લાપરવાહ તંત્ર:આયોજન વિના આંગણવાડી તોડી પડાઈ, ભૂલકાને ઝૂંપડામાં ભણવાની નોબત

માયપુર18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વાલોડ પુલ ફળિયામાં 3 વર્ષ પહેલા તોડી પડાયેલી આંગણવાડીના સ્થાને નવી બનાવવામાં તંત્ર હજી નિષ્ફળ

વાલોડ ખાતે પુલ ફળિયામાં ત્રણ ત્રણ વર્ષથી તોડી પાડવામાં આવેલ આંગણવાડી બનાવવાની ફુરસદ તંત્રને નથી, કોરોના કાળ બાદ આ વર્ષથી આંગણવાડી રાબેતા મુજબ ચાલુ થઈ છે. ત્યારે એક ઝૂંપડાવાળા ઘરમાં ભૂલકાઓ શિક્ષણ લઈ રહ્યા છે. ખાણ ખનીજ ખાતા તરફથી મંજૂરી આપવામાં આવી છે પરંતુ વહીવટી મંજૂરીના વાંકે બની નથી. આંગણવાડી તોડ્યા બાદ ન બનવા પાછળ રાજકીય કાવા દાવાનો હળપતિ સમાજના બાળકો ભોગ બની રહ્યા છે. શિક્ષણ માટે ઉદાસીન વલણ ભૂલકાંઓના ભવિષ્ય સાથે ચેડા સમાન છે. સરકારનું પઢેગા ઈન્ડિયા તો બઢેગા ઈન્ડિયાનું સ્લોગન બર થઈ રહ્યું નથી.

વાલોડ પુલ ફળિયા વિસ્તારમાં આવેલી આંગણવાડી છેલ્લા ત્રણ ત્રણ વરસથી નવા મકાન બનાવવાના આશયથી તોડી પાડવામાં આવી હતી. આજે ત્રણ વર્ષના સમય બાદ પણ જો કામગીરી કરવામાં તંત્ર આગળ આવતું ન હોય તે જવાબદાર અધિકારીઓ માટે નીચું જોવા જેવું કહેવાય. આજે ગુજરાત સરકાર વિકાસ મોડેલ તરીકે પોતાની ઓળખ અને વિકાસના કામો બતાવતી હોય તો એ જ ગુજરાતમાં આદિવાસી અને હળપતિ સમાજના ભૂલકાંઓને પાયાંનું શિક્ષણ આપતી આંગણવાડી ત્રણ ત્રણ વરસ થયા બાદ પણ બની નથી.

કોરોના કાળ બાદ આ વર્ષથી આંગણવાડી રાબેતા મુજબ ચાલુ થઈ છે, ત્યારે 47 જેટલા વિદ્યાર્થીઓ માટે તો આંગણવાડીના નામ ઉપર આભ અને નીચે ધરતી છે, ભૂલકાઓ માટે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા ન હોય એક રહીશના ઝૂપડા જેવા ઘરમાં પ્રાથમિક સુવિધા વગર અભ્યાસ કરવા મજબૂર બન્યા છે, બે આંગણવાડી કાર્યકર બહેનો દ્ધારા નાની ઓરડીમાં 47 જેટલા બાળકોને બ્લેક બોર્ડ વિના અભ્યાસ આપવામાં આવી રહ્યો છે.

વહીવટી આટીઘુંટીમાં અટવાયું અનેક ભૂંલકાઓનુ ભવિષ્ય
આંગણવાડી માટે સ્થાનિક રહીશો દ્ધારા વારંવાર રજૂઆતો કરવામાં આવી છે. તપાસ કરતા વાલોડ ખાતેથી સિડીપીઓ કચેરીએથી આંગણવાડી માટેના તમામ કાગળોની પૂર્તતા કરવામાં આવતા ખાણ ખનિજ તરફથી મંજૂરી આપવામાં આવી છે, પરંતુ હજી સુધી વહીવટી મંજૂરી મળી નથી. જિલ્લા કક્ષાએથી કામગીરી કરવામાં ઉદાસીનતા અને કામગીરીને ટલ્લે ચઢાવી ફાઈલ સાઈડ પર મૂકી દેવામાં આવી છે. કોઈક રાજકીય અગ્રણીના વિસ્તારમાં આ કામગીરી હોત તો રાજકીય આકાઓને ખુશ કરવા કામગીરી પૂર્ણ થઈ ગઈ હોત. ત્રણ વરસથી આ બાબતે નિર્ણય લઈ શક્યા નથી કે કામગીરી શરૂ કરાવી શક્યા નથી. શું આવા બેજવાબદાર સરકારી બાબુઓ સામે પગલા લેવાશે કેમ એવા સવાલો સ્થાનિકોમાં ઉઠવા પામ્યા છે.

સર્વ શિક્ષાના નારા વચ્ચે પાયાનું શિક્ષણ મેળવવામાં પણ અનેક મુસીબત
સ્થાનિક અગ્રણી બિલાલ બાંગીએ જણાવ્યું હતું કે તાલુકા કક્ષાએથી જિલ્લા કક્ષાએ ફાઈલ પહોંચી ગઈ છે. ખાણ ખનીજ વિભાગ તરફથી મંજૂરી મળી છે, પરંતુ વહીવટી મંજૂરી ન મળતા નાયબ કાર્ય પાલક ઇજનેરને પંચાયતને બાંધકામની મંજૂરી આપી નથી. જેથી કામ અટવાયું છે.

અન્ય સમાચારો પણ છે...