ઉચ્છલની મામલતદાર કચેરીમાં નાયબ મામલતદાર તરીકે નોકરી કરતાં ઈસમ ગુરુવારે સવારે પોતાની બાઈક લઈ ઉચ્છલથી પોતાના ઘરે વ્યારા જઈ રહ્યાં હતાં ત્યારે એક ટ્રેક્ટર ચાલકે તેમની બાઈક ને ટક્કર મારી હતી. આ બનાવમાં માથામાં ગંભીર ઇજા પામેલા નાયબ મામલતદારનું સ્થળ પર જ મોત થયું હતું.
આ અંગે મળેલી વિગત પ્રમાણે વ્યારાના મુસા રોડ પર આવેલ શાસ્ત્રી નગરમાં રહેતાં સત્યવાનભાઈ ભીમરાજભાઈ સાળવે (40) છેલ્લા વીસ વર્ષથી રેવન્યુ વિભાગમાં સર્વિસ કરતાં હતાં અને ગત 2018ના વર્ષમાં તેમને નાયબ મામલતદાર તરીકે બઢતી મળી હતી અને તેઓ હાલ ઉચ્છલ ખાતે મામલતદાર કચેરીમાં ફરજ પર હતાં. તેઓ બુધવારે પોતાના રોજિંદા ક્રમ પ્રમાણે તેમની બાઈક નંબર GJ-05-EL-5186 લઈ વ્યારાથી ઉચ્છલ ખાતે ફરજ પર ગયા હતા. જો કે મોડી રાત્રી સુધી તેઓ ઘરે પરત ન આવતા તેમની પત્ની સંગીતા બહેને ફોન કર્યો હતો.
આ સમયે સત્યવાન ભાઈએ જણાવ્યું કે મારી મિટિંગ હોવાથી હું રાત્રે ઘરે આવીશ નહિ. ત્યારબાદ ગુરુવારે વહેલી સવારે 6.40 કલાકે તેમણે ફરીથી પત્નીને ફોન કરી જણાવ્યું કે હું ઉચ્છલથી વ્યારા આવવા માટે નીકળી ગયો છું.તેઓ સોનગઢ ના સોનારપાડા વિસ્તારમાં સોનગઢથી વ્યારા જતાં હાઇવે પર થઈ બાઈક લઈ પસાર થતા હતા ત્યારે સામેથી રોંગ સાઇડે ધસી આવેલા એક ટ્રેક્ટર નંબર GJ-10-BJ -6041ના ચાલકે પોતાનું વાહન પૂરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી બાઈકને સામેથી ટક્કર મારી હતી.
આ અકસ્માતના બનાવમાં સત્યવાન ભાઈ રોડ પર ફેંકાઈ ગયા હતાં અને તેમને માથાના ભાગે ગંભીર ઇજા થતાં સ્થળ પર જ મોત થયાનું નોંધાયું હતું. આ અંગે તેમના પરિવાર જનોને જાણ કરવામાં આવતાં તેઓ સોનગઢ ખાતે દોડી આવ્યાં હતાં. પોલીસે સ્થળ પર પહોંચી ડેડબોડીનો કબ્જો લઈ પીએમ કરવા અર્થે સોનગઢ સરકારી દવાખાને ખસેડી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.