કાર્યવાહી:પાંખરી ગામ પાસે 96,000ના દારૂ ભરેલી કાર સાથે 2 પકડાયા

સોનગઢ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાયલોટિંગ કરતી કારમાંથી પણ બે ઇસમો મળી આવ્યા

ઉચ્છલ તાલુકાના પાંખરી ગામ નજીકથી પોલીસે બાતમીના આધારે એક સ્કોડા કાર અટકાવી તેમાંથી રૂપિયા 96,000 ની કિંમત નો વિદેશી દારૂ કબ્જે લીધો હતો અને બે ઇસમો ની અટક કરી હતી.આ બનાવમાં પાયલોટિંગ કરતી અર્ટિગા કાર પણ કબ્જે લઈ બે વ્યક્તિની અટક કરવામાં આવી હતી. તાપી જિલ્લા પોલીસની સ્પેશિયલ ટીમ સોનગઢ ઉચ્છલ તરફ પેટ્રોલિંગમાં હતી ત્યારે સ્ટાફને બાતમી મળી હતી કે નિઝર ઉચ્છલ તરફથી આવતી એક સ્કોડા કારમાં વિદેશી દારૂ ભરી સુરત તરફ લઈ જવામાં આવી રહ્યો છે અને તેનું પાયલોટિંગ કરતી એક અર્ટિગા કાર આગળ ચાલી રહી છે. આ અંગે સોનગઢ ચેકપોસ્ટ નજીક આવેલા પાંખરી ગામ પાસે પોલીસે વોચ ગોઠવી હતી.

દરમિયાન ગુરુવારે રાત્રીના નવ કલાકના અરસામાં બાતમી પ્રમાણેની પાયલોટિંગ કરતી કાર નંબર GJ-15-CB-3922 નજરે પડતાં તેને અટકાવવામાં આવી હતી અને કારમાંથી ઈશ્વર બંસીલાલ અંજણે અને પ્રતીક નારાયણ પાટિલ બંને રહે. ડીંડોલી મૂળ મહારાષ્ટ્રની અટક કરવામાં આવી હતી. થોડી જ વાર પછી પાછળથી સ્કોડા કાર નંબર GJ-05-CK-8382 પણ આવી જતાં તેને પોલીસે અટકાવી હતી પરંતુ કાર ચાલક પોતાની કાર યુ ટર્ન મારી પાછો ઉચ્છલ તરફ ભાગવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો. પોલીસે કારની ડીકી અને સીટ પરથી પાસ પરમિટ વિના લાવવામાં આવેલો રૂપિયા 96,000ની કિંમતનો વિદેશી દારૂ ઝડપી લીધો હતો.

આ બનાવમાં સુરેશ ગોકુળ પાટિલ રહે.ઉધના અને નરેશ સુધાકર ગોસ્વામી રહે.ડીંડોલી સુરત મૂળ બંને રહે.મહારાષ્ટ્ર ની અટક કરી હતી. આ દારૂનો જથ્થો એમપીના સેંધવા ગામે રહેતો દીપક નામના ઈસમે ભરાવ્યો હતો અને કારમાંથી મળી આવેલા સુરતના પ્રતીક નારાયણ પાટિલ છૂટક વેચાણ માટે લઈ જતો હતો. પોલીસે દારૂ ઉપરાંત બે કાર અને 04 મોબાઈલ મળી કુલ રૂપિયા 8,31,000 નો મુદ્દામાલ સીઝ કરી દીપકને વોન્ટેડ જાહેર કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...