ભરૂચ:ભરૂચમાં 4 મોલ અને 9 જીમને સીલ કર્યા, 3 બગીચા, 42 ક્લાસીસને તાળા મરાવ્યાં

ભરૂચ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ભરૂચમાં 4 મોલ અને 9 જીમને સીલ કર્યા
  • 3 બગીચા, 42 ક્લાસીસને તાળા મરાવ્યાં

ભરૂચ: રાજ્યમાં કોરોનાના સાત પોઝિટિવ કેસ  આવતા ભરૂચ જિલ્લા તંત્ર વધુ સતર્ક થઇ ગયું છે. જિલ્લા કલેક્ટરે ભરૂચ શહેરમાં 4 મોલ અને 9 જીમને સીલ કરાવ્યા છે જ્યારે પાલિકાએ 42 ટ્યુશન ક્લાસીસ અને 3 બગીચાઓ બંધ કર્યા છે.શહેરમાં કોઈએ પણ સમાજ કે ખાનગી સંસ્થાઓ દ્વારા યોજાતા કાર્યક્રમો અને સામાજીક પ્રસંગો કે જેમાં મોટી સંખ્યામાં લોકો ભેગા થતાં હોય તેને મોકૂફ રાખવા અધિકારીઓને સુચના અપાઇ છે.જો કોરોનાને લઈને કોઈને પણ તકલીફ  હોય તેમને કંટ્રોલ ફોન નં.02642-252472 પર સંપર્ક કરવા કલેક્ટરે અપીલ કરી છે.
કોરોનાની દહેશત વચ્ચે ભરૂચ શહેર-જિલ્લામાં શુક્રવારે ધંધા-રોજગાર અને રોજિંદી કામગીરી રાબેતા મુજબ રહી હતી. લોકોને વાઇરસના ભય સામે સાવચેતી અને લોક જાગૃત્તિ કેળવવા સાથે આગોતરા પગલાં લેવા માટ  જિલ્લા વહીવટી તેમજ આરોગ્યતંત્રને સજ્જ કરી દેવાયું છે.ભરૂચ જિલ્લા કલેક્ટર એમ.ડી.મોડિયાએ કોરોના વાઇરસનાં સંક્રમણને  અટકાવવા તેમજ સાવચેતીના ભાગરૂપે કલેકટર કચેરી સભાખંડ ખાતે મેડીકલ સ્ટોર ધારકો, ઔદ્યોગિક એકમોના પ્રતિનિધિઓ તેમજ આરોગ્ય વિભાગના અધિકારીઓ બેઠક યોજી સૂચનાઓ આપી હતી. 
કોરોના વાઇરસ સંક્રમણને જિલ્લામાં ફેલાતો અટકાવવા માટે તંત્રે શહેરના 42 ટ્યૂશન ક્લાસીસો અને દાદાભાઈ બાગ,મોતીલાલ વિણ બાગ અને પુષ્પા બાગને પાલિકાએ બંધ કરાવ્યા હતા જયારે 9 જીમ અને બીગ બઝાર, ડી માર્ટ, રિલાયન્સ અને ધીરજ સન્સ સુપર માર્કેટને મામલતદારની ટીમે જઇ  તાતકાલિક અસરથી સીલ કરી દીધા હતાં જિલ્લાના તમામ થીયેટર, નાટ્યગૃહો, સ્નાનાઘર, પહેલાથી જ સંપૂર્ણપણે બંધ કરાયા છે. જિલ્લા કલેક્ટરે શહેરીજનોને કોરોના વાયરસથી ગભરાયા વગર તકેદારી, સાવચેતી રાખવાની અપીલ કરી  છે. સિવિલ હોસ્પિટલ ભરૂચ ખાતે કોરોના અંતર્ગત આઇસોલેશન વોર્ડ કાર્યરત છે. શહેરમાં કોઈ પણ ધર્મ અને સંસ્થાઓએ પોતાના સામાજિક,ધાર્મિક કાર્યક્રમો નહિ યોજવા આદેશ આપ્યા છે. જિલ્લામાં કોઈને પણ કોરોના વાયરસને લઈને તકલીફ કે શંકા હોય તેમણે કંટ્રોલ રૂમ ફોન નં.02642-252472 પર સંપર્ક કરવા અનુરોધ કર્યો છે. અંકલેશ્વરમાં પણ 7 જિમ -ફિટનેશ સેન્ટર , 13 ટ્યુશન કલાસિસ, 3 પાર્ટી પ્લોટ અને હોલ , 5 સિનેમાઘર, 2 ડાન્સ અને ફિટનેશ સ્ટુડિયો બંધ કરાવ્યા હતા. સાથે એક હોટલની ઓપનિંગ સેરેમની સ્થગિત કરવામાં આવી હતી.

