‘નલ સે જલ’:મંગ‌ળિયા ગામે નળ તો પહોંચ્યા પણ જળ નહીં, મહિલાઓ ખાડામાં ઉતરી પાણી ભરવા મજબૂર

વાલોડ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અંતરિયાળ ગામોમાં સરકારની ‘નલ સે જલ’ યોજના જાણે નિરર્થક

ડોલવણ તાલુકાના મંગળીયા ગામમાં હાલ ઉનાળાની કાળઝાળ ગરમીમાં પાણીની સમસ્યા ઉદભવતા 150થી વધુ લોકોને પિવાના પાણી માટે ફાંફાં મારવાનો સમય આવ્યો છે, ફળિયામાં નળમાં પાણી નહિ આવતા, અંતે જમીનમાં 3 ફૂટ ઊંડો ખાડો ખોદીને નીચેથી પસાર પાણીની લાઈનમાંથી રોજ મહિલાઓએ 3 ટાઈમ ખાડામાં ઉતરીને પાણી ભરવા મજબુર છે.

અંડરગ્રાઉન્ડ લાઇન નીચે વાસણ મુકી ભરવું પડે છે પાણી
અંડરગ્રાઉન્ડ લાઇન નીચે વાસણ મુકી ભરવું પડે છે પાણી

સરકારે યોજના પહોંચાડી પરંતુ પાણી હજી સુધી નથી આવ્યું
રોજના તકલીફ વેઠીને મહિલાઓ હેરાન થઈ ગઈ છે. જલ સે નલ યોજના ઘરે ધરે ભલે સરકારે પહોંચાડી, પરંતુ જ્યાં નળ સુધી પાણી જ પહોંચતું ના હોય, એનો મતલબ શુ ? જેવા પ્રશ્નો ગ્રામજનો ઉઠાવી રહ્યા છે. ગામમાં પાણીની સમસ્યા બાબતે સ્થાનિક નેતા સહિત અધિકારીઓ વામના સાબિત થયા છે. સ્થાનિક ગ્રામજનોમાં રોષ ફેલાયો છે.

150થી વધુ લોકો માટે પાણીની સમસ્યા ગંભીર બની
ડોલવણ તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં ઉનાળામાં કુવા, બોરમાં જળસ્તર ખેંચાઈ જતાં પાણીની ખેંચ પડતાં લોકોએ પાણી માટે વલખાં મારવાં પડતાં હોય છે. જેમાં મંગળીયા ગામમાં છેલ્લાં ઘણાં સમયથી કુંભાવ ફળિયામાં પાણીની સમસ્યા ઉદભવતી હોવા છતાં, નિરાકરણ લાવી શકાયું નથી. આ ફળિયામાં રહેતા 150થી વધુ લોકો માટે પાણીની સમસ્યા ગંભીર બની છે.

પાણીની હલાકીથી મહિલાઓ પણ પરેશાન
ફળિયામાં નળની સુવિધા હોવા છતાં પાણી નળમાંથી નિકળતું નથી. ફળિયામાં દબાણથી પાણી પહોંચતું જ નથી. જે કારણસર ગામજનોએ પાણી મેળવવા માટે જમીનમાંથી પસાર પાણીની લાઈન દેખાઈ ત્યાં સુધી ત્રણ ફૂટ ઊંડો ખાદો ખોદવાની નોબત આવી છે, અને આ ઊંડા ખાડામાં રોજ ત્રણ ઉતરીને પાણી ભરવું પડે છે. રોજની પડતી હલાકીથી મહિલાઓ પણ પરેશાન થઈ ગઈ છે.

પાણીની વ્યવસ્થાને અભાવે ગ્રામજનોમાં રોષ
કુંભાવ ફળિયાના રહીશોએ વારંવાર રજુઆત કરી હોવા છતાં, કોઈ અયોજન કરી શક્યા નથી. કુંભાવ ફળિયાના સ્થાનિકોના જણાવ્યા મુજબ પાણીનો ફોર્સ ઓછો હોવાને કારણે નળમાં પાણી આવતું નથી, જેને કારણે પાણી માટે ખાડો ખોદવામાં આવ્યો છે. દિવસ દરમ્યાન ત્રણવાર આ ખાડામાં પાણી લેવા ફરજિયાત ઉતરવું પડે છે. પાણીની વ્યવસ્થાને અભાવે ગ્રામજનોમાં રોષ ફેલાયો છે. તાત્કાલિક અસરથી પાણીની વ્યવસ્થા કરવાની માંગણી છે.

પીવાના પાણીના ફાંફાં
અમારા ગામમાં પાણીની તકલીફ વધારે છે. બોર, કુવા માંથી પાણી ખેંચાઈ જતાં પિવાના પાણી, ઢોરઢાખરને પણ ભારે તકલીફ પડી રહી છે. પાણીની વ્યવસ્થા માટે સરપંચને રજુઆત કરવામાં આવી છે. > લક્ષ્મી બેન ચૌધરી, પંચાયત સદસ્ય

રોજ 3 વાર પાણી માટે 3 ફૂટના ખાડામાં ઉતરવું પડે છે
પાણીનો ફોર્સ ઓછો હોવાને કારણે નળમાં પાણી આવતું નથી, જેને કારણે પાણી માટે ખાડો ખોદવામાં આવ્યો છે. દિવસ દરમ્યાન ત્રણવાર આ ખાડામાં પાણી લેવા ફરજિયાત ઉતરવું પડે છે. અને પાણીની લાઇન નીચે વાસણ મુકી પાણી ભરવું પડે છે.

અન્ય સમાચારો પણ છે...