ફરિયાદ:વૃદ્ધા સાથે ઝઘડો કરતાં નાનાભાઇને સમજાવતા મોટાભાઈને માર પડ્યો

સોનગઢ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પિતાએ પણ ફરિયાદી પુત્રને માથામાં મારમારી ઇજા કરી

સોનગઢના નાની ખેરવાણ ગામે રહેતાં સંજયભાઇ કાંતિલાલ ગામીત ખેતી કરી ગુજરાન ચલાવે છે. ગામમાં જ રહેતાં સંજયભાઇના માસી વનિતા બહેન ગામિતે તાજેતરમાં ટ્રેકટર અને જેસીબીની ખરીદી કરી હતી.

આ બાબતે સંજયનો નાનોભાઈ નવીન માસી વનિતા બહેનના પતિ વિશે અપમાન જનક શબ્દો બોલી જેસીબી અને ટ્રેકટરમાં હિસ્સો માંગતો હતો અને ઝઘડો કરતો હતો. આથી ફરિયાદી સંજયભાઈ પોતાના ભાઈ નવીનને સમજાવવા માટે ગયો હતો કે માસી વયોવૃદ્ધ છે અને તેમની મહેનતથી ટ્રેકટર અને જેસીબી લીધા છે. તું એમની સાથે ખોટી રીતે ઝઘડો ન કર. આ સાંભળતા જ નવીન ગામીત ઉશ્કેરાયો હતો તેણે નજીકથી લાકડું ઉંચકી તેના વડે સંજયને પગમાં સપાટો મારી દીધો હતો.

આ જ સમયે ત્યાં આવેલા પિતા કાંતિલાલ ગામિતે પણ આરોપી પુત્ર નવીનનો પક્ષ લઈ સંજયને હથિયાર વડે માથામાં ઘા મારી દીધો હતો. આ બનાવમાં સંજયભાઇને માથામાં ઇજા થતાં તેમને લોહી લુહાણ સ્થિતિમાં સારવાર અર્થે સોનગઢ સરકારી દવાખાને ખસેડ્યા હતા જ્યાં સારવાર બાદ તેમની સ્થિતિ સુધરી છે. બનાવ સંદર્ભે સંજય ગામિતે નાનાભાઈ નવીન ગામીત અને પિતા કાંતિલાલ ગામીત સામે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...