ચૂંટણી જંગ:ગત ચૂંટણીમાં સુરત-તાપીની 5 બેઠકો પર NOTA ત્રીજા નંબરે હતો

સોનગઢ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 2017માં મતદાન કરનારા 15.53 લાખ મતદારોમાંથી 28,870એ નોટાનું બટન દબાવતા 1.85 ટકા મત નોટામાં પડ્યા હતા

હાલમાં વિધાનસભાની ચૂંટણીનો રંગ જામવા માંડ્યો છે. ત્યારે ઘણી વખત બેઠક પર ચૂંટણી લડતા ઉમેદવાર પૈકીનો એક પણ ગમતો નહી હોય, ત્યારે મતદાતાઓ નોટાનો ઉપયોગ કરી શકે છે. ગત વિધાનસભા ચૂંટણી વખતે સુરત અને તાપી જિલ્લાની આઠ બેઠક પર થયેલા કુલ મતદાન 15.53 લાખ મતમાંથી 28,870 જેટલાં મતદારોએ નોટાનું બટન દબાવ્યું હતું. જે ટકાવારીની દ્રષ્ટિ એ જોતાં લગભગ 1.85 % જેટલું થાય છે.વિધાનસભા સહિતની જુદી જુદી ચૂંટણીમાં ઉભા રહેલાં ઉમેદવારોમાંથી મતદાતાને કોઈ પણ નહી ગમતો હોય, ત્યારે તેમની પાસે નોટા નામનો વિકલ્પ હોય છે.

જે મતદાતાના મતદાનના અધિકારની બખૂબી રક્ષા કરે છે. ગત ચૂંટણીમાં સુરતની માંડવી બેઠક પર કુલ મતદાન 1,81,695 જેટલું થયું હતું, અને આ બેઠક પર કોંગ્રેસ ભાજપ અને અપક્ષ ઉમેદવારવચ્ચે ત્રિપાંખ્યો જંગ થયો હતો. જેમાં કોંગ્રેસના ઉમેદવાર વિજેતા બન્યાં હતાં. જોકે તે વેળાએ ત્રણે ઉમેદવારની હરીફાઈ નિહાળી 4928 જેટલાં મતદાતાઓ નોટામાં પોતાનો મત આપી આવ્યાં હતાં. જે ટકાવારીની દ્રષ્ટિએ લગભગ 2.71 % જેટલું થાય છે. આ બેઠક પર સાત ઉમેદવારોએ ચૂંટણી લડી હતી. જેમાં નોટાને મળેલા મત ચોથા નંબરે રહ્યાં હતા.

જ્યારે બાકીના ત્રણને નોટા કરતાં પણ ઓછા મત મળ્યાં હતાં. એ જ રીતે માંગરોળ બેઠક પર થયેલાં કુલ મતદાન 156079 માંથી 1800 મતદાતાએ નોટામાં મત આપ્યો હતો. જે ટકાવારીની દ્રષ્ટિએ જોઈએ તો 1.15% જેટલી થાય છે. અહીં આઠ ઉમેદવારો ચૂંટણી જંગમાં હતાં. ત્યાં નોટા પાંચમા સ્થાને રહ્યો હતો. ગત વિધાનસભાની ચૂંટણીના પરિણામ પર નજર નાખીએ તો ઓલપાડ, કામરેજ, બારડોલી, મહુવા અને વ્યારા બેઠક પર મુખ્ય બે પક્ષ ભાજપ અને કોંગ્રેસને મળેલા મત પછી ત્રીજા નંબરે નોટાને મત મળ્યાં હતાં.

જ્યારે માંગરોળમાં નોટા પાંચમા સ્થાને ,માંડવીમાં ચોથા અને નિઝર બેઠક પર પણ મત મેળવવાની દ્રષ્ટિએ નોટા ચોથા સ્થાને રહ્યો હતો. તે સમયે મહુવા બેઠક પર ભાજપના મોહન ભાઈ ઢોડીયાએ તુષાર ભાઈ ચૌધરી ને માત્ર 6433 મતના અંતરથી હાર આપી હતી. જ્યારે અહીં નોટાને 3157 મત મળ્યાં હતાં.આમ જે મતદાતા મતદાન કરવા તો ઈચ્છે છે, પણ ચૂંટણીમાં ઉભા રહેલાં ઉમેદવાર પૈકીનો એક પણ યોગ્ય નહી લાગે તો ઇવીએમ મશીનમાં છેલ્લે આવતું નોટાનું બટન દાબી પોતાનો મતાધિકારનો ઉપયોગ કરી શકે છે. એ ભારતીય લોકતંત્રની એક ખૂબી છે, એમ કહેવાય તો ખોટું નથી.