કોરોના હોમ ઓબ્ઝર્વેશનના નવા 13 કેસ નોંધાયા, 100નું દરરોજ સ્ક્રીનિંગ કરાશે
કોરોના વાઇરસ સામે ભરૂચ શહેર અને જિલ્લા વહીવટી તંત્ર સજ્જ થઇ ગયું છે. શુક્રવારે કોરોનાના હોમ ઓબ્ઝરવેશનના નવા 13 કેસ નોધાયા છે. શુક્રવારે 59 વ્યક્તિઓને હોમ ઓબ્ઝરવેશનનો સમય પૂર્ણ થતા તેમને હોમ ઓબ્ઝરવેશનમાંથી મુક્ત કરાયા હતા. ભરૂચમાં કુલ 100 હોમ ઓબ્ઝરવેશનમાં રાખાયા છે. હોમ ઓબ્ઝરવેશનમાં રાખેલ લોકોના 447 સગા સંબંધીઓનું સ્ક્રીનિંગ કરાયુ હતુ. સિવિલ હોસ્પિટલમાં 4 લોકોમાંથી 1નો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. અન્ય 2 લોકોના રિપોર્ટની રાહ જોવાઇ રહી છે. અન્ય એકનું સ્ક્રીનીંગ કરાયું તેનો રિપોર્ટ કરાવવાની જરૂર નથી, પરંતુ અન્ય વોર્ડમાં ખસેડાયો. કોરોના વાઇરસના વધતા પોઝિટીવ કેસોને કારણે ભરૂચમાં ફફડાટ ફેલાયો છે.  હોમ ઓબ્ઝરવેશનમાં રાખેલા લોકોને ઘરની બહાર નીકળવા પર સંપૂર્ણ પ્રતિબંધ છે.

હોમ કોરોન્ટાઇન લોકોના દરરોજ સ્ક્રિનિંગ માટે 300 કર્મીઓ ખડેપગે
ભરૂચ જિલ્લા મલેરિયા અધિકારી ડો.નિલેશ પટેલે જણાવ્યું હતું કે, ભરૂચ શહેર અને જિલ્લામાં વિદેશથી આવેલ લોકોને હોમ કોરોન્ટાઇલમાં રાખેલા લોકોને દેખરેખ રાખવા માટે ભરૂચ જિલ્લાના મલ્ટી હેલ્થ વર્કર (એમએચડબલ્યુ), ફિમેલ હેલ્થ વર્કર (એફએચડબલ્યુ) અને મેડિકલ ઓફિસરોની 300 કર્મચારીઓની ટીમ ખડે પગ છે. હોમ ઓબ્ઝરવેશનમાં રાખેલા વ્યક્તિઓને પ્રથમ દિવસે મેડિકલ ઓફિસર દ્વારા તેનું સ્ક્રીનિંગ કરાય છે ત્યાર બાદ એમએચડબલ્યુ અને એફએચડબલ્યુ દરરોજ તેમનું સ્ક્રીનિંગ કરીને રીપોર્ટ બનાવે છે.

અન્ય સમાચારો પણ છે...