તાપી જિલ્લામાં ત્રિપાંખિયો જંગ:વ્યારા બેઠક પર ગામીત અને ચૌધરી જ્યારે નિઝર બેઠક પર ગામીત,વસાવા સમાજના મતો નિર્ણાયક

સોનગઢ14 દિવસ પહેલાલેખક: દીપક શર્મા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • મતોનું ગણિત : કોંગ્રેસનો ગઢ ગણાતી તાપીની બંને બેઠકો પર જાતિય સમીકરણો મહત્વની ભૂમિકા ભજવશે
  • અત્યાર સુધીમાં વ્યારા બેઠક પર માત્ર 2 વખત અપક્ષ અને નિઝર બેઠક પર 1 વાર બીજેપીને સફળતા મળી છે

વિધાનસભાની ચૂંટણી જ્યારે આવનાર ગણતરીના દિવસ પછી યોજાવાની છે ત્યારે સંપૂર્ણ આદિવાસી ક્ષેત્ર ગણાતા તાપી જિલ્લાની વ્યારા અને નિઝરની બેઠકો કોંગ્રેસના ગઢ સમાન ગણાય છે. વ્યારા બેઠક પર છેલ્લી ચાર ટર્મથી પુનાજીભાઈ ગામીત સતત ચૂંટાઈને આવે છે, જ્યારે નિઝર બેઠક પરથી પણ છેલ્લી ચાર વિધાનસભાની ચૂંટણી માંથી ત્રણ વખત કોંગ્રેસ ના ઉમેદવાર વિજયી થયા છે. હાલ આ બેઠકો પર ભાજપ, કોંગ્રેસ અને આપ પાર્ટીના સક્ષમ ઉમેદવારો મેદાનમાં છે ત્યારે કોંગ્રેસ પોતાનો આ ગઢ સાચવી શકશે કે નહીં એ જોવું રહ્યું.

તાપી જિલ્લાની વ્યારા બેઠકની વાત કરીએ તો વ્યારાએ આદિવાસી નેતા અને માજી મુખ્યમંત્રી સ્વ.અમરસિંહ ભાઈ ચૌધરીની જન્મભૂમિ છે. આ વિસ્તારમાં પીઢ કોંગ્રેસી નેતા સ્વ.ઝીણાભાઈ દરજીએ ભૂતકાળમાં આદિવાસી સમાજ માટે શિક્ષણ, અસ્પૃશ્યતા નિવારણ અને સ્વચ્છતા બાબતે ઘણું કામ કર્યું હતું જે કારણે સ્થાનિક લોકો તેમની સાથે સાથે કોંગ્રેસ સાથે જોડાયા હતાં. એ પછીના સમયમાં સ્વ. અમરસિંહભાઈ અને તેમના પુત્ર તુષારભાઈ ચૌધરીએ પણ પ્રદેશ કક્ષા સુધી અહીંથી પ્રતિનિધિત્વ કર્યું હતું.

વ્યારા બેઠક પર હાલના સિટિંગ ધારાસભ્ય પુનાજી ગામીત ફરી એક વખત મેદાનમાં છે જ્યારે બીજેપીએ આ વિસ્તારના ખ્રિસ્તી મતદાતાને ધ્યાનમાં રાખી મોહનભાઈ કોકણીને ટિકિટ આપી છે અને આપમાંથી ભાજપના માજી જિલ્લા પ્રમુખ બિપિન ચૌધરી ચૂંટણી જંગમાં છે.

વ્યારા બેઠક પર મતદારોની કુલ સંખ્યા 2,23,002 છે તે પૈકીના લગભગ 75,000 ગામીત છે અને 64,000 જેટલાં ચૌધરી મતદાતા છે. આ બંને જાતિના મતદારો અહીં નિર્ણાયક સાબિત થાય છે. જો કે અહીં લગભગ 70,000 જેટલાં ખ્રિસ્તી મતદારો છે અને ભાજપ કોંગ્રેસના બંને ઉમેદવારો પણ ખ્રિસ્તી ધર્મ પાળતા હોવાનું કહેવાય રહ્યું છે ત્યારે આ ફેક્ટર ચૂંટણીના પરિણામ પર કેટલું પ્રભાવી બનશે એ જોવું રહ્યું.

તાપી જિલ્લાના સોનગઢ, ઉચ્છલ, નિઝર અને કુકરમુંડા એમ ચાર આદિવાસી તાલુકાના લોકોનું પ્રતિનિધિત્વ નિઝર બેઠક પરથી ચૂંટાતા સદસ્ય કરે છે. આ બેઠક પર પણ સને 2012ને બાદ કરતાં સતત કોંગ્રેસના ઉમેદવાર જ ચૂંટાતા રહ્યાં છે.

