સોનગઢ તાલુકાના વડપાડા ગામના વિવિધ ફળિયામાં પીવાના પાણીની કારમી મુશ્કેલી ઊભી થઈ છે. ઉનાળાના સમયમાં ગામની અંદર આવેલા કૂવા અને બોર જેવા પાણીના સ્ત્રોત સુકાઈ ગયા છે, જેથી લોકોને પીવાનું પાણી મળતું નથી. આ બાબતે ગ્રા જનોએ પાણી પુરવઠા વિભાગ અને વાસ્મોની કામગીરી સામે રોષ વ્યક્ત કર્યો હતો અને પાણીની વ્યવસ્થા કરવા માગ કરી હતી. સોનગઢ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં હાલમાં પીવાના પાણી મેળવવા અંગે લોકોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
સરકાર દ્વારા નલ સે જલ યોજના હેઠળ લોકોને પાઇપ લાઈન દ્વારા પીવાનું પાણી ઘર બેઠા મળે એવી જાહેરાત કરવામાં આવે છે પરંતુ આ યોજના કાગળ પર જ હોય તેમ મોટે ભાગના ગામડાંમાં આ યોજના નિષ્ફળ સાબિત થતી હોય એવાં દ્દશ્ય જોવા મળી રહ્યાં છે. સોનગઢના વડપાડા ટોકરવા ગામે પણ પીવાનું પાણી સરળતાથી મળતું ન હોય લોકો ઘણી તકલીફ વેઠી રહ્યાં છે. ગામના બોરમાં પાણી ઊંડા ઉતરી ગયા હોવાથી આ બોર અને હેન્ડપમ્પ બંધ છે.
હાલમાં લોકો ગામથી લાંબા અંતરે આવેલા બેડવાણ ગામથી પાણી મેળવી કામ ચલાવી રહ્યાં છે. ગામમાં મોટે ભાગેઆદિવાસી ભાઈ બહેનો વસવાટ કરે છે અને સિંચાઇની પૂરતી સગવડ ન હોવાથી ચોમાસા સિવાય તેઓ મજૂરી કામ કરી જીવન ગુજરાન ચલાવે છે. હાલ ઉનાળામાં ગામમાં પીવાનું પાણી મળતું ન હોય લોકો સવારથી જ સાયકલ અને બાઈક પર પ્લાસ્ટિકના કારબા ભેરવી પાણીની શોધમાં ભટકતાં હોય એવાં દ્દશ્યો આમ થઈ ગયા છે.
પાણીની પાઈપ લાઈન દસ વર્ષ પહેલા નાંખવામાં આવી હતી
ગામડાંમાં પાણી અંગેની વ્યવસ્થા કરવાની જેમની જવાબદારી છે એવાં તાપી જિલ્લાની વાસ્મો કચેરીના કર્મચારીઓ અને અધિકારી ઓફિસમાંથી જ યોજનાઓ ચલાવતા હોય તેવા હાલ છે. વડપાડાના ગ્રામજનોએ કરેલાં આક્ષેપ પ્રમાણે ગામમાં ગત સમયમાં કરવામાં આવતી નળ કનેક્શન માટેની પાઇપ લાઈન દસ વર્ષ પહેલાં નાખવામાં આવેલી અન્ય યોજના ની પાઇપ લાઈન સાથે જ જોડવામાં આવી રહી છે. એ સાથે જ આવી પાઇપ લાઈન જમીનમાં બે ફૂટ ઊંડે નાંખવાનો નિયમ છે તેને પણ ધોળીને પી જવામાં આવ્યો છે. નળ કનેક્શન માટેની પાઇપ લાઈન જમીનમાં માત્ર સાત આઠ ઇંચ જ ખોદી નાખવામાં આવી રહી છે તે કેટલી ટકશે એ અંગે શંકા કુશંકા થઈ રહી છે.
પાણી મળતું નથી ત્યારે પશુઓની હાલત ખરાબ
વડપાડા ગામમાં દર ઉનાળામાં પાણી મેળવવા બાબતે મુશ્કેલી ઉભી થાય છે પરંતુ એનું કાયમી નિરાકરણ કરવામાં આવતું નથી. હાલમાં પણ ગામમાં પાણી મળતું ન હોવાથી લોકો બાઈક અને સાયકલ પર કેરબા બાંધી બાજુના ગામમાં પાણી લેવા જાય છે. હાલમાં જ્યારે લોકોને પીવાનું પાણી મળતું નથી ત્યારે ગાય ભેંસ જેવા પાલતુ પશુઓને પણ પાણી આપી શકાતું નથી જેથી તેમની સ્થિતિ પણ ખરાબ થઈ રહી છે. -વસાવા મહેન્દ્ર ભાઈ મેથાભાઇ, કોકણી ફળિયું, વડપાડા
મજૂરી છોડી પીવાના પાણી મેળવવા માટે ભટકવું પડે છે
અમારા ગામના કોકણી ફળિયામાં પીવાના પાણી બાબતે ઘણી મુશ્કેલી પડી રહી છે. અમારા ફળિયામાં મોટે ભાગે મજૂરી કરતાં લોકો વસવાટ કરે છે ત્યારે વહેલી સવારે પાણી મેળવવાની મથામણમાં અમારે મજૂરીના નાણાં પણ ગુમાવવા પડે છે. સરકારને વિનંતી કે અમારા ફળિયા અને ગામમાં તાકીદે પીવાના પાણીની વ્યવસ્થા કરી આપે. વનિતાબેન કોકણી ,વડપાડા
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.