ફરિયાદ:તારીખ પડતાં પત્ની કોર્ટમાં ગઇ ને પતિ સાસરીથી 3 વર્ષની દીકરીને ઉઠાવી ગયો

સોનગઢ7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દંપતીનો ઝઘડો થતાં હાઈકોર્ટે પુત્રીનો કબજો માતાને સોંપ્યો હતો
  • નાની ઘરમાં હોય દરવાજો બંધ કર્યો પણ જમાઇએ લાત મારી ખોલ્યો

નંદુરબાર જિલ્લાના શાહદા ખાતે પિતાના ઘરે રહેતી એક પરિણીતાએ નાસિક ખાતે રહેતાં પતિ સામે કેસ કર્યો હતો. આ કેસની તારીખ પર કોર્ટમાં આવેલ પતિ અને તેનો ભાઈ પરિણીતાની ત્રણ વર્ષીય દીકરીને નાની પાસેથી લઈ નાસી જતાં પોલીસ મથકે ફરિયાદ દાખલ થઈ હતી.

આ અંગે મળેલી વિગત મુજબ શાહદા ખાતે મીરા નગરમાં રહેતાં કલ્પનાબહેન બાગુલની દીકરી સુવર્ણાબહેનના લગ્ન પાંચ વર્ષ પહેલાં નાસિકના ઉદય નગર વિસ્તારમાં રહેતાં નિલેશ અશોકભાઇ જગદાળે સાથે થયાં હતાં. જો કે તેમની વચ્ચે મનમેળ નહિ થતાં અવાર નવાર ઝઘડા થતાં હતાં જેથી સુવર્ણા બહેન પિતાના ઘરે આવી ગયા હતાં અને પતિ સામે પોલીસ કેસ કર્યો હતો.

ગત બે દિવસ પહેલાં આ કેસ સંદર્ભે શહાદા કોર્ટમાં તારીખ હતી જેથી સુવર્ણા બહેન પોતાની ત્રણ વર્ષીય દીકરી રાહી નિલેશ જગદાળેને માતા કલ્પનાબહેન પાસે મૂકી કોર્ટ માં ગયાં હતાં. બપોરે 3.45 કલાકના અરસામાં પરિણીતાની માતા ઘરે હતાં ત્યારે જમાઈ નિલેશ અને તેનો ભાઈ શૈલેષ તેમના ઘરે આવ્યાં હતાં અને ગમે તેમ ગાળા ગાળી શરૂ કરી હતી.

આ સમય દરમિયાન કલ્પનાબહેને ઘરનો દરવાજો બંધ કરી દીધો હતો. જો કે ઉશ્કેરાટમાં આવી ગયેલા નિલેશભાઈએ લાત મારી દરવાજો ખોલી નાંખ્યો હતો અને કલ્પનાબહેનના હાથમાંથી ત્રણ વર્ષની બાળકી રાહી જગદાળેને લઈને કારમાં નાસી ગયાં હતાં.

આ બાબતે કોર્ટમાંથી ઘરે પરત આવેલા સુવર્ણા બહેનને જાણ થતાં તેઓ માતાને સાથે રાખી પોલીસ મથકે આવ્યાં હતાં અને તેમની પાસે જમાઈ નિલેશ અને તેના ભાઈ શૈલેષ સામે રાહીને પોતાના કાયદેસરના વાલીપણામાંથી ખેંચી લઈ નાસી જવા સંદર્ભે ફરિયાદ લખાવી હતી. આ ફરિયાદમાં જણાવ્યાં મૂજબ દંપતી વચ્ચેના ઝઘડામાં હાઈકોર્ટ ત્રણ વર્ષીય દીકરીનો કબજો માતા સુવર્ણા બહેન ને સોંપ્યો હોવા છતાં તેમનાં પતિ દીકરીને લઈ નાસી ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...