ચોરી:ડભોઇમાં એક જ રાતમાં 7 મકાનોના તાળાં તૂટ્યાં

ડભોઇ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઇકો કારમાં આવેલા તસ્કરો ચોરી કરી ફરાર
  • કાકાના ઘરે સૂવા ગયેલા ભત્રીજાના ઘરમાં ચોરી

ડભોઇના પટેલવાગા, સુથારવાગા, નિલકંઠ ફળીયા અને વિમલા સોસાયટી સહિત કડકડતી ઠંડીમાં એક જ રાતમાં 7 મકાનોના તાળા તોડી 2 મકાનોમાં ઘરફોડ ચોરી કરી ઇકો કારમાં આવેલા અજાણ્યા તસ્કરો પોતાની મુરાદ પાર પાડી ફરાર થઈ ગયા હતા. સવાર પડતા જ એક બાદ એક મકાન માલિકોની બૂમો સાંભળી લોકટોળા ભેગા થયા હતા. જોકે અજાણ્યા તસ્કરો ઇકો કાર સાથે સીસીટીવીમાં કેદ થઈ જતાં ચકચાર મચી હતી. પોલીસે ફરિયાદની તજવીજ સાથે ચોરોની શોધખોળ હાથ ધરી છે.

ડભોઇના નીલકંઠ ફળીયામાં રહેતા દિપકભાઇ રામચંદ્ર દરજી તેઓના કાકા જેઓ નિલકંઠ પાર્ક સોસાયટીમાં રહેતા હોઇ તેમના ઘેર કોઇ ના હોવાથી ભત્રીજો દિપક પોતાના ઘરને તાળુ મારી કાકાને ઘેર સૂવા ગયો હતો. વહેલી સવારે પોતાના ઘેર આવી ઘરના તાળા તૂટેલા જોતાં અને તિજોરી સહિત ઘરમાં સામાન વેરવિખેર જોતા તેને ચોરી થયાની ફાળ પડી હતી.

ઘરની તિજોરીમાં તપાસ કરતા સોનાના મંગલસૂત્ર નંગ-02, સોનાની ચેન, વીંટીઓ સહિતનો મુદ્દામાલ કિંમત રૂપિયા 3 લાખ જેટલા દાગીના લઈ ગયા હતા. જ્યારે સુથારવાગા વિસ્તારમાં અબ્દુલભાઇ ટેનીના મકાન સહિત કુલ 5 જેટલા મકાનોના નકુચા કાપી તાળા તોડી ચોરીનો પ્રયાસ થયો હતો. જ્યારે શિનોર ચોકડી પાસે આવેલી વિમલ સોસાયટીના એક મકાનનું પણ તાળુ તોડી ચોરી કરાઈ હોવાની ઘટના પણ સામે આવી હતી. ઇકો કારમાં આવેલી ચોર ટોળકીએ એક જ રાતમાં ચોરીનો આતંક મચાવી દેતાં ચકચાર મચી જવા પામી હતી.

અન્ય સમાચારો પણ છે...