તાપી જિલ્લાના વ્યારા-સોનગઢ-ઉકાઈ સહિતના અન્ય ગ્રામીણ વિસ્તારોમાં શુક્રવારે વિવિધ રાજકીય પક્ષો દ્વારા રાજકીય બેઠકો નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કારણે હવે ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધીમે ધીમે ચૂંટણીલક્ષી ગરમાવો પકડાઈ રહ્યો છે. આવા સમયે ભાસ્કર દ્વારા સોનગઢ તાલુકાના વિવિધ ગામડાંમાં થતી રાજકીય હલચલ અને ગતિવિધિઓ તથા લોકોની સાથે થતી વાતચીતના આધારે આ ગ્રાઉન્ડ રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે.
જે કણજી ગામના વિકાસમાં ધ્યાન આપે તેને મળશે મત
ઓટા સ્ટેટ રોડ પર આવેલ કણજી ગામ માં પણ હાલ ચૂંટણીલક્ષી વાતાવરણ શાંત છે. પણ આવનાર ચૂંટણી સંદર્ભે ઉત્સુકતા જરૂર જોવા મળી હતી. અહીં ગેરેજ ચલાવતાં એક યુવા મતદારે જણાવ્યું કે કોઈ પણ ધારાસભ્ય ચૂંટાઈ એણે અમારા વિસ્તાર માં આરોગ્ય અને શિક્ષણની સુવિધા માં વધારો કરવા માટે વિચારવું જોઈએ. ઉપસ્થિત અન્ય એક યુવકે જણાવ્યું કે હાલના ધારાસભ્ય ગામડાંની નિયમિત મુલાકાતે આવે છે અને સમસ્યા સાંભળી નિવારણ પણ કરે છે એવું જણાવ્યું હતું. ગામમાં કોંગ્રેસ ભાજપ અને આપ પાર્ટીના કાર્યકર્તા છે પણ ગામના વિકાસ માટે સહુ ભેગા થઈ કાર્ય કરતાં હોવાનું તેમણે જણાવ્યું હતું. કણજી ગામમાં ઘણી સમસ્યા જોવા મળી છે ત્યારે મતદારો કોને મત આપશે એ કળવું હાલના તબક્કે મુશ્કેલ છે.
ચૂંટણી ટાણે નેતાઓ વાયદા કરી જાય છે, પછી કોઇ ફરકતું જ નથી
સોનગઢ તાલુકાના જામખડી ગામનો સમાવેશ નિઝર બેઠકમાં થયો છે.અહીં શુક્રવારે ભાજપ દ્વારા કેન્દ્રીય મંત્રીની સભા યોજાઈ હતી. પણ આ સભા અંગે લોકલ માણસો જ અજાણ હતાં અને તેઓ ખાટલા બેઠકમાં મસ્ત હોવાનું દ્દશ્ય જોવા મળ્યું હતું. આ ગામ માં કોંગ્રેસ અને ભાજપ તથા આપ ના ઘણાં કાર્યકર્તાઓ પોતાની પાર્ટી ને કેમ મત આપવો જોઈએ તેનો તર્ક આપતાં નજરે પડ્યા હતાં. જઆ ગામમાં નેટવર્ક પાકા રસ્તા સહિતની સમસ્યા છે જેનું નિવારણ જે ધારાસભ્ય ચૂંટાઈ એ કરી આપે એવું લોકોએ જણાવ્યું હતું. મતદારોએ ઉમેદવારો પર કટાક્ષ કરતાં જણાવ્યું કે ચૂંટણીઓ આવે છે એટલે નેતાઓ વાયદા કરશે જ પણ પછી એમના દર્શન દુર્લભ બનશે.
મેઢા ગામમાં મોંધવારીનો મુદ્દો હાવી
દક્ષિણ સોનગઢમાં આવેલ મેઢા ગામની ગણના અગ્રણી ગામ તરીકે થાય છે. અહીં 100 ટકા આદિવાસી સમાજના ભાઈ બહેનો રહે છે. ગામમાં પ્રાથમિક શાળા સહિત રોડ રસ્તાની સુવિધા છે. જો કે મોંઘવારીનો મુદ્દો દરેક ગામડાંમાં જે રીતે હાવી છે તે રીતે અહીં પણ લોકો ને કનડે છે. પણ ગામના મતદારો હાલ તેલ જુએ છે અને તેલની ધાર જુએ છે એ પછી મતદાન કોના તરફી કરવું એનો નિર્ણય લેશે એવું વાતચીતમાંથી જાણવા મળ્યું હતું
ભાસ્કર પહોંચ્યું જંગલમાં ભેંસો ચરાવતા દાદા પાસે
ગ્રાઉન્ડ રિપોર્ટ બનાવવાના અંત ભાગમાં ભાસ્કર રિપોર્ટર ઓટા રોડ પર આવેલ દોણ ગામની સીમ નજીક જંગલ અને ખેતરાડી વિસ્તારમાં ભેંસો ચરાવતાં 80 વર્ષીય આદિવાસી સમાજ દાદા બાબુભાઈ ગામીત પાસે પહોંચ્યા હતાં. દાદાએ ગામઠી ભાષામાં જણાવ્યું કે હું એક જ પક્ષને મત આપતો આવ્યો છું. અન્ય કોઈ પાર્ટી વિશે મને ઓછી ખબર છે અને આ વેળા એ પણ હું તે પાર્ટી ને જ મત આપીશ. જો કે એમની સાથે ના યુવકે ઉમેર્યું કે અમારા વિસ્તારમાં બેરોજગારી અને મોંઘવારી મોટો મુદ્દો છે. રાજ્યમાં જેની પણ સરકાર બને આ બે મુદ્દા પર ધ્યાન આપવાની જરૂર છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.