સોનગઢથી દેવજીપૂરા વિસ્તારમાં થઈ મુખ્ય રસ્તો ઉકાઈ હાઇવેને જોડે છે. રસ્તા પર થઈ બારે માસ ઉકાઈ થર્મલ પાવર સ્ટેશનમાંથી રાખ ભરેલા ઓવર લોડ ટેન્કરો દોડતાં રહે છેે. શનિવારે વાંકવેલ બે રસ્તા પાસે સવારે 11.30 કલાકે રાખ ભરેલા એક ટેન્કરના કમાન પાટા તૂટતા રસ્તાની વચ્ચે જ ઉભું રહી ગયું હતું અને તેમાંથી રાખના ઢગલા રોડ પર પથરાયા હતાં.
આ કારણે એક તરફનો રોડ બંધ કર્યો હતો અને વાહનોને બીજા ટ્રેક પર મોકલવામાં આવ્યા હતા. ટેન્કરને હજી રસ્તા પરથી હટાવી લે તે પહેલાં જ બીજું ટેન્કર સામેના ટ્રેક પરથી પસાર થતી વખતે કમાન પાટા તોડી સ્થળ પર જ ખોટકાઈ ગયું હતું જેથી બીજી તરફનો રસ્તો પણ બંધ થઈ ગયો હતો.
આ રસ્તા પર પહેલાંથી જ તેને પહોળો કરવાનું કામ ચાલી રહ્યું છે. જેથી સિમેન્ટના પથ્થર સહિતનું મટીરીયલ રોડ પર ગમે તેમ પડ્યું છે અને એમાં વળી આ બંને ટેન્કરો ખોટકાતાં મોટા વાહનોની અવરજવર બંધ થઈ ગઈ હતી, જ્યારે બાઈક રિક્ષા જેવા નાના સાધનો સાઈડથી માંડ માંડ નીકળતાં હતાં. રસ્તા વચ્ચે ટેન્કરો ઉભા રહી જતાંં ટ્રાફિક જામની મોટી સમસ્યા ઉભી થઇ હતી અને બંને તરફ વાહનોની કતાર જોવા મળી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.