સોનગઢ તાલુકાના બોરીસાવર ગામ નજીકથી વન વિભાગના સ્ટાફે બાતમીના આધારે ખેરના લાકડાં ભરેલો એક ટેમ્પો ઝડપી લીધો હતો જ્યારે વન વિભાગ ની ટીમ ને નિહાળતા જ ટેમ્પો સાથે ના સાત આઠ લાકડાચોર ઇસમો નાસી ગયા હતાં.મળેલી વિગત પ્રમાણે સોનગઢ ના તાપ્તિ રેન્જ વિસ્તારમાં આવેલાં કેટલાક ગામોમાં ગેરકાયદે ખેરના લાકડાં ભેગા કરી દિલ્હી તરફ મોકલવામાં આવતાં હોવાનું કહેવાય છે. આ બાબતે ભૂતકાળમાં ઘણી વખત જંગલ ચોરીના ખેરના લાકડાં પકડવામાં આવ્યાં છે પરંતુ જંગલ ચોરો નવી નવી તરકીબથી લાકડાં ચોરીમાં ફરી જોડાઈ જતાં હોય છે.
આ બાબતે તાપી ડીએફઓ આનંદ કુમારે તાપ્તિ રેન્જના સ્ટાફને તપાસમાં રહેવા સૂચના આપી હતી. વન વિભાગના સ્ટાફ જંગલમાં પેટ્રોલિંગમાં હતો ત્યારે બાતમી મળી હતી કે તાપી કિનારે આવેલા બોરીસાવર ગામમાં આશ્રમ શાળા નજીક આવેલા ઓવારા પાસે કેટલાક લોકો ટેમ્પોમાં ખેરના લાકડાં ભરી રહ્યાં છે અને એ બહાર ગામ મોકલવાની તૈયારીમાં છે. આ બાતમી અનુસંધાને તાપ્તિ અને સોનગઢ રેન્જના અધિકારીઓ અને કર્મીઓએ બાતમી વાળા સ્થળ પર દરોડો પાડતાં ટેમ્પો સાથે ઉપસ્થિત સાત આઠ લોકો નદીમાં કૂદી અને જંગલ તરફ થઈ નાસી ગયા હતા.
વન વિભાગના સ્ટાફે ટેમ્પોની તપાસ કરતા તેમાંથી 21 જેટલાં થોડા દિવસ પહેલાં જ કપાયેલા ખેરના લાકડાં મળી આવ્યાં હતાં. આ બનાવમાં વન વિભાગે ટેમ્પો અને ખેરના લાકડાં કબ્જે કર્યા હતાં અને નાસી ગયેલાં સાતથી આઠ જેટલાં લાકડાં ચોર ઇસમોની તપાસ શરૂ કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે હજી પણ સોનગઢના કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં ખેરના લાકડાં કપાવી બહાર મોકલવાનું નેટવર્ક ચાલી રહ્યું હોવાનું કહેવાય છે ત્યારે વન વિભાગ વધુ સતર્કતા દાખવી આવાં લાકડાચોરોને ઝબ્બે કરે એ જરૂરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.