ગત રોજ વાલોડ તાલુકામા આમ આદમી પાર્ટીની પરિવર્તન યાત્રા રેલી સ્વરૂપે ભારતીય ટ્રાઇબલ પાર્ટી સાથે સંયુક્ત વાલોડ તાલુકામાં આવી પહોંચી હતી. વાલોડ તાલુકામા રેલીની શરૂઆત બાજીપુરા ખાતેથી થઇ હતી. બાજીપુરા ખાતે આપના આદિવાસી નેતા અર્જુન રાઠવા તથા આપના સુરતના કોર્પોરેટર અલ્પેશ પટેલે જનસંવાદ કર્યો હતો.
બીટીપી તરફે બીટીપી ગુજરાતના ઉપાધ્યક્ષ પરેશ વસાવાએ સંબોધન કર્યું હતું. હાજર લોકોને મોબાઇલ એલસિડી દ્વારા દિલ્હી મોડેલની ઝાંખી કરાવી હતી, ત્યાંથી પ્રસ્થાન કરી યાત્રા બુટવાડા ગામમા જઈ વાલોડ ખાતે આવી પહોંચી હતી, વાલોડ ગામના મુખ્ય વિસ્તારોમાં રેલી ફરી હતી. ત્યાં ફરી આપના અર્જુન રાઠવાએ સંબોધન કર્યું હતું અને એલસિડી દ્વારા દિલ્હીમા થયેલ પરિવર્તન અને સુવિધાઓ વિશે જાણકારી આપવામાં આવી હતી. અંતે રોયલ પાર્ક પાસે સ્વાગત કરી આદિવાસી સાંસ્કૃતિક પ્રદર્શન કરી અને મોબાઇલ એલસિડી પર દિલ્હી મોડલ ઉપસ્થિત જનતાને બતાવામાં આવ્યું હતું.
ત્યારબાદ રેલી બુહારી પહોંચી હતી ત્યાં બુહારી સર્કલ પર રોકાણ કર્યું હતું. ત્યાર બાદ બુહારીમાં ઉપસ્થિત પોલીસકર્મીઓ દ્વારા રેલીનુ રૂટ બજાર બહારથી કરવા કહેતા આપના વાલોડ તાલુકાના મહામંત્રી નિમેષ ભંડારીએ રૂટ પ્રમાણે રેલી બજારમાંથી જ લઈ જવાનો આગ્રહ કર્તા આખરે બજારમાંથી રેલી પસાર કરવામાં આવી હતી. આખરે યાત્રા બુહારીથી રાત્રે ફૂલવાડી તરફ રવાના થઇ ગઇ હતી. રેલી દરમ્યાન પોલીસ તંત્ર દ્વારા પૂરતો બંદોબસ્ત પૂરો પાડવામાં આવ્યો હતો. આ યાત્રાનો મુખ્યહેતુ આમ આદમી પાર્ટી અને બીટીપીના ગઠબંધન તથા મુદ્દાઓ જનતા સુધી પહોંચાડી જનતાને નવો મજબૂત વિકલ્પ ઉપલબ્ધ છે તેની ખાતરી કરાવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.