સોનગઢ તાલુકાના દક્ષિણ વિભાગમાં આવેલ કુકડઝર ગામ નજીક આવેલ પાણી પુરવઠા યોજના અન્વયે ઉભી કરવામાં આવેલ પાણી ટાંકી હાલ માં બંધ સ્થિતિ માં હોય લોકો ને ઘર આંગણે પીવા નું પાણી મેળવવા માટે મુશ્કેલી પડી રહી છે.ગામની પાણી ની આ સમસ્યા અંગે વહીવટી તંત્ર યોગ્ય નિરાકરણ કરે એવી માંગ ઉભી થઇ છે.
સોનગઢ તાલુકાના દક્ષિણ વિભાગમાં આવેલ કુકડઝર ગામ પાસે ગ્રામજનોને ઘર આંગણે પીવાનું પાણી પૂરું પાડવા માટે પાણી પુરવઠા યોજના તૈયાર કરવામાં આવી હતી.આ યોજના અન્વયે ગામના ફળિયા માં પાઈપ લાઈન નાખી અને સ્ટેન્ડ પોસ્ટ પણ ઉભા કરવામાં આવ્યા હતા.જો કે તાલુકા ના અન્ય ગામોમાં જે રીતે પાણી પુરવઠા યોજનાઓ બંધ થઇ ને પડી છે એવાં જ કારણોસર આ કુકડઝર ગામમાં પણ સમગ્ર યોજના નિષ્ફળ સાબિત થઇ છે.
આ યોજના અન્વયે કરવામાં આવતા પાઈપ લાઈન સહિત ના કામમાં શરૂઆત થી જ વેઠ ઉતારવામાં આવી હતી અને અંતે થોડા જ સમય માં પાણી ની પાઇપ લાઈન તૂટવા સહિત ના પ્રશ્નો ઉભા થયા હતા. આમ કુકડઝર ગામની આ પાણી યોજનાનું પાણી રસ્તે જ અટકી ગયું છે એમ કહેવાય તો ખોટું નથી અને પાણી ની ટાંકી બંધ સ્થિતિમાં આવી ગઈ છે.
હાલમાં ગ્રામજનો ફળિયા માં આવેલ હેન્ડપંપના માધ્યમથી અને આસપાસના વિસ્તાર ની અન્ય પાણી યોજના અથવા સ્ત્રોત માંથી પીવાનું પાણી મેળવી રહ્યા છે અને ફળિયામાં આવેલી પાણીની ટાંકી શોભા ના ગાંઠીયાની માફક માત્ર ફળિયાની શોભા વધારતી ઉભી છે.તાપી પાણી પુરવઠા વિભાગ આવનાર ઉનાળા ને ધ્યાનમાં રાખી ગામમાં બંધ પડેલા હેન્ડપમ્પ અને પાણીની ટાંકી ફરી શરૂ કરાવે એવી માંગ ઉભી થઇ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.