ગુરુવારે સંપન્ન થયેલી વિધાનસભાની સામાન્ય ચૂંટણી માં તાપી જિલ્લાની બંને બેઠક પર ટકાવારી માં ઘટાડો નોંધાયો હતો.ગત વર્ષ 2017ની ચૂંટણીમાં તાપી જિલ્લામાં મતદાનની ટકાવારી 79.42 % રહી હતી જ્યારે આ વખતે મતદાનની ટકાવારી અંદાજિત 72.32 % નોંધાઇ હતી. આમ તાપી જિલ્લામાં મતદાનની ટકાવારીમાં સાત ટકા જેટલો ઘટાડો નોંધાયો હતો.
તાપી જિલ્લાની વ્યારા બેઠક પર ત્રણ મુખ્ય પક્ષના અને અન્ય મળી કુલ 07 ઉમેદવારો પોતાનું નસીબ અજમાવી રહ્યાં છે ત્યારે ગુરુવારે સાંજે તેમના ભાવિ ઇવીએમમાં કેદ થઈ ગયા હતાં. આ બેઠક પર ગત 2017ની ચૂંટણીમાં 77.73% મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો, જ્યારે આ વખતની ચૂંટણીમાં મતદાનની ટકાવારીનો આંકડો ઘટીને 65.29 % પર આવી ગયો છે.
મતદાનમાં થયેલ આ ઘટાડાના કારણો અંગે રાજકીય પંડિતો જુદા જુદા કારણો જણાવી રહ્યાં છે ત્યારે વ્યારા બેઠક પર થયેલ ઓછું મતદાન કોને ફળશે એ આઠમી ડિસેમ્બરના દિવસે ખબર પડશે. તાપી જિલ્લામાં આવેલ નિઝર બેઠક પર પણ ગત વર્ષ કરતાં આ વર્ષે થયેલ મતદાન ની કુલ ટકાવારી માં સામાન્ય ઘટાડો નોંધાયો છે. અહીં પણ ત્રણ મુખ્ય પક્ષના ઉમેદવારો સહિત કુલ છ ઉમેદવારો ચૂંટણી મેદાનમાં હતાં.
ગત 2017માં અહીં 80.80 % જેટલું ઊંચું મતદાન થયું હતું જ્યારે આ વર્ષે તેમાં લગભગ ત્રણ ટકા જેટલો ઘટાડો થયો છે.આ વર્ષે નિઝર બેઠક ની કુલ ટકાવારી લગભગ 77.87% રહી છે. બેઠકમાં આવેલ સોનગઢ નગર સહિત અન્ય તાલુકા મથકોએ પણ મતદાન ની ટકાવારી માં ઘટાડો જોવા મળ્યો હતો. આ કારણે પણ નિઝર બેઠક પર મતદાનની ટકાવારીમાં પણ સામાન્ય ઘટાડો થયો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.