સોનગઢના મચ્છી માર્કેટ વિસ્તારમાં રહેતો એક ઈસમ નગરના જરૂરિયાતમંદ લોકોને ઊંચા વ્યાજે નાણાં ધીરી બાદમાં વસૂલી માટે તેમની બાઈક કે મોપેડ કબ્જે કરી લેતો હતો. આ ઈસમ સામે ફરિયાદ થતાં પોલીસે તેની અટક કરી હતી અને તેના કબ્જા માંથી 15 વાહનની અસલ આર સી બૂક કબ્જે લીધી હતી.
સોનગઢના આલીફ નગરમાં રહેતા મનિષભાઇ મહેશભાઇ ગામીત (30) ધંધો- મજૂરીને રૂપિયાની જરૂર પડતાં નગરના મચ્છી માર્કેટમાં રહેતો આરોપી ગુલાબ બંસીભાઈ સીંદે વડ) પાસે રૂ. 60,000ની રકમ વ્યાજે લીધી હતી. આ વ્યાજ ખોર ઈસમે મુદ્દલ ન ચૂકવાઈ ત્યાં સુધી 3000 લેખે વ્યાજ લેવાનું શરૂ કર્યું હતું અને એ પ્રમાણે હમણાં સુધી કુલ 40,000થી વધુની રકમ આરોપી ગુલાબને ચૂકવી દીધી હતી. જો કે ત્યાર બાદ ફરિયાદી મનીષભાઈની આર્થિક સ્થિતિ બગડતાં તેઓ વ્યાજ ચૂકવી શક્યા ન હતાં.
એ પછી આરોપી ગુલાબે તેની નીકળતી લેણી રકમ પેટે ફરિયાદીને ધમકી આપી તેની માલિકીની એક્ટિવા મોપેડ બળજબરીથી પડાવી લીધી હતી. ત્યાર બાદ પણ જ્યાં સુધી મુદ્દલ અને ઊંચા વ્યાજ દરના મળી કુલ રૂપિયા 1,75,000 ની રકમ ચૂકવી આપવા ગુલાબ વડર ફરિયાદીને ધાકધમકી આપતો હતો. આરોપી આટલે થી જ ન અટકતાં ઉઘરાણીમાં ફરિયાદીની દાદીનું ઘર પણ નોટરી કરાવી કબ્જે લઈ લીધું હતું અને મનીષભાઈ સાથે ગાળા ગાળી કરી માનસિક રીતે હેરાન પરેશાન કરતો હતો. આ સંદર્ભે મનીષભાઈ ગામિતે સોનગઢ પોલીસ મથકે આરોપી ગુલાબ સામે ફરિયાદ લખાવતાં પોલીસે આરોપી સામે ગુનો દાખલ કર્યો હતો. પોલીસે આરોપી ની બુધવારે રાત્રે જ અટક કરી હતી.
બુધવારે રાત્રે આરોપીને દબોચી લેવાયો
સોનગઢ પોલીસે ફરિયાદ દાખલ થતાં જ બુધવારે રાત્રે આરોપી ગુલાબ ને દબોચી લીધો હતો.તેના ઘર ની તપાસ કરતાં કબાટ અને અન્ય સ્થળે થી અલગ અલગ વાહનોની કુલ 15 જેટલી અસલ આર.સી બુક મળી આવી હતી. એ સાથે જ 4 જેટલી બાઈક અને ગીરો કરાર કરેલા નોટરી સાથે ના દસ્તાવેજ પણ મળી આવ્યાં હતા.
ઉપરોકત વાહનો ની આર. સી. બુક તથા વાહન તથા દસ્તાવેજ બાબતે આરોપી ની પૂછ પરછ કરતાં તેની પાસે લોકો એ વ્યાજે નાણા લીધેલ છે તેના બદલામાં બુક સહિતની વસ્તુઓ ગીરવે આપેલ છે એવી કબૂલાત કરી હતી. પોલીસે હજી કેટલા લોકોને વ્યાજે રૂપિયા આપ્યાં છે અને કેટલાં વ્યક્તિ પાસે ઊંચું વ્યાજ વસૂલ્યું છે તેની તપાસ શરૂ કરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.