લોકોએ ચોમાસામાં મુશ્કેલી વેઠવાનો વારો:ચીખલી, ભેંસરોટ ગામના રસ્તા, પુલના કામો અધૂરા, ચોમાસામાં મુશ્કેલી પડશે

સોનગઢ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
ગામના મુખ્ય રોડ પર આવેલો લો લેવલ બ્રિજ ઘણી વાર વરસાદી પાણીના વહેણને કારણે ડૂબી જાય છે. - Divya Bhaskar
ગામના મુખ્ય રોડ પર આવેલો લો લેવલ બ્રિજ ઘણી વાર વરસાદી પાણીના વહેણને કારણે ડૂબી જાય છે.
  • ગામના સરપંચે ગત ચાર માસ પહેલા તંત્રને જાણ કરી હતી પરંતુ ધ્યાને લેવામાં આવી નથી

સોનગઢ તાલુકાના અને વ્યારા સરહદ નજીક આવેલા ચીખલી ભેંસરોટ ગામમાં આવેલા લો લેવલ પુલ અને રસ્તાની સમસ્યા બાબતે ગામના મહિલા સરપંચે ચાર માસ પહેલાં સરકારી તંત્રને લેખિતમાં જાણ કરી હોવા છતાં સ્થાનિક સરકારી તંત્ર દ્વારા ધ્યાન આપવામાં આવ્યું નથી.હવે સામે ચોમાસે ગ્રામજનો ને અનેક સમસ્યા નો સામનો કરવો પડે તેવી સંભાવના છે.

સોનગઢ તાલુકાના ચીખલી ભેંસરોટ ગામના સરપંચ રુચિતા બહેન ગામિતે માર્ગ મકાન વિભાગ ના નાયબ કાર્યપાલક ઈજનેર ને ગત ફેબ્રુઆરી-2022 ના માસ માં એક લેખિત પત્ર પાઠવી ગામના મુખ્ય રસ્તા પર 66 કેવી સબ સ્ટેશન પાસે આવેલા એક લો લેવલ પુલ ને ઊંચો કરી આપવા માંગ કરી હતી.એ સાથો સાથ ગામના ચૌધરી ફળિયા થી મુખ્ય રસ્તા થઈ દાદરી ફળિયા સુધી નો અંદાજે ત્રણ કિલોમીટર નો રસ્તો અને દાદરી ફળિયા થી વાઘ પાણી (વ્યારા) ગામને જોડતો રસ્તો બનાવી આપવા માંગ કરી હતી.

ચોમાસાના સમયમાં ગામના મુખ્ય રોડ પર આવેલો લો લેવલ બ્રિજ ઘણી વાર વરસાદી પાણીના વહેણને કારણે ડૂબી જતો હોય એ વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવતો હોય છે જેથી ગ્રામજનોનો ખાસ કરીને વ્યારા અને સોનગઢ સાથેનો સીધો સંપર્ક બંધ થઈ જાય છે. એ સાથે જ ગામના ફળિયાના દર્શાવેલા રસ્તાઓ પણ હાલ બિસમાર છે અને ચોમાસાના સમયમાં આ બંને રસ્તા પર કાદવ કીચડ પ્રસરી જાય છે અને હાલમાં પણ રસ્તા પર ઊંડા ખાડા પડી ગયેલા છે.

આ રસ્તા પર થઇ પસાર થતાં વાહન ચાલકોને હાલમાં ખાડાને કારણે મુશ્કેલી પડે છે એમાં વળી હવે જ્યારે માથે ચોમાસુ આવી ને ઉભું છે ત્યારે સ્થિતિ વધુ ખરાબ થવાની સંભાવના દેખાઈ રહી છે. ગામના રસ્તા તાપીમાંથી રેતી ભરીને દોડતી ઓવરલોડ ટ્રકો ને કારણે અવાર નવાર તૂટી જાય છે.

ચીખલી ભેંસરોટ ગામ ની રસ્તા અને પુલની સમસ્યા બાબતે ગામના મહિલા સરપંચે માર્ગ મકાન વિભાગના અધિકારીને ચાર માસ પહેલાં આગોતરી જાણ કરી હતી છતાં આ બાબતે યોગ્ય ધ્યાન આપવામાં ન આવતાં હવે લોકોએ ચોમાસામાં મુશ્કેલી વેઠવાનો વારો આવનાર છે.

અન્ય સમાચારો પણ છે...