ભાસ્કર વિશેષ:આદિવાસી સમાજના સભ્યો માટે મહુડો કલ્પવૃક્ષ સમાન

સોનગઢ7 દિવસ પહેલાલેખક: દીપક શર્મા
  • કૉપી લિંક
  • સોનગઢ-વ્યારાના જંગલોમાં મહુડાના વૃક્ષ પરથી પડતાં ફૂલ વીણવાની મોસમ ચાલી રહી છે

દક્ષિણ ગુજરાતના તાપી અને ડાંગ જિલ્લામાં આવેલા જંગલોમાં મોટા પ્રમાણમાં મહુડાના વૃક્ષો જોવા મળે છે. આ મહુડાના વૃક્ષો થકી હાલ સ્થાનિક લોકો મહુડા ફૂલ મેળવી રહ્યાં છે જ્યારે દોઢ બે માસ પછી આ જ વૃક્ષ પરથી ડોળી મળે છે. આ ડોળીમાંથી નીકળતું તેલ ઘર વપરાશ માટે ઉપયોગમાં લેવામાં આવે છે. આમ તાપી જિલ્લા અને ડાંગ જિલ્લામાં વસવાટ કરતાં આદિવાસી સમાજના સભ્યો માટે મહુડાનું વૃક્ષ કલ્પવૃક્ષ સમાન છે એમ કહેવાય તો ખોટું નથી.

સોનગઢ અને વ્યારાના જંગલોમાં મહુડાના વૃક્ષ પરથી પડતાં મહુડાના ફૂલ વીણવાની મોસમ ચાલી રહી છે. જંગલોમાં જોવા મળતાં ઘેઘૂર મહુડાના વૃક્ષો ઉનાળાની બપોરે લીમડાની છાયા જેટલી જ શીતળતા આપે છે એ સાથે જ મહુડો અનેક પક્ષીઓ માટે ઘરની ગરજ પણ સારે છે. મહેકતા મહુડાનાં ફૂલ ઊંચું પોષણ મૂલ્ય ધરાવે છે અને આ ફૂલની ઔષધિય ઉપયોગિતા ઘણી છે. દક્ષિણ ગુજરાતમાં મહુડાનાં વૃક્ષોનો ઉછેર એના ફૂલો, તૈલી બીજ (ડોળી) માટે અને લાકડાં મેળવવા કરવામાં આવતો હોય છે. અંદાજ પ્રમાણે પુખ્ત વયનો મહુડો વર્ષ દરમિયાન 50થી 75 કિલો ફૂલ આપે છે અને તેના આયુષ્ય પ્રમાણે 25 કિલોથી માંડીને 150 કિલો જેટલાં ડોળી બીજનું ઉત્પાદન કરે છે.

મહુડા ફૂલનો ઉપયોગ ખાસ કરીને ઔષધિય રીતે કરવામાં આવે છે અને ફૂલમાંથી કાર્બોહાઈડ્રેટ મળી આવે છે એ સાથે જ પ્રોટીન, કેલ્શિયમ અને ફોસ્ફરસ જેવાં પોષણ મૂલ્ય પણ મળતા હોવાથી ફૂલોનું સેવન શરીર માટે ઉપયોગી બનતું હોય છે. આદિવાસી સમાજના સભ્યો આ ફૂલોને સુકવી તેને રોટલાના લોટમાં ભેળવી પોષણથી ભરપૂર રોટલા પણ બનાવતાં હોય છે. મહુડાની છાલમાંથી પણ વિવિધ ઔષધીય દવા બનાવવામાં આવે છે જે ત્વચા, બવાસીર, શરદી, ડાયાબિટીસ વગેરે રોગમાં ઉપયોગી બને છે.

હાલમાં જંગલ વિસ્તારોમાં વહેલી સવારથી લોકો મહુડા ફૂલ વીણવા પહોંચી જતાં હોય છે અને આ ફૂલ સુકવી બજારમાં વેચાણ કરી આર્થિક ઉપાર્જન પણ મેળવી લેતાં હોય છે. આમ જંગલ અથવા ખેતરના શેઢે ઉભેલો મહુડો પહેલાં ફૂલ આપે છે બાદમાં બીજ સ્વરૂપે ડોળી આપે છે અને અંતે કિંમતી લાકડું આપે છે.

હાલ મહુડાના વૃક્ષ પરથી ફૂલ મળી રહ્યાં છે જ્યારે જૂન-જુલાઈમાં ડોળી મળશે
હાલમાં મહુડાના વૃક્ષ પરથી સારા એવાં પ્રમાણમાં ફૂલ મળી રહ્યાં છે. એકાદ માસ પછી એટલે કે જૂન જુલાઈ માસમાં એનાં બીજ કે જે ડોળી તરીકે ઓળખાય છે એ મળશે. મહુડાનાં બીજ ડોળીમાંથી નીકળતું તેલ પોષણથી ભરપૂર હોય છે અને સ્થાનિક લોકો તેનો ઉપયોગ રાંધવામાં કરે છે.

આ તેલનો ઉપયોગ ત્વચાની દેખભાળ માટે પણ કરવામાં આવે છે અને ડોળી તેલ સાબુ અને ડિટરજન્ટની વિવિધ પ્રોડક્ટ બનાવવા માટે પણ કામમાં આવે છે. ડોળીમાંથી તેલ કાઢી લીધા બાદ વધતો ખોળનો ઉપયોગ ગાય ભેંસ જેવાં જાનવરના દાણ માટે કરવામાં આવે છે અને ખેતરમાં ખાતર તરીકે ઉપયોગી બને છે.

અન્ય સમાચારો પણ છે...