ઉચ્છલ નિઝર સ્ટેટ હાઇવે પર બાબરઘાટ ગામ નજીક આવેલ એક સ્કુલ નજીક ગત એક વર્ષ પહેલાં પિક અપ સ્ટેન્ડનું કામ શરૂ થયું હતું. જોકે આ કામ શરૂ થયા પછી કોઈ કારણસર બંધ થઈ જતાં વિદ્યાર્થી ભાઈ બહેનોને મુશ્કેલી પડી રહી છે. હાલમાં સ્કૂલમાં અભ્યાસ અર્થે આવતાં સ્કૂલના વિદ્યાર્થીઓને વૃક્ષ નીચે ઉભા રહી બસની રાહ જોવી પડે છે. ઉચ્છલના બાબરઘાટ ગામે એકલવ્ય મોડેલ સ્કૂલ આવેલ છે અને તેમાં ધોરણ બાર સુધીનો અભ્યાસક્રમ ચલાવવામાં આવે છે. આ સ્કૂલમાં ઉચ્છલ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાંથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા અર્થે આવે છે. આ વિદ્યાર્થીઓ એસ ટી બસના માધ્યમથી શાળા સુધી પહોંચતા હોય છે. શાળા નજીક પિક અપ સ્ટેન્ડની વ્યવસ્થા ન હોવાના કારણે વિદ્યાર્થીઓ દ્વારા સતત રજૂઆત કરવામાં આવતાં તંત્ર દ્વારા ગત વર્ષે સ્કૂલ નજીક પિક અપ બસ સ્ટેન્ડ બનાવવાના કામને મંજૂરી આપવામાં આવી હતી અને કામ પણ શરૂ થયું હતું.
જો કે સ્થળ પર લોખંડના પાઇપ ઉભા કરી દેવામાં આવ્યાં હતાં અને ઈંટો મૂકી દીધી હતી એ પછી કોઈ અગમ્ય કારણસર સ્ટેન્ડનું કામ બંધ કરી દેવામાં આવ્યું હતું, જે આજે પણ અધૂરું જ છે. સ્થળ પર છાપરાં વગરનું સ્ટેન્ડ ઉભું કરી તંત્ર દ્વારા વિદ્યાર્થીઓ સાથે પિક અપ સ્ટેન્ડના નામે માત્ર મજાક જ કરી હોવાની વાત વિદ્યાર્થી નેતાઓ દ્વારા જણાવવામાં આવી છે. અહીં સ્કૂલમાં અભ્યાસ કરવા આવતાં વિદ્યાર્થીઓ અને અન્ય મુસાફરોને સ્ટેન્ડના અભાવે ઉનાળામાં ભારે તડકો સહન કરવો પડે છે જ્યારે ચોમાસામાં વરસાદી પાણીમાં પલળવાનો ફરજિયાત લાભ તંત્રના કારણે મળે છે. આ સ્થળનું પિક અપ સ્ટેન્ડ જે કારણથી અધૂરું પડ્યું છે એ કારણ દૂર કરી વિદ્યાર્થીઓને પિક અપ સ્ટેન્ડનો લાભ મળે એ દિશામાં કાર્યવાહી કરવામાં આવે એવી માગ ઉભી થઇ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.