વાલોડ તાલુકા પંચાયત કચેરીમાં મનરેગા વિભાગમાં કામ કરતી મહિલા ઓપરેટર પર તેના જ પતિએ જ્વલનશીલ પ્રવાહી નાખી સળગાવી બાદ પોતાના શરીર પર પણ આગ ચાંપી આત્મહત્યા કરી હતી. બન્ને પતિ-પત્નીનાં મોત કચેરીના બાલ્કનીમાં જ થયાં હતાં. દંપતી વચ્ચે કોઈ બાબતે ખટરાગ ચાલતો હોવાથી છેલ્લા એક મહિનાથી અલગ રહેતાં હતાં. વાલોડ તાલુકા પંચાયત કચેરીમાં મનરેગા વિભાગમાં ઓપરેટર તરીકે ફરજ બજાવતી મયૂરિકા અનિલ પટેલ (ગામિત) (40) વ્યારાના ચાંપાવાડીમાં રહેતાં હતાં.
મંગળવારે બપોરે ઓફિસમાં 3 વાગ્યે કામ કરી રહ્યાં હતાં ત્યારે તેનો પતિ અમિત અનિલ પટેલ (41)કે જે ઉચ્છલની ગવાણ પ્રાથમિક શાળામાં શિક્ષક છે. તેઓ બપોરે કચેરીમાં પ્રથમ માળે આવી મનરેગા ઓફિસમાં ફરજ બજાવતી પત્ની મયૂરિકા પાસે આવી જ્વલનશીલ પદાર્થની બોટલ કાઢી પ્રથમ પત્ની પર છાંટ્યા બાદ પોતાના પર પણ જ્વલનશીલ પદાર્થ નાખ્યું હતું. મયૂરિકાએ ભાગવાનો પ્રયાસ કરતાં અમિતે દોડીને આગ લગાવી હતી. મયૂરિકાએ લોબીમાં પડી ગયાં હતાં. તેની પાછળ અમિત પણ સળગતી હાલતમાં ભાગતો બહાર આવ્યો હતો અને બંનેનાં સ્થળ પર જ મોત થઈ ગયાં હતાં.
માતા-પિતાની લાશ જોઈ 17 વર્ષીય પુત્ર બેભાન થઈ ગયો
મયૂરિકા અને અમિતના લગ્ન 2004માં થયા હતા. તેમને સંતાનમાં એકમાત્ર પુત્ર મનન છે, જેણે હાલમાં જ ધોરણ 12ની પરીક્ષા આપી છે. આજે બનેલી આ ઘટનાને કારણે મનને માતા-પિતા બંનેની છત્રછાયા ગુમાવી છે. ઘટનાની જાણ થતાં પુત્ર મનન વાલોડ તાલુકા પંચાયત કચેરી ખાતે ઘટનાસ્થળ પર આવ્યો હતો, પરંતુ માતા-પિતાની લાશ જોઈને તે સ્થળ પર જ બેભાન થઇ ગયો હતો, જેથી તેને તાત્કાલિક વાલોડ ખાતે હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવો પડ્યો હતો. ઘટનાને પગલે પંથકમાં કરુણાંતિકા પ્રસરી ગઈ હતી.
કર્મચારીઓએ દંપતીને બચાવવા આગ બુઝાવવાનો પ્રયાસ કર્યો
તાલુકા પંચાયત કચેરીના ઉપરના મળે આગ લાગી હોવાની જાણ થતાં કચેરીના કર્મચારીઓમાં અફરાતફરી મચી જવા પામી હતી. તેમણે અગનજવાળામાં લપેટાયેલાં મયૂરિકા પટેલને બચાવવા પોતાની જાનની પરવાહ કર્યા વિના અગ્નિશામક બોટલો લઇ દોડી આવ્યાં હતાં અને તેમને બચાવવા અગ્નિ શામકથી આગ ઓલવવાની કોશિશ કરી હતી. ત્યારે અચાનક અમિત પણ સળગતી હાલતમાં કર્મચારીઓ સામે આવતાં બચાવ કરવો મુશ્કેલ બન્યો હતો, પરંતુ હિંમત નહિ હારીને છેલ્લે સુધી પ્રયાસ કર્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.