વિરોધ બાદ સમાધાન:વાલોડ તાલુકા પંચાયતમાં 3 કોંગ્રેસીએ વિકાસ કામોને લઇ વિરોધ બાદ સમાધાન કરી લીધુ

માયપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સામી ચૂંટણીએ કોંગ્રેસમાં ભંગાણના એંધાણ વર્તાઈ રહ્યા છે, કામ થશે એમ જણાવતા સમાધાન

વાલોડ તાલુકા પંચાયતમાં શાસક અને વિપક્ષ વચ્ચે કામોને લઇ મોટું ધમાસણ થઇ રહ્યું હતું. વિરોધ પક્ષના 7 સભ્યોએ કામોને લઇ 13 જેટલી અરજીઓ શાસક પક્ષ અને ખાસ કરીને કારોબારી અધ્યક્ષના પતિને ટાર્ગેટ કરી અરજીઓ કરી આક્ષેપો કર્યા હતા. વાલોડ તાલુકામાં રાજકરણ ગરમાયુ હતું. ત્યાં ભાજપે કોંગ્રેસના 3 સભ્યોને કામો આપી અરજીઓ બાબતે સમાધાન કરી લેતા સામી ચૂંટણીએ કોંગ્રેસમાં ભંગાણના એંધાણ વર્તાઈ રહ્યા છે અને કોંગ્રેસ સંગઠન મૂકપ્રેક્ષક બની ગયું છે.

વાલોડ તાલુકા પંચાયતમાં કોંગ્રેસના ચૂંટાયેલા સાત સભ્યો દ્વારા ગ્રામ તાલુકા પંચાયતના કામો બાબતે 13 જેટલી અરજીઓ વિરોધ પક્ષના નેતા તરુણકુમાર હર્ષદભાઈ પટેલની લેટર પેડ ઉપર કરવામાં આવ્યા હતા, જે અરજીઓ અનુસંધાને કોંગ્રેસના સાત પૈકી ત્રણ સભ્યો દ્વારા તાલુકા વિકાસ અધિકારીને તા. 29/8/2022 ના રોજ લેખિતમાં અરજ કરી જણાવવામાં આવ્યું કે તેમના દ્વારા તાલુકા પંચાયત ખાતે રૂબરૂ તપાસ કરતા યોજનાકીય કામો બાબતે યોગ્ય ગાઈડ લાઈન અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું તથા કરવામાં આવેલ વિકાસના કામો સરકારની ગાઈડ લાઈન મુજબ જ થયેલ હોવાની ખાતરી કરવામાં આવેલ છે, જેથી ત્રણ સભ્યોનો વિરોધ કરવા બાબતે ત્રણ સભ્યોને વાતોમાં લઇ સહી કરાવી છે

વિપક્ષના નેતા તરૂણ પટેલે જણાવ્યું હતું કે અમારા કામો લેવામાં આવ્યા ન હોય કેટલીક બાબતો અને કામગીરીને કારણે વિરોધ કરવામાં આવ્યો હતો. અમારા તમામ કોંગ્રેસી સભ્યોના વિસ્તારના કામો ગત વર્ષે પણ લેવામાં આવ્યા ન હતા પરંતુ કામ અંગે મૌખિક જણાવી લેખિતમાં સમાધાન લેખ લખાવી લેવાના હોય હમોએ સમાધાન કરેલ નહીં, જે ત્રણ સભ્યોએ સહી કરી છે તેમને વાતોમાં લઇ સહી કરાવી છે.

શાસક પક્ષ અને પ્રમુખ તૈયાર થતા હાલ સમાધાન
જોસેફ ગામીતના જણાવ્યા મુજબ કામો ન લેવાતા વિરોધ કરવામાં આવ્યો હતો. સમાજ અને વિસ્તારના કામો કરવા માટે શાસક પક્ષ સાથે તાલમેલ જરૂરી છે. પ્રજાકીય કામો કરવા શાસક પક્ષ અને પ્રમુખ તૈયાર થતા હાલ સમાધાન કરવામાં આવ્યું છે.

તરુણ પટેલને વિપક્ષના હોદ્દા પરથી દૂર કરવા જોઇએ
કારોબારી અધ્યક્ષ જયનાંબેન ગામીતે જણાવ્યુ હતુ કે કોંગ્રેસના 3 સભ્યોના વિપક્ષના નેતાના આક્ષેપોમાંથી પોતાને કંઈ લેવા દેવા નથી એવું જણાવતા એના પરથી સાબિત થાય છે કે તરુણ પટેલ હર હંમેશ આદિવાસી સમાજની મહિલાનું અને આદિવાસી સમાજનું અપમાન કરતા આવ્યા છે. કોંગ્રેસે આવા આદિવાસી સમાજનું અહિત કરનાર તરુણ પટેલને વિપક્ષના હોદ્દા પરથી દૂર કરવા જોઈએ.

અન્ય સમાચારો પણ છે...