આંદોલન:માંડળ ટોલનાકે સ્થાનિક વાહનચાલકોને ટોલ ફીમાંથી મુક્તિ આપવા આજથી આંદોલન

સોનગઢ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ધરણાં બાદ તબક્કાવાર ભૂખ હડતાળ અને રસ્તા રોકો જેવા કાર્યક્રમ આપવામાં આવશે

સોનગઢ તાલુકાના હાઇવે પર માંડળ ગામના ટોલનાકા પર સ્થાનિક વાહન ચાલકો પાસે પણ ટોલ ફી માસિક પાસના રૂપિયા વસૂલ કરવામાં આવતાં હોય એ પ્રશ્ન અને સોનગઢના જેસિંગપુરા ટેકરા નજીક યુ ટર્નની માગ બાબતે હાઇવે ઓથોરિટી દ્વારા ધ્યાન આપવામાં ન આવતાં સોનગઢ શહેર મિત્ર મંડળના પ્રમુખ અને સભ્યો દ્વારા ગુરુવારથી ઉપવાસ અને આંદોલનનો પ્રારંભ થનાર છે.

સોનગઢ તાલુકાના માંડળ ગામે કાર્યરત ટોલ નાકા પર વાહન ચાલકોને સહુથી ઓછી સુવિધા આપવામાં આવે છે અને સહુથી વધુ ટોલ ફી વસૂલ કરવામાં આવે છે. આ નાકા પર સ્થાનિક વીસ કિલોમીટરના દાયરામાં આવેલ ગામના લોકોના વાહનોને ટોલ માંથી સંપૂર્ણ મુક્તિ આપવા બાબતે ભૂતકાળમાં ભાજપ અને કોંગ્રેસ અને અન્યો દ્વારા આંદોલન કરવામાં આવ્યાં હતાં અને ટોલ ફી બંધ પણ થઈ હતી. જો કે થોડા જ સમયમાં ટોલ ફી વસૂલાત ફરી શરૂ થઈ જાય છે.

એ સાથે જ સોનગઢના જેસિંગપુરા ટેકરા વિસ્તારમાં હાઇવે પર હાલ કાયદેસર એક પણ યુ ટર્ન આપવામાં આવ્યો નથી, જેથી લોકો એ જાતે જ યુ ટર્ન બનાવી દીધો છે. અહીં ઘણી વખત અકસ્માતના બનાવ નોંધાઇ રહ્યાં છે. સોનગઢ નજીક હાઇવે પર યુ ટર્નનો પ્રશ્ન છેલ્લા સાત વર્ષથી ઉકેલાતો નથી. આ અંગે સોનગઢ શહેર મિત્ર મંડળના પ્રમુખ વિજયભાઈ પાવસે અને સભ્યોએ જિલ્લા સ્વાગત નિવારણ સહિત ઘણી જગ્યાએ અરજ કરી છે પણ ઓથોરિટી સાંભળવા તૈયાર નથી.

આખરે ગત 28મી નવેમ્બરે વિજય પાવસે એ તાપી જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરી 14મી ડિસેમ્બર સુધીમાં પ્રશ્નો અંગે યોગ્ય નિરાકરણ ન આવે તો 15મી ગુરુવારે સવારે ટોલ નાકા નજીક ધરણાંનો કાર્યક્રમ શરૂ થશે અને એ પછી તબક્કાવાર ભૂખ હડતાળ અને રસ્તા રોકો જેવાં કાર્યક્રમ આપવામાં આવનાર હોવાનું જણાવવામાં આવ્યું હતું. એ મુજબ ગુરુવારે ટોલ બૂથ નજીક કિકાકુઈ ગામ પાસે સવારે 10.30 કલાકે આંદોલનનો પ્રારંભ થનાર છે.

અન્ય સમાચારો પણ છે...