સોનગઢ તાલુકાના હાઇવે પર આવેલ માંડળ ગામ નજીકના ટોલનાકા પર સ્થાનિક વાહનોનાં ચાલકો પાસે પણ ટોલ ફી માસિક પાસના રૂપિયા વસૂલ કરવામાં આવતાં હોય, એ પ્રશ્ન અને જેસિંગપુરા ટેકરા નજીક યુ ટર્નની માગ સાથે ફરી એક વખત સોનગઢ શહેર મિત્ર મંડળના પ્રમુખ અને અન્ય વાહન ચાલકો રજુઆત કરવા ટોલ નાકે પહોંચ્યા હતાં., પરંતુ ઉપસ્થિત લોકોની વાત સાંભળવાના બદલે માંડળ ટોલ નાકાના મેનેજર સ્થળ પર દેખાયા જ ન હતાં. જેથી લોકોમાં રોષ પણ ઉઠ્યો હતો.
માંડળ ગામ પાસે હાઇવે પર કાર્યરત ટોલ નાકા પરથી પસાર થતાં વાહન ચાલકોને સંચાલકો દ્વારા યોગ્ય સુવિધા આપવામાં આવતી નથી, જ્યારે મસ મોટી ટોલ ફીની વસૂલાત કરવામાં આવે છે. આ ટોલ નાકા પર સ્થાનિક 20 કિલોમીટરના વિસ્તારમાં આવેલ ગામના લોકોના વાહનોને ટોલમાંથી મુક્તિ આપવા બાબતે ભૂતકાળમાં ભાજપ અને કોંગ્રેસ અને અન્યો દ્વારા આંદોલન કરવામાં આવ્યાં હતાં. એ પછી ટોલ ફી વસૂલાત બંધ થઈ જતી હતી પણ થોડા જ સમય બાદ ટોલ ફીની વસૂલાત ફરી શરૂ થઈ જાય છે.
નજીકના સુરત જિલ્લા અને આસપાસના વિસ્તારોમાં આવેલ ટોલનાકા પરથી સ્થાનિક વાહનો કોઈ પણ જાતની ટોલ ફી કે માસિક પાસ કઢાવ્યા વગર બિન રોકટોક પસાર થઈ રહ્યાં છે, ત્યારે હાઇવે ઓથોરિટીના નિયમો માંડળ ટોલ નાકે કેમ બદલાઈ જાય છે એવો પ્રશ્ન લોકો પૂછી રહ્યાં છે. આ બાબતે ભૂતકાળમાં થયેલ આંદોલન વખતે ટોલનાકા મેનેજરે લેખિતમાં આપ્યું હતું, કે તાપી જિલ્લાના તમામ વાહનોએ આ ટોલનાકા પર કોઈ પણ પ્રકારની ટોલ ફી ચૂકવવા રહેતી નથી. છતા આજ દિન સુધી આ બાંહેધરીનો અમલ ન કરવામાં આવતા સ્થાનિકોમાં રોષની લાગણી ફેલાઇ છે.
સ્થાનિકોનો સૂત્રોચાર; ટોલ મુક્તિ નહીં મળી તો ફરીથી આવીશું
ટોલ મુક્તિની માગ સાથે ટોલનાકે પહોંચેલા સ્થાનિકોએ ટોલનાકા મેનેજરની ઓફિસને ઘેરી લઇ હતી. પરંતુ પરિસ્થિત પામી ગયેલા મેનેજર ઓફિસમાંથી ગાયબ થઇ જતા રોષે ભરાયેલા લોકોએ ટોલમાંથી મુક્તિ નહીં મળે તો પાછા આવીશુના નારા લગાવ્યા હતા. બીજી તરફ ટોલ પ્લાઝા શરૂઆત થી જ વિવાદ નું પર્યાય બની ગયું છે.અહીં વાહન ચાલકો પાસે વસૂલ કરવામાં આવતી ટોલ ફી તો અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઇવે કરતાં પણ વધુ વસૂલાય છે. અહીં લોકલ વાહન ધારકો ને ટોલ ફી માંથી મુક્તિ આપવા માટે છેલ્લા સવા વર્ષ માં છ કરતા વધુ વખત આંદોલન થયા છે આમ છતાં નેશનલ હાઇવે ઓથોરિટી કે ટોલ પ્લાઝા ના સંચાલકો સ્થાનિકો ની રજુઆત સાંભળવા ના મુડ માં નથી.તાજેતરની વિધાનસભાની ચૂંટણી માં લોકો એ ભાજપ ને જીતાડવા માટે ખોબલે ખોબલે ભરી ને મત આપ્યાં છે ત્યારે ચૂંટાયેલા સભ્યો આ સમસ્યા ના નિરાકરણ માટે આગળ આવે એવી માગ પ્રજામાં ઉઠવા પામી છે.
લેખિત ખાતરીનો અમલ ન કરવો એ લોકો સાથે છેતરપિંડીનો ગુનો બને છે
વ્યારાના અગ્રણી નીતિન ભાઈ પ્રધાનના જણાવ્યાં મુજબ ટોલનાકા મેનેજર દ્વારા તેમણે લખીને આપેલ ખાત્રીનો અમલ કરવામાં આવતો નથી. જેથી તેમની સામે લોકો સાથે છેતરપિંડી અને વિશ્વાસઘાત કરવાનો ગુનો બને છે.આગામી દિવસોમાં પણ તાપી જિલ્લાના વાહન ધારકો માટે ટોલ મુક્તિ નું આ આંદોલન યથાવત્ જ રહેશે એવું પણ તેમણે ઉમેર્યું હતું.
જેસિંગપુરાના યુ ટર્ન મુદ્દે પણ બેદરકારી
સોનગઢના જેસિંગપુરા ટેકરા વિસ્તારમાં એક પણ યુ ટર્ન અપાયો નથી જેથી લોકો એ રોડ તોડી જાતે જ ટર્ન બનાવી દીધો છે. અહીં અવાર નવાર ગંભીર અકસ્માત થઇ રહ્યાં છે. છતાં હાઇવે ઓથોરિટી કાયદેસરના યુ ટર્ન માટેની કામગીરી શરૂ કરવા માટે સૂચના આપતી નથી. જેથી યુ ટર્નનો પ્રશ્ન છેલ્લા સાત વર્ષથી ઉકેલાતો નથી.
અગાઉ ટોલનાકા મેનેજર સામે ફરિયાદ
અગાઉ વ્યારાની મહિલાએ રોકડા રૂપિયા ભરી ત્રણ માસ નો પાસ લીધો હતો. જો કે એ પછી પણ તેમની કાર ના અવર જવર ના પૂરે પુરા રૂપિયા વસૂલાતા ટોલનાકા મેનેજર સામે છેતરપિંડી અંગેની ફરિયાદ આપી હતી પણ સોનગઢ પોલીસે ફરિયાદ દાખલ ન કરતાં બાદ માં નામદાર કોર્ટ ના હસ્તપેક્ષ બાદ મેનેજર પર કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઇ હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.