વિરોધ:ડાંગ સરહદે સોનગઢના કપડબંધ ગામેથી ફોર લેન માટે જમીન માપણી શરૂ કરતાં લોકોનો ઉગ્ર વિરોધ

સોનગઢ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આદિવાસી આગેવાન અને ધારાસભ્ય અનંત પટેલ અને સુનિલ ગામીત દોડી આવ્યાં

ડાંગ જિલ્લા ની સરહદે આવેલા સોનગઢ તાલુકાના કપડબંધ ગામેથી ફોર લેન રોડ માટે સ્ટાફ દ્વારા કોઈ પણ પ્રકારની આગોતરી જાણ વગર જમીન માપણી શરૂ કરવામાં આવતાં લોકો એ તેનો ઉગ્ર વિરોધ કર્યો હતો. આદિવાસી આગેવાનો સાથે તંત્ર એ લાંબી ચર્ચા કર્યા બાદ હાલ પૂરતું માપણીની કામગીરી પડતી મુકવામાં આવી હતી.

ગુજરાત સરકારે ગત સમયમાં સાપુતારા થી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી વાયા સોનગઢ-ઉકાઈનો હાલનો હાઇવે ફોર લેન કરવા જાહેરાત કરી હતી. આ સંદર્ભે હાલમાં સોનગઢના છેલ્લા ગામ કપડબંધથી સોનગઢ નગર સુધીનો રસ્તો ફોર લેન બનાવવા કામગીરી શરૂ થઈ છે. ફોર લેન હાઇવે માટે સંપાદન બાબતે તંત્ર દ્વારા ગ્રામપંચાયતને નોટિસ આપી જાણ કરી હતી અને એ સાથે અસરગ્રસ્તોને પણ જમીન માપણી અંગે નોટિસ આપી હતી.જો કે સોમવારે સ્થાનિક લોકો ને કોઈ જાણ વિના ભરારડાથી જમીન માપણી માટે અધિકારીઓ કપડબંધ આવ્યાં હતા.

આ જાણ ગ્રામજનોને થતાં તેઓ એ જાણ કર્યા વિના અથવા યોગ્ય પ્રક્રિયા અનુસર્યા વિના જમીન માપણી કરવાની બાબતનો ઉગ્ર વિરોધ કર્યો હતો. આદિવાસી આગેવાન અને વાંસદાના ધારાસભ્ય અનંતભાઈ પટેલ અને નિઝરના ધારાસભ્ય સુનિલભાઈ ગામીતને જાણ કરવામાં આવતાં તેઓ પણ દોડી આવી લોકોની રજૂઆત સાંભળી હતી. ગ્રામજનોએ ફોર લેન રસ્તા માટે મહામૂલી જમીન આપવાનો ઇનકાર કર્યો હતો, જેથી તેઓ એ હાઇવે માટે માપણી અને સંપાદનની પ્રક્રિયા સામે ઉગ્ર વિરોધ દર્શાવી આંદોલન શરૂ કરવાની ચીમકી આપી હતી.

આગેવાનોએ ઉપસ્થિત સરકારી અધિકારીઓ સાથે જમીન માપણી બાબતે લંબાણ પૂર્વક ચર્ચા કરી હતી અને હાલ પૂરતી આ જમીન માપણીની કાર્યવાહી અટકાવી હતી. જમીન માપણીની કાર્યવાહીનો વિરોધ કરવા લોકટોળા ભેગા થઈ જતાં સોનગઢ પોલીસને જાણ કરવામાં આવી હતી અને પીઆઇ એન એસ ચૌહાણ અને સ્ટાફ ગામ ખાતે પહોંચી ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો હતો. ગામ ખાતે બંને ધારાસભ્ય ઉપરાંત લાલસિંગભાઈ ગામીત, ઊર્મિલાબહેન ગામીત, યુશુભભાઈ ગામીત, હરેશભાઈ ગામીત સહિતના સામાજિક આગેવાનો ઉપસ્થિત રહી લોકોને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...