દુર્ઘટના:ડભોઇ તાલુકાના મોરપુરાની સીમમાં વીજ તાર અડી જતાં ઘાસ ભરેલા ટેમ્પોમાં આગ લાગી

ડભોઇ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ડ્રાઈવર ગાંસડીઓ ભરીને કરજણ જઈ રહ્યા હતા : ચાલક-ક્લિનર તેમજ વેપારીનો આબાદ બચાવ
  • આગમાં ઘાસની ગાંસડીઓ સાથે ટેમ્પો પણ બળીનો ખાખ થઈ ગયો

ડભોઇ તાલુકાના મોરપુરા ગામની સીમમાથી ડાંગરના પરાળની ગાંસડીઓ નંગ 200નો જથ્થો ભરીને કરજણ ખાતે જતા ટેમ્પોમાં માલિક ભીમાભાઇ સામદભાઇ ભરવાડ રહે. જલારામનગર, કરજણ પોતાના ડ્રાઇવર મહેશભાઇ સાથે પરત કરજણ જતા હતા. ત્યારે ગાંસડી ભરેલ ટેમ્પો ડભોઇના વસઈપુરા અને મોરપુરા ગામની સીમમાંથી પસાર થતો હતો ત્યારે ઘાંસડી ભરેલ ટેમ્પો જીવંત વીજકેબલ સાથે અડી જતાં ભળભળ સળગી ઉઠ્યો હતો. પરાળની ગાંસડીઓ આગની લપેટમાં આવતા ટેમ્પો ચાલક અને માલિક તેમજ ક્લીનર ટેમ્પો છોડી દૂર ઉભા થઈ ગયા હતા.

જ્યારે અચાનક લાગેલ આગ પવનના સુસવાટાને કારણે હરણફાળ ભરી ભળભળ ભડકા થવા લાગતા પોતાની આંખ સામે જ ટેમ્પો અને ગાંસડીઓનો જથ્થો આગમાં સ્વાહા થતાં માલિક અને ચાલક લાચાર નજરે જોઇ રહ્યા હતા. જ્યારે આગના બનાવની આજુબાજુના ગામોમાં ખબર પડતા લોકો ટોળેટોળા ઉમટી પડ્યા હતા. ગામથી દૂર બનાવ બનેલ હોવાથી સૌ કોઇ આગ બૂઝાવા માટે લાચાર જણાતા હતા. કોઇ મદદ મળે એ પહેલા આઇસર ટેમ્પો અને ગાંસડીઓનો જથ્થો આગમાં ભડથુ થઈ જવા પામ્યો હતો. સદ્દનસીબે કોઇ જાનહાનિ થઈ ન હતી.

અન્ય સમાચારો પણ છે...