વિશ્વ મહિલા દિવસ:સમાજસેવા માટે જીવન ખર્ચી કાઢનાર 87 વર્ષીય તરલાબેન

માયપુર17 દિવસ પહેલાલેખક: હનીફ પઠાણ
  • કૉપી લિંક
  • મહાદેવ દેસાઈ સમાજ સેવા પુરસ્કાર તથા અચલા એજ્યુ. ફાઉન્ડેશનથી સન્માનિત

હનીફ પઠાણ વાલોડમાં રહેતા અને વેડછી પ્રદેશ સેવા સમિતિ વાલોડના પ્રમુખ, ગાંધી વિદ્યાપીઠ વેડછીનાં ટ્રસ્ટી, સુરત જિલ્લા ખાદી ગ્રામ ઉદ્યોગ બોર્ડના કારોબારી સભ્ય અને વાલોડ વિભાગ કેળવણી મંડળના ટ્રસ્ટી એવા તરલાબેન શાહનો જન્મ 18મી જાન્યુઆરી 1936ના દિવસે દેશી રાજ્ય કચ્છના પાટનગર ભુજમાં થયો હતો. તેમના પિતાજી પ્રભુલાલ ધોળકિયા કચ્છના અગ્રણી ગાંધીવાદી, કેળવણી કાર અને હરિજન સેવક તરીકે આજીવન લોક સેવક રહ્યા હતા. પિતાજીના પગલે જ તરલાબેન બાબુભાઈ શાહએ શરૂઆતથી જ પિતાના ગુણે અને રંગે સમાજ સેવાની પ્રવૃત્તિઓમાં રચ્યા પ્રચાર રહ્યા હતા.

તેમના ગાંધી વિચાર, ખાદી, માનવસેવા, સંસ્કાર, સંગઠન વારસામાં જ મળ્યા હતા, ઉચ્ચ શિક્ષણ માટે તેઓ ગુજરાત વિદ્યાપીઠમાં અભ્યાસ કર્યો હતો. સ્નાતક થયા પછી ગ્રામ જીવનનો અનુભવ લેવા કચ્છના રાપર તાલુકામાં મગનભાઈ સોનીની સંસ્થા વલ્લભપુરમાં રહી વાગડના ધુલિયા ગામો અને વાંઢનાં ઝૂંપડાઓમાં ફરીને લોકો સાથે જોડાણ કરી સમાજ સેવામાં આગળ વધ્યા હતા.

ઝૂંપડાઓમાં ફરીને લોકો સાથે જોડાણ કરી સમાજ સેવામાં આગળ વધ્યા
શરૂઆતની તબક્કામાં સરકારી તંત્રમાં તેઓ મહિલા સમાજ શિક્ષણ અધિકારી તરીકે 140 ગામોમાં પ્રોઢ શિક્ષણ, બાળ શિક્ષણ, મહિલા સંગઠનો અને યુવા સંગઠનો માટે કામ કર્યા હતા, 1960માં વાલોડના બાબુભાઈ વજુભાઈ શાહ સાથે તેમણે લગ્ન કરી ત્યારના સુરત જિલ્લા અને અને તાપી જિલ્લાના વાલોડ તાલુકાના અંતરિયાળ ગામ એવા કલમકુઈ નામના નાનકડા ગામમાં રહેવાનું પસંદ કર્યું હતું અને તેમના તાલુકાના વિકાસના કામના એક ભાગરૂપે શિક્ષણ સંસ્થા ગ્રામભારતી શરૂ કરી હતી.

આખું જીવન સેવાકીય પ્રવૃત્તિમાં ગુજાર્યું
ત્યાંના સમયમાં આ ગામમાં રસ્તા, વીજળી, પાણી જેવી સુવિધાઓના અભાવની વચ્ચે અવનવા શિક્ષણના પ્રયોગો અને વિદ્યાર્થીઓના ઘડતરના કામોમાં ખૂપી ગયા હતા. તેમને આખું જીવન સેવાકીય પ્રવૃત્તિમાં ગુજાર્યું છે. નિવૃત્તિ પછી સેવાની વધુ પ્રવૃત્તિઓ વ્યાપક બની હતી, જેમાં 2008માં બાબુભાઈ શાહનું અવસાન થતાં પ્રદેશ સેવા સમિતિના તેઓ પ્રમુખ બન્યા હતા.

પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદજીના હસ્તે તેમનું સન્માન કરવામાં આવનાર
​​​​​​​ત્યારથી તેઓ આજ દિન સુધી પ્રમુખ તરીકે હાલ કાર્યરત છે. તરલાબેન એક મૂળ શાંતિ પ્રિય, એકાંત પ્રિય, વાંચનનો શોખ, સાહિત્ય પ્રેમ, પ્રકૃતિ પ્રેમ અને પર્યાવરણ રક્ષણ પર તેમનો અભ્યાસ મોટો છે. તેમના મુખ્ય ગમતા વિષયો શિક્ષણ અને આરોગ્ય તેમની જાહેર પ્રવૃત્તિઓમાં આ બે પર મુખ્ય ભાર મૂકવામાં આવ્યો, મહિલા જાગૃતિના કામોમાં બહેનોમાં સશક્તિકરણ માટે સભા, સંમેલનો,શિબિરો, પ્રવાસો તથા સરપંચ તરીકેની જવાબદારી સંભાળતી બહેનોના પણ તેઓ માર્ગદર્શક રહ્યા હતા.

લોકોનો પ્રેમ, લાગણી એ જ મારા માટે પુરસ્કાર
તરલાબેનના જણાવ્યા મુજબ જીવનમાં જે કંઈ કર્યું તે પોતાના સિદ્ધાંત માટે જ કામો કર્યો છે. લોકોનો પ્રેમ, સદભાવ, લાગણી એ જ મારા માટે પુરસ્કાર છે, જે લોકોના વિશ્વાસ, લાગણી, સહકાર મળ્યો છે આજે આ પડાવે પણ લોકોનો ભરોસો મળે છે એ જ મારા માટે સાચું બળ છે, હંમેશા લોકો સાથે જોડાઈ રહેવાનો આનંદ મળ્યો છે. આપણા કર્યાનો થોડોક આનંદ મળે છે, જો સુખી થવું હોય તો પ્રથમ બીજાને સુખી કરી શકાય, દેશમાં પહેલાની પરિસ્થિતિ કેવી હતી તે આજના યુવાનોને ખબર ન પડે, આઝાદી પછી સમાજમાં જે પરિવર્તન આવ્યો તેની પાછળ કેટલાય લોકોનું પરિશ્રમ, પુરુષાર્થ અને બલિદાન છે.

તો આજે તેમના પરિશ્રમ, પુરુષાર્થ અને બલિદાનના લીધે આજે દેશમાં મહિલા પુરુષોની સમોવડી બની શકી છે. મહિલાદિને કે સશક્તિકરણ એક દિવસનો કાર્યક્રમ નથી, એ તો બહેનોની સુરક્ષા, સન્માનીય સ્થાન આપી ગૌરવ વધારીએ, કુટુંબ અને સમાજમાં મહિલાઓના અધિકારનો સ્વીકાર કરીએ એ જ ખરી ઉજવણી છે અને સમાજમાં બહેનોને સ્થાન કેવું છે એ જ સમાજની પારાશીશી છે.

વિવિધ એવોર્ડથી સન્માનિત કરાયા
તરલાબેન શાહને 2020 માં ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદ તરફથી મહાદેવ દેસાઈ સમાજ સેવા એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા, તથા આ વર્ષે 19 માર્ચે તેમને અચલાં એજ્યુકેશન ફાઉન્ડેશન તરફથી ઉત્તમોત્તમ સેવાકીય અને શૈક્ષણિક કાર્યોના લીધે સારસ્વત એવોર્ડથી સન્માનિત કરવામાં આવનાર છે, જેમાં ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદજીના હસ્તે તેમનું સન્માન કરવામાં આવનાર છે.

અન્ય સમાચારો પણ છે...