ચોરી:બે સગા ભાઇએ લાકડાની હેરાફેરી માટે પીકઅપ ચોરી

સોનગઢ8 દિવસ પહેલા
  • કૉપી લિંક
સોનગઢમાં બોલેરો વાનની ચોરીમાં ઝડપાયેલા આરોપીઓ. - Divya Bhaskar
સોનગઢમાં બોલેરો વાનની ચોરીમાં ઝડપાયેલા આરોપીઓ.
  • સાંઢકુવાથી ચોરી થયેલી પિક અપ વાન ઘૂટવેલથી મળી

સોનગઢ તાલુકાના સાંઢકુવા ગામથી ગત 30મીએ રાત્રીના સમયે આંગણે પાર્ક કરેલી રૂપિયા એક લાખની કિંમતની બોલેરો પિક અપ વાનની ચોરી થઈ ગઈ હતી. આ અંગે સોનગઢ પોલીસે તપાસ હાથ ધરી ઘુટવેલ ગામે રહેતાં બે ભાઈઓની ધરપકડ કરી તેમની પાસેથી બોલેરો કબ્જે લીધી હતી.

મળેલી વિગત પ્રમાણે સોનગઢના સાંઢકુવા ગામે રહેતાં ફરિયાદી દિનેશભાઇ કાંતુભાઈ ગામીત ગત 30મી એ રાત્રીના સમયે પોતાની બોલેરો પિક અપ વાન ઘર આંગણે પાર્ક કરી સુઈ ગયા હતાં ત્યારે પાછળથી અજાણ્યો વાનની ચોરી કરી નાસી ગયો હતો. આ અંગે સોનગઢ પોલીસ મથકે ચોરી અંગે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો, જેની તપાસ ASI સરજીતભાઈ બચુભાઈ કરી રહ્યાં હતાં. દરમિયાન સોનગઢ પીઆઇ એન એસ ચૌહાણના માર્ગદર્શન હેઠળ સોનગઢ પોલીસ આરોપીને ઝડપી પાડવા તપાસ હાથ ધરી હતી.

દરમિયાન હ્યુમન રિસોર્સ દ્વારા હે.કો દશરથ ભૂપતને બાતમી મળી હતી કે ચોરાયેલીવાન ઘુટવેલ ગામે નદી ફળિયામાં રહેતાં કેવલભાઇ જીગ્નેશભાઇ કાથાવાલા તથા જયમીનભાઇ જીગ્નેશભાઇ કાથાવાલા બે સગા ભાઈએ તેમના ઘર પાછળના ભાગે એક બોલેરો સંતાડી રાખી છે જે ચોરીની હોવાની શંકા છે. બાતમીના આધારે પોલીસ સ્ટાફે ઉપરોક્ત ઇસમોના ઘરે રેડ કરતાં નંબર વગરની બોલેરો મળી આવી હતી અને જેની ચેસીસ નંબરના આધારે ખાતરી કરતાં સાંઢકુવાથી ચોરાયેલી બોલેરો જ હોવાનું ખુલ્યું હતું. પોલીસે આરોપીઓ પાસેથી બોલેરો અને એક બીજી બોલેરોનું કેબિનનું ફાલકું અને ગાર્ડ તથા બે મોબાઈલ મળી કુલ રૂપિયા 115500નો મુદ્દામાલ સીઝ કરી બંને ભાઈઓની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી હતી.

ચોરીના લાકડાની હેરાફેરી માટે ઉપયોગ
ચોરીના બનાવમાં ઝડપાયેલા આરોપીઓની પૂછપરછ દરમિયાન તેઓ આ રીતે પિકઅપની ચોરી કરી તેનો ઉપયોગ જંગલમાંથી ચોરીના લાકડાં વહન કરવાના હતા. દરમિયાન તેઓ મોટે ભાગે રાત્રીના સમયે આવી પિકઅપ ચોરી કરી એમાં જંગલના લાકડાં ભરી વેચાણ અર્થે લઈ જઈ આર્થિક લાભ મેળવતાં હતાં.

ભૂતકાળમાં પણ ગુના નોંધાયા છે
જયમીન જીગ્નેશ કાથાવાળા સામે ડાંગ જિલ્લાના બરડીપાડા રાઉન્ડમાં ભારતીય વન અધિનિયમ હેઠળ ગુનો દાખલ થયો હતો અને એ ગુનાના કામે વોન્ટેડ છે. એ જ રીતે કેવલ જીગ્નેશ કાથાવાળા અને જયમિન જીગ્નેશ કાથાવાળા સામે સોનગઢના ઘુટવેલ રાઉન્ડમાં પણ જંગલ ચોરીના કામે ભારતીય વન અધિનિયમ હેઠળ ગુનો દાખલ થયો હતો જેમાં તેઓ વોન્ટેડ હતાં. એ સાથે જ આરોપીની પૂછપરછમાં કાકરાપાર પોલીસ મથક વિસ્તારમાંથી પણ પિક અપની ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...