તાજેતરમાં તાપીના વ્યારા રેલવે સ્ટેશન ખાતે ઇન્સ્પેક્શન અર્થે આવેલા રેલવે વિભાગ ના જનરલ મેનેજરને સોનગઢના એક પ્રતિનિધિ મંડળે મુલાકાત લઈ ઉકાઈ સોનગઢ રેલવે સ્ટેશન પર એક્સપ્રેસ ટ્રેનોના સ્ટોપેજ આપવામાં આવે તેવી માગ મૂકી હતી.વ્યારા ખાતે આવેલા જનરલ મેનેજરને કરવામાં આવેલ રજૂઆતમાં જણાવ્યાં પ્રમાણે ઉકાઈ સોનગઢ રેલવે સ્ટેશન સુરત ભૂસાવલ લાઈન પર અગત્યનું રેલવે સ્ટેશન ગણાય છે. અહીં ઉકાઈ નજીક આવેલા ઉકાઈ થર્મલ પાવર સ્ટેશન ખાતે દરરોજ લગભગ ત્રણ ગૂડ્સ ટ્રેનના વેગનમાં ભરીને પરપ્રાંતમાંથી કોલસો ઠલવાઇ છે.
આ થકી રેલવે વિભાગ ભાડાની આવક પેટે વાર્ષિક કરોડો રૂપિયા વસુલ કરે છે. એ સાથે જ સોનગઢમાં ઉકાઈ થર્મલમાં અને પેપર મિલમાં હજારોની સંખ્યામાં ખાસ કરીને મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશના લોકો રોજગારી રળે છે અને અહીં જ વસવાટ કરે છે. સોનગઢ નગર ખાતે પણ મોટી સંખ્યામાં પર પ્રાંતના લોકો રહે છે. જો કે આ પર પ્રાંતના લોકોના વતન તરફ જવા હાલ ટ્રેનની નામ માત્રની જ સુવિધા ઉપલબ્ધ હોય મુસાફરોને ઘણી મુશ્કેલીઓ પડે છે.
હાલ ઉકાઈ સોનગઢ સ્ટેશન પર માત્ર સુરત થી ભુસાવળ અને નંદુરબાર તરફ જતી અપ અને ડાઉન ટ્રેન ના જ સ્ટોપેજ મળેલ છે પણ તેનો સમય પણ યોગ્ય ન હોવાથી મુસાફરો ઉપયોગ કરી શકતાં નથી.આ સ્થિતિમાં ઉકાઈ સોનગઢ સ્ટેશન પર લાંબા અંતરની જેવી કે હાવડા એક્સપ્રેસ અને નવજીવન એક્સપ્રેસ ટ્રેનના સ્ટોપેજ આપવામાં આવે તેવી માંગ સાસંદ પ્રભુભાઈ વસાવાના માધ્યમ થી થઈ હતી. એ સાથે જ તાજેતરમાં શરૂ થયેલી મુંબઇ ભૂસાવળ ખાનદેશ એક્સપ્રેસ ટ્રેન પણ હાલ નવાપુરથી સીધી બારડોલી જ ઉભી રહે છે ત્યારે વ્યારા જિલ્લા મથક હોવા છતાં આ ટ્રેનનું સ્ટોપેજ અહીં આપવામાં આવ્યું નથી જે તાપી જિલ્લા માટે ઘણું અન્યાયી છે.
તાજેતરમાં થયેલી વિધાનસભાની ચૂંટણી માં અહીં ના લોકો એ જિલ્લા ની ત્રણે સીટ સતા પક્ષને આપી છે ત્યારે મુસાફરો ની વ્યારા અને સોનગઢ સ્ટેશન પર ટ્રેનના સ્ટોપેજ અંગેની ન્યાયી માંગણીઓ રેલવે વિભાગ દ્વારા સ્વીકારવામાં આવે એવી તીવ્ર માગ ઉભી થઇ છે. હાલ તો હંમેશાની માફક આ બાબતે જનરલ મેનેજર યોગ્ય કરવાનું આશ્વાસન આપી ગયા છે. ત્યારે આ વર્ષમાં સોનગઢ અને વ્યારા સ્ટેશનને યોગ્ય સુવિધા અને સ્ટોપેજ મળશે કે કેમ એ જોવું રહ્યું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.