સમસ્યા:ડભોઇમાં વરસાદી કાંસમાંથી જતી પીવાના પાણીની લાઇનમાં સતત ત્રીજીવાર ભંગાણ

ડભોઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ડભોઇ નાંદોદી ભાગોળ વિસ્તારમાં ફરી એક વખત વરસાદી કાંસમાં પાઇપ લાઇન લીકેજ થઇ છે. - Divya Bhaskar
ડભોઇ નાંદોદી ભાગોળ વિસ્તારમાં ફરી એક વખત વરસાદી કાંસમાં પાઇપ લાઇન લીકેજ થઇ છે.
  • નગરજનોના સ્વાસ્થ્ય અને તેમને સ્વચ્છ પાણી આપવા અંગે પાલિકા ગંભીર ન હોવાની બૂમ
  • વારંવાર ડહોળું પાણી આવતાં રોષ, પાઇપલાઇન યોગ્ય રીતે રિપેર કરવા માગ

ડભોઇ નગરપાલિકા વારંવાર ડહોળું પાણી આવવાને લઈ વિવાદમાં રહે છે. ત્યારે ડભોઇ નાંદોદી ભાગોળ નજીકથી પસાર થતી વરસાદી કાંસમાં ફરી એક વખત પીવાના પાણીની લાઈનમા ભંગાણ સર્જાયું છે. જે અગાઉ પણ બે વખત આ પાઇપ તૂટીને પાણીનો વેડફાટ થતો જોવા મળ્યો હતો. સાથે સાથે સ્થાનિકોના સ્વાસ્થ્યને પણ અસર પહોંચે તેવી સ્થિતિ નિર્માણ થાય તેવી હોય ત્યારે પાલિકા કાર્યવાહી કરશે કે કેમ તે અંગે લોકોમાં સવાલો ઉભા થઇ રહ્યા છે. ડભોઇ નગર પાલિકાની ઘોર બેદરકારીને પગલે નગરમાં રોગચાળો ફેલાઈ શકે છે. નગરના નાંદોદી ભાગોળ વિસ્તારમાં સતત ત્રીજી વખત પીવાના પાણીની પાઇપલાઇન તૂટતાં પાણીનો વેડફાટ થાય છે.

આ પાઇપલાઇન વરસાદી કાંસમાંથી પસાર થાય છે, ત્યારે આ જ કાંસમાં ડ્રેનેજના પાણી પાલિકા જ ઠાલવતું હોવાની બૂમ છે ત્યારે લોકો બીમાર પડે તેવી સ્થિતિ નિર્માણ પામી છે. વારંવાર તૂટી પડતી પાઇપલાઇન રીપેર કરવામાં પાલિકા તંત્ર કેમ આડશ દાખવે છે. જ્યારે આ પાઇપ લાઈન જો વારંવાર તૂટી જતી હોય તો તેને બદલી દેવી જોઈએ તે માટે કાર્યવાહી કેમ થતી નથી જેવી ચર્ચા સાથે લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે. વહેલી તકે આ પાઇપ લાઈન નવી નખાય તેવી લોકોમાં ભારે માગ ઉઠી રહી છે.

પાઇપલાઇન લીકેજની ફરિયાદ મળી છે, કામગીરી ચાલે છે
નગરમાં વર્ષો જૂની નાખેલી પાઇપલાઇનો લીકેજ થઇ રહી છે, આ અંગેની અમારી પાસે ઘણી ફરિયાદ આવી રહી છે. આ ફરિયાદોને આધારે તાત્કાલિક અસરથી તપાસ કરી આવી લીક થઇ રહેલી પાઇપલાઇનોના રિપેરિંગ કરવા માટેની કામગીરી કરવામાં આવી રહી છે. આ ઉપરાંત આવનારા દિવસોમાં આવી વર્ષો જૂની પાણીની પાઇપલાઇનોને કાઢી નાખી તેને થોડી ઉપરથી નાખવાની કાર્યવાહી માટેના અમારા પ્રયત્નો હાલ ચાલુ છે. પાઇપલાઇનોને ઉપરથી નાખવામાં આવશે તો આવા છાશવારે પાણીની પાઇપલાઇનો લીકેજ થવાના બનાવ નહીં બને અને પાણીનો વેડફાટ પણ નહીં થાય તેમજ લોકોને પરેશાની પણ નહીં થાય. - કાજલ દુલાણી, પ્રમુખ, નગરપાલિકા

અન્ય સમાચારો પણ છે...