ભાસ્કર વિશેષ:90 વર્ષની જૈફ વય ધરાવતાં ખેલાડીઓની સાથે તાપી જિલ્લા સિનિયર સિટીઝન ટીમે રસ્સા ખેંચ સ્પર્ધામાં ત્રીજો ક્રમ મેળવ્યો

સોનગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રાજ્ય કક્ષાના ખેલ મહાકુંભમાં રસ્સા ખેંચ સ્પર્ધા ભાવનગરમાં સંપન્ન થઈ હતી

તાજેતરમાં ભાવનગર ખાતે યોજાયેલા રાજ્ય કક્ષાના ખેલ મહાકુંભમાં 60 વર્ષની ઉપરના માટેની રસ્સા ખેંચ સ્પર્ધામાં તાપી જિલ્લાની સિનિયર સિટીઝન ખેલાડીઓની ટીમ દ્વારા સુંદર પ્રદર્શન કરવામાં આવ્યું હતું, અને રાજ્યમાં ત્રીજો ક્રમાંક મેળવ્યો હતો.

રાજ્યમાં તાજેતર માં જ ખેલ મહાકુંભ યોજાયો હતો એમાં જુદી જુદી રમતો માં જિલ્લા કક્ષા ની વિજેતા ટીમો એ ભાગ લીધો હતો.આ મહાકુંભ માં 60 વર્ષ થી ઉપર ની વય ધરાવતાં સિનિયર સિટીઝન સભ્યો માટે રસ્સા ખેંચ ની સ્પર્ધા પણ આયોજિત થઈ હતી.આ સ્પર્ધામાં તાપી જિલ્લા સિનિયર સિટીઝનના સભ્યોની ટીમે મેનેજર અને કોચ એવાં અને સોનગઢ ક્લબના માનદ મંત્રી ભાણાભાઈ જે પટેલની આગેવાનીમાં ભાગ લીધો હતો.

આ સ્પર્ધામાં હિંમતનગર, માંડવા, ભરૂચ , સોમનાથ, પાટણ, કામરેજ, વલસાડ, ભાવનગર, મહેસાણા તાપી અને મોરબીની સિનિયર સિટીઝન ક્લબના સભ્યોની ટીમોએ ભાગ લીધો હતો. આ સ્પર્ધા ભારે રસાકસી વચ્ચે રમાઈ હતી અને અંતે રાજ્યમાં પ્રથમ ક્રમાંકે મહેસાણાની ટીમ જ્યારે બીજા નંબર પર મોરબીની ટીમ રહી હતી.

જ્યારે સમગ્ર રાજ્યમાં 60 વર્ષથી વધુ વય ધરાવતા લોકોની રસ્સા ખેંચ સ્પર્ધામાં તાપી જિલ્લાની સિનિયર સિટીઝન ટીમે ત્રીજો ક્રમાંક મેળવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે આ સ્પર્ધામાં તાપી જિલ્લાની વરિષ્ઠ લોકો ની ટીમ છેલ્લા દસ વર્ષ થી સતત ભાગ લે છે પરંતુ પહેલી વખત આ રીત નો સુંદર દેખાવ કર્યો છે.

ટીમમાં 60 વર્ષથી લઈને 90 વર્ષ સુધીની વય ધરાવતાં સિનિયર સિટીઝન સભ્યો હતાં અને તેઓ તમામ આદિવાસી સમાજ માંથી આવે છે.સરકાર દ્વારા તમામ સિનિયર સિટીઝન સભ્યોને મેડલ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આમ તાપી જિલ્લા સિનિયર સિટીઝન ક્લબ ના સભ્યો એ રાજ્ય કક્ષા ની સ્પર્ધા ભાગ લઈ જિલ્લા નું નામ રોશન કર્યું હતું.

કાકા અન્ય વડીલો માટે પ્રેરણારૂપ

ખેલ મહાકુંભમાં 60 વર્ષ થી વધુ વય ધરાવતાં લોકો માટેની રસ્સા ખેંચ સ્પર્ધા યોજાઇ હતી, જેમાં તાપી જિલ્લાની ટીમે ભાગ લીધો હતો.આ ટીમના કોચ અને મેનેજર પદ પર તથા ખેલાડી તરીકે સોનગઢ રહેતાં અને 90 વર્ષની ઉંમર ધરાવતાં તથા ભાણાકાકાના હુલામણા નામે ઓળખાતા ભાણાભાઈ પટેલે ભાગ લીધો હતો.આમ ઉંમરની સાથે જોશ અને તરવરાટ ધરાવતાં ધરાવતા કાકા અન્ય વડીલો માટે પ્રેરણારૂપ છે.

અન્ય સમાચારો પણ છે...