તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રોષ:પ્રાથમિક સુવિધાઓ ન સંતોષાતાં ડભોઈથી વડોદરા વચ્ચે નાગરીકોનો 5 કિમી ચક્કાજામ

ડભોઈ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભિલીસ્તાને અંબાવ વસાહતમાં પ્રાથમિક સુવિધા માટે આવેદન આપ્યું છતાં તંત્ર ન જાગતા લોકો રોડ પર

ડભોઇ તાલુકાની આદિવાસી પ્રજા સાથે છેલ્લા ઘણા વર્ષોથી વીજળી પાણી રસ્તા ઓ અને રેશનિંગની દુકાનોમાંથી અનાજ મળવાનું બંધ જેવી સુવિધાઓને લઈ તેઓ સાથે કેવળ ઓરમાયુ વર્તન થતું હોવાથી ભિલીસ્તાન સેનાની આગેવાની હેઠળ 20 દિવસ અગાઉ ડભોઇ મામલતદાર કચેરીમાં આવેદનપત્ર આપ્યું હોવા છતાં નિરાકરણ ના આવતા રવિવારના રોજ અંબાવ વસાહતના રહીશો અને ભિલીસ્તાન સેનાની આગેવાનીમાં ડભોઇ-વડોદરા રોડ ઉપર અંબાવ પાટિયા નજીક ચક્કાજામ કર્યો હતો.

જેને લઇને કિલોમીટરો સુધી ચક્કાજામના દ્રશ્યો સર્જાયા હતા. જોકે સમયસર પોલીસ આવી જતા આંદોલનકારીઓ પૈકી 17 જેટલા આગેવાનો ડિટેઇન કરી પોલીસ સ્ટેશન લઇ જવાતા મામલો થાળે પડ્યો હતો. ડભોઇ તાલુકાના અંબાવ વસાહતમાં ઘણા વર્ષોથી લાઇટ પાણી, રોડ રસ્તા સહિત રેશનિંગની દુકાનોમાંથી ગરીબ આદિવાસીઓને મળતું અનાજ પણ બંધ કરી દેવા જેવી પ્રાથમિક સુવિધાઓનો અભાવ છેલ્લા કેટલાક સમયથી જોવા મળ્યો હતો. જેને લઇ આદિવાસી પ્રજાને અનેક મુશ્કેલીઓનો સામનો પણ કરવો પડ્યો હોય અવાર નવાર તંત્રમાં રજૂઆતો પણ કરી હતી.

એટલું જ નહીં આખરે ભિલીસ્તાન સેનાનો સહારો લઇ 20 દિવસ અગાઉ વહેલી તકે આદિવાસી પ્રજાના પ્રશ્નો હલ કરવા માટે ચક્કાજામના આંદોલનની ચીમકી સાથે આવેદનપત્ર પણ મામલતદાર કચેરીમાં સુપ્રત કર્યું હતું. તેમ છતાં 20 દિવસના વ્હાણાં વહી ગયા પરંતુ તંત્ર ન જાગતા આખરે ચીમકી મુજબ જ રવિવારની સવારના 10.30 કલાકે ભિલીસ્તાન સેનાના પ્રમુખ ઇલ્યાશભાઈ મન્સૂરી અને આગેવાન સઇદભાઈ મન્સૂરીની આગેવાની હેઠળ અંબાવ વસાહતના રહીશો બાળકો અને મહિલાઓ સહિત સૌ અંબાવ પાટિયા ચાર રસ્તા નજીક રાજ્યો ધોરી માર્ગ પર મોટી સંખ્યામાં ઉતરી પડી ચક્કાજામ કરવામાં આવ્યો હતો.

જેને લઇને 4થી 5 કિલોમીટર સુધી વાહનોની લાંબી કતારો પણ રોડ પર જોવા મળી હતી. જોકે સત્વરે ડભોઈ પોલીસ પહોંચી જતા ચક્કાજામ કરવા રોડ પર બેસી ગયેલા આદિવાસી ભાઈ-બહેનોને સમજાવીને રોડ પરથી હટાવતા ટ્રાફિક ખુલ્લો થયો હતો. આ ઘટના સંબંધિત ડભોઇ પોલીસે 17 જેટલા ભિલીસ્થાન સેનાના આગેવાન સહિત આંદોલનકારીઓને ડિટેઇન કરી ડભોઇ પોલીસ મથકે લાવી યોગ્ય તે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.

આદિવાસી પ્રજાના વિસ્તારમાં ઓરમાયુ વર્તન કરવામાં આવે છે
ડભોઈ તાલુકામાં આદિવાસી પ્રજાના વિસ્તારોમાં વીજળી, રોડ, રસ્તા જેવી પ્રાથમિક સુવિધાઓ તેમજ રેશનિંગમાં અનાજ બંધ કરી કેવળ ઓરમાયુ વર્તન કરવામાં આવે છે. આ બાબતે 20 દિવસ અગાઉ પણ મામલતદાર કચેરીમાં આવેદનપત્ર આપ્યું હતું, છતાં તંત્રની ઊંઘ ન ઉડતાં આજરોજ રવિવારે ચક્કાજામ આંદોલન કરવાની ફરજ પડી છે. હજુ પણ જો તંત્રની આંખ નહીં ઉઘડે તો વડોદરા અમદાવાદ નેશનલ હાઈવે પર પણ ચક્કાજામ કરીશું. > ઇલિયાસ મનસૂરી, પ્રમુખ

અન્ય સમાચારો પણ છે...