અકસ્માત:સાદડુનમાં બે બાઈક સામસામે અથડાતાં બેના મોત, બેને ઇજા

સોનગઢ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અકસ્માતમાં યુવકોને સારવાર મળે એ પહેલાં સ્થળ પર જ મોત

સોનગઢ તાલુકાના ઓટા રાજ્ય ધોરી માર્ગ પર આવેલા સાદડુન ગામ પાસે સોમવારે રાત્રિના સમયે બે બાઈક સામસામે અથડાતાં અકસ્માત સર્જાયો હતો અને બંને બાઈકચાલક યુવકોના સ્થળ પર જ મોત થયા હતાં. આ બનાવમાં બાઈક પાછળ બેસેલી એક યુવતી અને અન્ય એક યુવકને પણ ઇજા થતાં તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડયા હતા.

મૂળ મહારાષ્ટ્રના સાંકરી તાલુકાના ખેરખૂંદા ગામે રહેતાં ફોટુભાઈ માવચી ખેતી કરે છે અને તેમના બે પુત્રો છે. સોમવારે તેઓ પુત્ર સાથે સોનગઢના સાદડુન ગામે લગ્ન પ્રસંગે આવ્યાં હતાં. તેઓ લગ્નમાં વ્યસ્ત હતાં ત્યારે રાત્રિના 2.30 કલાકના અરસામાં ઓટા રોડ પર સાદડુન ગામની દૂધ ડેરી બે બાઇકો સામસામે અથડાઈ હોવાની જાણકારી મળતાં ફોટુભાઈ સ્થળ પર ગયા હતાં. તપાસ કરતાં અકસ્માતમાં તેમનો પુત્ર અને અન્ય એક યુવક સ્થળ પર જ મોતને ભેટ્યા હોવાનું જાણવા મળ્યું હતું. ફરિયાદી ફોટુભાઈ માવચીનો પુત્ર દિનેશ માવચી (20) બાઈક પર મોડી રાત્રીના સમયે મલંગદેવ ગામની તેની સ્ત્રી મિત્ર અર્ચનાબહેન ગામીતને બેસાડી ખેરખૂંદા ગામ તરફ જવા નીકળ્યા હતાં.

આ બાઈક સાદડુન ગામની દૂધ ડેરી નજીકથી પસાર થતી હતી ત્યારે ઓટા ગામ તરફથી આવતી એક બાઈક નંબર GJ-30-C-9571 ના ચાલક નિકુંજભાઈ ઇન્દુભાઈ પવાર (રહે.સુબિર જી.ડાંગ) એ પોતાની બાઈક પૂરઝડપે હંકારી દિનેશની બાઈકને સામેથી જોરદાર ટક્કર મારી હતી અને બંને બાઈક પર બેસેલા ચાર લોકો રોડ પર ફેંકાઈ ગયા હતા. આ અકસ્માતના બનાવમાં બંને બાઈક ચાલક એવાં દિનેશભાઈ ફોટુભાઈ માવચી (રહે.ખેરખૂંદા) અને નિકુંજભાઈ ઇન્દુભાઈ પવાર (રહે.સુબિર)ને માથામાં અને શરીરે ગંભીર ઇજા થઇ હતી.

મોડી રાત્રીએ સર્જાયેલા અકસ્માતના આ બનાવમાં ગંભીર ઇજા પામેલાં યુવકોને સારવાર મળે એ પહેલાં સ્થળ પર જ મોત થયા હતાં. જ્યારે અર્ચનાબહેન ગામીત અને અતુલ અર્જુન ઠેંગલને શરીરે ઇજા થતા તેમને 108 વાનની મદદથી સારવાર માટે સોનગઢ સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા હતા. આ બનાવ અંગે ફોટુભાઈએ સોનગઢ પોલીસ મથકે અકસ્માતમાં મરણ જનાર નિકુંજભાઈ પવાર સામે ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...