ઉચ્છલ તાલુકામાં આવેલા ધારેશ્વર તિર્થ ક્ષેત્ર મંદિર ને જોડતો રસ્તો બિસમાર બની ગયો હોય અહીં દૂર દૂર થી ભગવાન મહાદેવના દર્શન કરવા આવતાં ભક્તોને મુશ્કેલી પડે છે. એ સાથે રસ્તા, વીજળી અને પાણી જેવી પ્રાથમિક સુવિધાઓ પણ પૂરતા પ્રમાણમાં ન હોવાની ફરિયાદ ઉભી થઇ છે. ઉચ્છલ નિઝર સ્ટેટ હાઇવે પર ભગવાન શિવનું પ્રસિદ્ધ ધારેશ્વર તિર્થ ક્ષેત્ર મંદિર આવેલ છે. આ મંદિરે ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશથી પણ શ્રદ્ધાળુઓ ભગવાનના દર્શન કરવા માટે આવે છે. ખાસ કરીને શ્રાવણ માસમાં તો દરરોજ મોટી સંખ્યામાં ભક્તો અહીં આવતાં હોય છે.
જો કે સ્ટેટ હાઇવે થી મંદિર સુધીના રસ્તા પર ઠેર ઠેર ખાડા પડી ગયા હોવાથી અહીં આવતાં વાહનચાલકોને ઘણી મુશ્કેલી પડે છે. આ સંદર્ભે તાલુકાના જુના વડગામ ખાતે રહેતા મહંત રુદ્ર પ્રમોદ પુરી દ્વારા ગત એપ્રિલ માસમાં મામલતદારને એક લેખિત અરજી આપી હતી અને તેમાં તીર્થક્ષેત્ર ધારેશ્વર મંદિર સુધીનો રસ્તો બનાવવા માટે, આ જ રોડ પર બંધ પડેલી સ્ટ્રીટ લાઇટ શરૂ કરવા માટે અને જૂના વડગામ બસ સ્ટેન્ડ પાસે જાહેર શૌચાલય બનાવવા અંગે રજુઆત કરી હતી.આ અરજ માં જણાવ્યાં મુજબ ટૂંકા દિવસોમાં પવિત્ર શ્રાવણ માસ આવે છે ત્યારે મંદિરે મોટી સંખ્યામાં લોકો દર્શને આવે છે.
આ રસ્તો શ્રાવણ માસ દરમિયાન રાત્રીના સમયે પણ શ્રદ્ધાળુઓ થી ધમધમતો રહે છે. જો કે રસ્તા પર માત્ર વીજળીના થાંભલા જ ઉભા હોય રાત્રીના સમયે રસ્તા પર અંધકાર છવાયેલો હોય છે, જેથી શ્રદ્ધાળુઓને મુશ્કેલી પડે છે. જુના વડગામ બસ સ્ટેન્ડ નજીક જાહેર શૌચાલય પણ ન હોવાથી લોકો ખુલ્લા માં શૌચ ક્રિયા કરવા મજબુર બને છે અને તેથી ગંદકી ફેલાઈ રહી છે તથા રોગચાળો પણ થવાની શક્યતા છે. મંદિરની આસપાસ પીવાના પાણી બાબતે પણ પૂરતી વ્યવસ્થા નથી અને ટાંકી બંધ પડી છે અને નળની ચકલી તૂટીને પડી છે.
ત્રણ માસ પહેલાં અરજી પણ આપી હતી
મહંત રુદ્ર પ્રમોદ પુરીએ ગત ત્રણ માસ પહેલાં અરજી આપી હતી ત્યારે મામલતદારે અરજી તાલુકા વિકાસ અધિકારીને મોકલી ઘટતી કાર્યવાહી કરવા વિનંતી કરી હતી. જો કે તાલુકા પંચાયત ઉચ્છલ દ્વારા આ સમસ્યા સંદર્ભે છેલ્લા ત્રણ માસમાં કોઈ કાર્યવાહી કરવામાં ન આવી હોવાનું અરજદારે જણાવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.