વાલોડ તાલુકા પંચાયતમાં 4 ઓગસ્ટના રોજ સામાન્ય સભા મુલતવી રાખવા બાબતે વિપક્ષ દ્વારા આક્રમક વલણ અખત્યાર કરવામાં આવ્યું છે, જેમાં વાલોડ તાલુકા પંચાયત સામાન્ય સભામાં ગુજરાત પંચાયત અધિનિયમ 1993 ની કલમ 91નું પાલન ન કરવા બાબત વિપક્ષ દ્વારા પત્ર લખી બે દિવસમાં પુરાવા આપવા ટીડીઓને પત્ર દ્વારા જાણ કરી છે.
વાલોડ તાલુકા પંચાયતના વિપક્ષના સાત સભ્યો દ્વારા તાલુકા વિકાસ અધિકારીને ઉદ્દેશીને એક પત્ર લખવામાં આવ્યો છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે તાલુકા પ્રમુખ ચંદ્રેશભાઇ કોંકણીના અધ્યક્ષ સ્થાને તાલુકા પંચાયતની સભા 04/08/2022 ના રોજ રાખવામાં આવી હતી, જેમાં અમો વિરોધ પક્ષના તમામ સભ્ય હાજર રહ્યા હતા. સભાખંડમાં શાસક પક્ષના સભ્યો કે પ્રમુખ આવ્યા ન હતા.
શાખા અધિકારી 12:15 કલાકે સભાખંડમાં આવ્યા હતા પરંતુ ટીડીઓ આવ્યા ન હતા. વિપક્ષ કોંગ્રેસના સભ્યોએ ટીડીઓને સંપર્ક કરતા જણાવવામાં આવ્યું હતું કે સભા અધ્યક્ષના સંદર્ભ પત્રથી સભા મુલતવી રાખવાનો પત્ર આવ્યો હતો, જે અનુસંધાને પંચાયત અધિનિયમ મુજબ એજન્ડા કાઢનારને એજન્ડા કાઢવાનો અધિકાર છે, પરંતુ એજન્ડા રદ કરવાનો અધિકાર નથી.
વધુમાં ટીડીઓને જણાવવાનું કે સભા શરૂ થયા પછી સભા મુલતવી રાખવી હોય તો નિયમ મુજબ હાજર સભ્યોની બહુમતીથી નિર્ણય કરવાનો હોય છે, તે સિવાય પ્રમુખ મનસ્વી રીતે તેની ઈચ્છા પ્રમાણે સભા બોલાવ્યા પછી તે રદ કે મુલતવી કરી શકશે નહીં. મીટીંગ બોલાવ્યા પછી પ્રમુખ નિયમ વિરૂદ્ધ સભા મુલતવી રાખે તો હાજર સભ્યો બીજો અધ્યક્ષ ચૂંટણી સભાનું કામકાજ કરી શકે છે.
ટીડીઓ સભાખંડમાં આવ્યા ન હતા. તેમજ સભા ચલાવી શકાય એટલી સભ્ય સંખ્યા હોવા છતાં સભામાં અધ્યક્ષ હાજર ન હતા તો સચિવની ફરજ પ્રમાણે હાજર સભ્યોમાંથી અધ્યક્ષ ચૂંટી સભા ચાલુ કરી સભા ચલાવવાની ટીડીઓની ફરજ હતી. પરંતુ ટીડીઓ દ્વારા આમ ન કરતા સભામાં હાજર ન રહ્યા હતા. તેમજ સભાનું કામકાજ ચાલુ ન કર્યું એના પુરાવા દિન બે માં આપવા જેથી આગળની કાર્યવાહી હાથ ધરી શકાય એ રીતનો પત્ર વિપક્ષ કોંગ્રેસના સાત સભ્યોએ સંયુક્ત સહીથી ટીડીઓને પત્ર આપવામાં આવ્યો છે.
ટીડીઓ રાજકીય મહોરુ બની ગયા : વિપક્ષ
વિપક્ષના નેતા તરુણ પટેલના જણાવ્યા મુજબ ટીડીઓ હરદીપસિંહ ધરીયા તટસ્થ કામગીરી કરવાને બદલે રાજકીય મોહરું બની ગયા હોવાનું આ કામગીરીથી ફલિત થઈ રહ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.