આશા બહેનોની માગણીઓ ન સ્વીકારતાં તેમનું આંદોલન વધુ ઉગ્ર બન્યું છે. સરકારે એકવાર તો આશા વર્કરોની માગ સ્વીકારી, ત્યારબાદ આશા બહેનો શાંત થઇ હતી. પણ ફરી અસંતોષ રહેતાં એ જ માંગણીઓ સાથે બહેનોએ આંદોલન શરૂ કર્યું છે. સમગ્ર બાબતે 30 ઓગસ્ટે મહિલા શક્તિ સેનાના પ્રમુખ ચંદ્રિકાબેન સોલંકીને સાથે રાખી ગુજરાત સરકાર સાથે આશા બહેનોએ ચર્ચા કરી હતી. જેમાં સરકારે યોગ્ય નિર્ણય લેવાની બાંહેધરી આપી હતી. બાદમાં સરકારે આ માગણીને ફગાવતાં આશા બહેનોએ હવે આંદોલન ઉગ્ર બનાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...