અહીંથી કોંગ્રેસના સ્વ.ગોવિંદભાઈ વસાવા અને પછી ત્રણ ટર્મથી તેમના પુત્ર પરેશભાઈ વસાવા કોંગ્રેસના ઉમેદવાર તરીકે જીતતા હતાં. નવા સીમાંકન બાદ સોનગઢને નિઝર સાથે જોડવામાં આવતાં સને 2012માં પ્રથમ વખત બીજેપીના ઉમેદવાર કાંતિભાઈ ગામીત 9924 મતોએ જીત હાંસલ કરી હતી.

જો કે એ પછી 2017માં ફરી કોંગ્રેસના સુનિલભાઈ ગામિતે 23129 મતના અંતરથી આ સીટ પરત મેળવી લીધી હતી. આ બેઠક પર મતદારોની સંખ્યા 2,82,479 જેટલી છે. અહીં પણ લગભગ 1 લાખ કરતાં વધુ મતદારો ગામીત સમાજના અને એટલી જ સંખ્યામાં વસાવા સમાજના પણ મતદાતા છે. આમ આ બંને જાતિના મતદારોના મત અહીં નિર્ણાયક બનતાં હોય છે. નિઝર બેઠક પર હાલ કોંગ્રેસના સદસ્ય ચૂંટાયેલા છે. પરંતુ આ વખતે અહીં ભાજપ દ્વારા પણ જાતિય સમિકરણોને ધ્યાનમાં રાખી ટિકિટ ફાળવી હોવાની ચર્ચા છે.

હાઇવે માટે જમીન સંપાદન મુદ્દો મહત્વનો
ગત થોડા સમય પહેલાં ગુજરાત સરકારે સાપુતારાથી સ્ટેચ્યૂ ઓફ યુનિટી સુધીનો રોડ કોરિડોર બનાવવાની જાહેરાત કરી હતી. આ અંગે સોનગઢ તાલુકામાં જમીન સંપાદન બાબતે માપણી શરૂ કરવામાં આવતાં સ્થાનિક લોકોએ ભારે વિરોધ કર્યો હતો અને તંત્રએ કામગીરી બંધ રાખવાની ફરજ પડી હતી. એ સાથે જ ઉકાઈ ડેમની આસપાસ પણ જમીન સંપાદન કરવાની વાતને કારણે આદિવાસી સમાજના લોકો રસ્તા પર બેઠા હતાં. કોંગ્રેસના નેતાઓએ આ મુદ્દો હાથ પર લઈ લીધો છે જે ની અસર પરિણામ પર થશે એવું રાજકીય પંડિતોનું માનવું છે.

માંડળ ટોલનાકાનો મુદ્દો પણ અસર કરશે
નેશનલ હાઇવે પર આવેલ માંડળ ગામનું ટોલનાકું પણ સમગ્ર તાપી જિલ્લાના વાહનધારકો માટે મહત્વનો મુદ્દો છે. નિઝર, કુકરમુંડા અને ઉચ્છલ તાલુકામાંથી કામ અર્થે વ્યારા આવતાં વાહન ધારકો પાસે મસ મોટી ટોલ ફીની રકમ વસુલવામાં આવે છે. આ બાબતે ભૂતકાળમાં કેટલીય વખત આંદોલન થઈ ચૂક્યા છે, જે તે સમયે નેતાઓ દ્વારા તાપી જિલ્લાના વાહન ધારકો માટે આ ટોલનાકે હવે પછી ટોલ ફી નહિ ભરવી પડે એવી જાહેરાતો થાય છે પણ થોડા જ સમયમાં નાકા સંચાલકો વાહન ચાલકો પાસે પુરા રૂપિયા વસુલ કરવાનું શરૂ કરી દે છે. આ મુદ્દો હાલ સોશિયલ મીડિયામાં ભારે ચર્ચામાં છે.

મોંઘવારી અને બેરોજગારી જેવા મુદ્દા પણ ચર્ચામાં
રાજ્યમાં ભલે બીજેપી નરેન્દ્રભાઇ, વિકાસ અને હિંદુત્વના નામે વોટ માંગે પણ આ બંને બેઠક પર ચૂંટણી દરમિયાન આ મુદ્દાની મોટી અસર પડતી નથી. અહીં ખેડૂતો મોટા પ્રમાણમાં વસવાટ કરે છે જેથી દવા, બિયારણ અને ખાતરના વધતા ભાવ એક મુદ્દો છે, જ્યારે 1000 રૂપિયાનો ગેસનો સિલિન્ડર ગરીબ આદિવાસી માટે મુશ્કેલી રૂપ છે. એ સાથે જ નિઝર સોનગઢ વિસ્તારમાં નામ માત્રના જ ઉદ્યોગ હોય યુવકોને રોજગારી મળતી નથી તેથી તેઓ સુરત જેવા શહેરોમાં નોકરી અર્થે દોડતાં હોય છે. આમ મોંઘવારી સાથે બેરોજગારી પણ અહીં મહત્વનો મુદ્દો છે.

અન્ય સમાચારો પણ છે...