ગત ચૂંટણીમાં નોટાને મળેલા વોટ

બેઠકકુલ મતદાનનોટાટકાવારી
ઓલપાડ24452138971.59 %
માંગરોળ15607918001.15%
માંડવી18169549282.71%
કામરેજ27781234131.23%
બારડોલી16185937142.29%
મહુવા16499031571.91%
વ્યારા16095438662.38%
નિઝર20546740951.99%
કુલ1553377288701.85%

‘નન ઓફ ધ એબોવ’ એટલે આમાથી કોઇ પસંદ નથી
ચૂંટણી માં મતદાતા એ પોતાના મતાધિકાર નો ઉપયોગ તો કરવો છે પણ ચૂંટણીમાં ઉભા રહેલા ઉમેદવારો પૈકી તેમને કોઈ પસંદ નથી ત્યારે તે મતદાર પોતાનો મત નોટા માં આપી શકે છે અને તેની જાણ કોઈ ને થતી પણ નથી.દેશમાં નોટા નો ઇવીએમ માં ઉપયોગ સહુ પ્રથમ સને 2013 માં થયેલી પાંચ વિધાનસભા ની ચૂંટણી વખતે થયો હતો.સુપ્રીમ કોર્ટ માં થયેલી એક અરજી ના અનુસંધાને નામદાર જજ દ્વારા ચૂંટણી પંચ ને 2013 માં નોટા નો ઉપયોગ કરવાની છૂટ આપતો આદેશ કરવામાં આવ્યો હતો અને એ પછી 2014 માં થયેલી લોકસભા ની ચૂંટણી વખતે પણ ઇવીએમ માં નોટા નું ચિહ્ન મૂકવામાં આવ્યું હતું.ત્યાર થી દરેક ચૂંટણી માં નોટા અંગે નો વિકલ્પ મતદારો ને મળી રહે છે.

રાજકિય પક્ષોને આત્મમંથન માટે મજબૂર કરે છે નોટા
ચૂંટણી માં ઉભા રહેલાં ઉમેદવારો પૈકી કોઈ ઉમેદવાર પસંદ નથી તે અંગે તમે નોટા માં વોટ તો આપી શકો પણ આ મતો ને નિયમ મુજબ અમાન્ય મતો ઘોષિત કરવામાં આવતાં હોય છે.નોટા માં પડતાં મતો ની ગણતરી તો જરૂર થાય છે પણ તેની પરિણામ પર કોઈ અસર થતી નથી. પરંતુ નોટામાં પડેલા વધુ વોટ મતદારોની ઉમેદવારો પ્રત્યેની અરૂચી પ્રદર્શીત કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. નોટા રાજકિય પક્ષોને આત્મમંથન કરવા મજબૂર કરે છે. ચૂંટણી પંચ ની ગાઈડ લાઇન પ્રમાણે કોઈ પણ ચૂંટણી માં જો માન્ય ઉમેદવારો કરતાં નોટા માં વધુ મત પડે તો પણ જે ઉમેદવાર ને વધુ મત મળે તેને ચૂંટાયેલો જાહેર કરવામાં આવે છે.જો કે એવું થવાની સંભાવના ઘણી ઓછી છે.

ઇવીએમમાં નોટાનું ચિન્હ ઘણું ઉપયોગી
જુદી જુદી ચૂંટણી સમયે ઘણાં ઉમેદવારો ચૂંટણી લડતા હોય છે. જો કે આ ઉમેદવારો પૈકીના કોઈ ઉમેદવાર મતદાર ને પસંદ ન હોય તો તે મતદાન કરવા માટે મતદાન કેન્દ્ર સુધી જતો જ ન હતો.જો કે હવે ઇવીએમ માં નોટા નો વિકલ્પ પણ મળતો હોવાથી મતદાન ની ટકાવારી પણ સુધરી છે. મારા મતે ઇવીએમ મશીન માં નોટા નું ચિહ્ન મતદારો માટે ઘણું ઉપયોગી છે. > વિકાસ મહેતા, યુવા મતદાતા, સોનગઢ

અન્ય સમાચારો પણ છે...