કાર્યવાહી:ઉચ્છલ નિઝર સ્ટેટ હાઇવે નજીક દબાણ કરનારા કેબિન-મકાન ધારકોને નોટિસ

સોનગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પંદર દિવસમાં દબાણ દૂર કરવા તાકીદ અન્યથા કાર્યવાહી કરવાની ચીમકી

ઉચ્છલ નજીકથી પસાર થતાં નિઝર સ્ટેટ હાઇવેને લાગીને કેટલીય દુકાનો અને કેબિનો ગેરકાયદે ગોઠવી દેવામાં આવી છે અને કાચા પાકા મકાનો તાણી દેવામાં આવ્યા છે. આ બાબતે માર્ગ મકાન દ્વારા રોડ માર્જિનમાં આવતાં કેબિન-મકાન ધારકોને નોટિસ આપી હતી. ઉચ્છલ ત્રણ રસ્તાથી લઈને આગળ અંદાજે 500- 700 મીટર સુધીના સ્ટેટ હાઇવેની બંને તરફ ગેરકાયદે કેબિનો ગોઠવાઈ છે. ત્રણ રસ્તા અને મુખ્ય બજાર વિસ્તારમાં પણ ઘણા દુકાનદારોએ પરવાનગી વિના કેબિન ગોઠવી દીધી છે.

ખાસ કરીને ઉચ્છલ નિઝર સ્ટેટ હાઇવે પર રસ્તાની નજીક મોટા પ્રમાણમાં ગેરકાયદે દબાણ કરવામાં આવ્યું છે અને આ કારણે રસ્તાની સાઈડ સોલ્ડર પુરાઈ ગઈ છે અને તેની પર દુકાનો આવી ગઈ છે. આ જ સ્ટેટ હાઇવે પર રોડ માર્જિનમાં કેટલાક લોકોએ મકાન પણ બનાવી દીધા છે. આ કારણે રાજ્ય રસ્તો સાંકડો થવાથી અકસ્માતના બનાવોમાં પણ વધારો થયો છે અને જાન માલની હાનિ પણ થઈ રહી છે. આ બાબત સ્થાનિક સ્ટેટ માર્ગ મકાન વિભાગને ધ્યાને આવતાં અધિકારીઓ દ્વારા આવા રોડ માર્જિનમાં ગેરકાયદેસર દબાણ કરનારા લોકોને નોટિસ ફટકારવામાં આવી છે.

અને દિન 15માં દબાણ વાળી જગ્યા ખુલ્લી કરી દેવા જણાવાયું છે. નોટિસમાં જણાવ્યાં પ્રમાણે રોડથી 12 મીટર સુધીની કેબીનો, દુકાનો તથા મકાનો સમય મર્યાદામાં રસ્તા નજીકના દબાણ દૂર નહિ કરવામાં આવે તો તંત્ર દ્વારા દબાણ ધારકોના ખર્ચે અને જોખમે આ દબાણો દૂર કરવામાં આવશે તેવી ચીમકી પણ નોટિસમાં આપવામાં આવી હતી. હવે આ નોટિસ અનુસંધાને દબાણ વાળી ગેરકાયદે જગ્યા ખાલી થાય છે કે પછી તંત્રની નોટિસ માત્ર દેખાડો સાબિત થાય છે એ જોવું રહ્યું.

અન્ય સમાચારો પણ છે...