આક્ષેપ:સોનગઢ નગર પાલિકા ઇજનેર સામે વિકાસ કામોમાં ગેરરીતીના આક્ષેપ

સોનગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વિપક્ષ નેતાની ફરિયાદ , ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથે પણ ગેર વર્તણૂક કરતાં હોવાની પણ રાવ

સોનગઢ નગર પાલિકાના વિરોધ પક્ષના નેતાએ નગર પાલિકાના મ્યુનિસિપલ ઈજનેર કોન્ટ્રાકટરો સાથે મળીને નગરના જુદા જુદા વિકાસ કામોમાં ગેરરીતિ કરતાં હોવાના આક્ષેપ સાથેની ફરિયાદ નગરપાલિકાના પ્રાદેશિક કમિશનરને કરી હોવાનું જાણવા મળ્યું છે. નગરપાલિકા વોર્ડ નંબર બેમાંથી યોગેશભાઈ મરાઠે કોંગ્રેસ પાર્ટીમાંથી ચૂંટાયા હતાં અને હાલ તેઓ પાલિકામાં વિરોધપક્ષના નેતાનો હોદ્દો ધરાવે છે. યોગેશભાઈએ સોનગઢ પાલિકામાં મ્યુનિસિપલ ઈજનેર તરીકે ફરજ બજાવતાં આશયભાઈ રાકેશભાઈ શાહ સામે પ્રાદેશિક કમિશનર નગર પાલિકાને પત્ર પાઠવી ફરિયાદ રજૂ કરી હતી.

આ ફરિયાદમાં જણાવ્યા મુજબ આ મ્યુનિસિપલ ઈજનેર દ્વારા નગરપાલિકા દ્વારા થતાં વિવિધ વિકાસના કામો જેવાં કે પેવર બ્લોકના કામો, આરસીસી અને ડામર રસ્તાના કામો,પાણીની ટાંકીનું કામ સહિતના પાલિકા દ્વારા ડિપાર્ટમેન્ટલી કરવામાં આવતાં કામોમાં ખૂબ જ બેદરકારી દાખવવામાં આવે છે. આ નગરમાં ચાલતાં વિકાસ કામોમાં તેઓ કામ કરનાર એજન્સી અને કોન્ટ્રાકટર સાથે મળી મોટે પાયે ગેરરીતિ પણ કરતાં હોવાનો આક્ષેપ યોગેશભાઈએ કર્યો હતો. એ સાથે તેઓ નગરપાલિકાના ચૂંટાયેલા જન પ્રતિનિધિઓ સાથે પણ ગેર વર્તણૂક કરી અપમાન જનક વ્યવહાર કરતાં હોવાની પણ રાવ પણ પત્રમાં કરવામાં આવી છે.

પાલિકા વિસ્તારમાં થતાં જાહેર હિતના વિકાસના કામો ટેન્ડરની શરત અને પ્લાન એસ્ટીમેટ મુજબ વ્યવસ્થિત અને ચોકસાઈ રાખી કરાવવાની એમની મુખ્ય જવાબદારીમાં આવે છે. જો કે તેઓ પોતાની આ ફરજમાં સંપૂર્ણપણે બેદરકારી રાખી રહ્યાં છે. પાલિકાના સભ્યો કે અરજદાર દ્વારા પાલિકાના જુદા જુદા વિકાસ કામોની ગુણવત્તા બાબતે ઈજનેરને વારંવાર મૌખિક અને લેખિત રજૂઆત થતી હોય છે આમ છતાં તેઓ કોન્ટ્રાકટરનું હિત સાચવીને વિકાસ કામોની ગુણવત્તા બાબતે યોગ્ય ચોકસાઈ પણ રાખતાં ન હોવાનું પત્રમાં જણાવાયું છે.

આ બાબતે વિરોધપક્ષના નેતાએ વિભાગ દ્વારા મુકવામાં આવેલ કર્મચારીની કામગીરી પર કમિશનર કક્ષા એથી ઊંડાણથી તપાસ કરવામાં આવે અને ન્યાયના હિતમાં સત્ય બહાર લાવવામાં આવે તેવી પણ માગ મૂકી હતી. આ પત્રની નકલ ગાંધીનગર ખાતેના ઉચ્ચ અધિકારીઓને અને તાપી જિલ્લા કલેક્ટરને મોકલવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...